મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના (Ghatkopar Jolly Gymkhana) દ્વારા ફિઝિકલી ચૅલેન્જડ ક્રિકેટ ખેલાડીઓ માટે ભવ્ય ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, કારોબારી ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી તથા પરેશ શાહ, ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યો હંમેશાં રમતગમતને પ્રોત્સાહન આપવા તત્પર રહે છે.
બુધવાર, પહેલી એપ્રિલના રોજથી ઑલ ઇન્ડિયા ક્રિકેટ અસોસિએશન ફૉર ફિઝિકલી ચૅલેન્જ્ડ પ્લેયર્સના સહયોગથી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ 1, 2 અને 3 એપ્રિલ એમ ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં કુલ છ ટીમ (વેસ્ટ ઝોન, નૉર્થ ઝોન, સાઉથ ઝોન, ઈસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન અને બોર્ડ પ્રેસિડેન્ટ્સ ઇલેવન) ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટની ફાઇનલ ત્રીજી એપ્રિલે બપોરે 2.00 વાગ્યાથી રમાશે.
ઉદ્ઘાટન સમારોહમાં ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર અને ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કરસન ઘાવરી તથા ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અજિત વાડેકરના પત્ની શ્રીમતી રેખા અજિત વાડેકરની વિશેષ હાજરી રહી હતી. જિમખાનાના અધ્યક્ષ રજનીકાંત શાહે જણાવ્યું હતું કે `આવી ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે જિમખાના હંમેશાં તૈયાર રહે છે.'
ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન શ્રીમતી રેખા અજિત વાડેકર, કરસન ઘાવરી અને ચૅરમૅન રજનીકાંત શાહ દ્વારા રિબન કટિંગ અને શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૅરમૅન રજનીકાંત શાહ, સેક્રેટરી મુકેશ બદાણી તથા પરેશ શાહ, સ્પોર્ટ્સ કૉ-ઑર્ડિનેટર પરાગ ગાંધી, જોઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા અને ધર્મેશ મહેતા, ક્રિકેટ ઇન્ચાર્જ નિશિથ ગોળવાલા, કારોબારી સભ્યો નલિન મહેતા અને ગૌરવ મોદી તેમ જ ક્રિકેટ અસોસિએશનના ઉપ-પ્રમુખ વિનોદ દેશપાન્ડે, સેક્રેટરી વિનાયક ધોત્રે સહિત અનેક મહાનુભાવો અને છ ટીમના ખેલાડીઓ હાજર રહ્યા હતા.
પ્રમુખ કરસન ઘાવરીએ લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે `જિમખાના આવી ટૂર્નામેન્ટનું આયોજન આગળ પણ કરતું રહે એવી અપેક્ષા છે.' તેના પ્રતિભાવમાં ક્રિકેટ ઇન્ચાર્જ નિશિથ ગોળવાલાએ જણાવ્યું હતું કે `જિમખાના અને એની સમગ્ર ટીમ હંમેશાં આવા કાર્યક્રમો માટે તૈયાર છે.'