Sun Jul 19 2026

Logo

સર્જકના સથવારે:ગઝલની આન-બાન ને શાનના શિલ્પકાર ગની દહીંવાળા

2026-07-19 09:26:00
Author: Ghani Dahiwala
Article Image

 

- રમેશ પુરોહિત

ગની દહીંવાળા

ગુજરાતી ગઝલને લોકભોગ્ય અને લોકપ્રિય બનાવનાર અગ્રણી ગઝલકારોમાં ગની દહીંવાલાનું નામ અગ્રપંક્તિમાં આવે છે. તેમનું મૂળ નામ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા હતું. તેમનો જન્મ 17 ઑગષ્ટ 1908ના રોજ સુરતમાં થયો હતો. ઔપચારિક શિક્ષણ ફક્ત પ્રાથમિક પણ સ્વાધ્યાય, જીવન અનુભવ અને સાહિત્ય પ્રેમના બળે તેઓ અગ્રગણ્ય કવિ બન્યા. થોડો સમય અમદાવાદમાં રહ્યા બાદ તેઓ ફરી સુરત પરત આવ્યા અને મિલિટરીના ટેલરીંગ કોન્ટ્રેકટ લેવાનો વ્યવસાય કર્યો. સાથે સાથે કાવ્ય સર્જનને જીવનધર્મ બનાવ્યો.

ગનીભાઈ જિંદગી પર્યંત સૂરતના સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે છવાયેલા રહ્યા. સુરતમાં એમણે ‘સ્વર સંગમ’ નામના સંગીત મંડળની રચના કરી અને 1942માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્યોમાં સ્થાન મેળવ્યું. 1981માં ભારત સરકારની સાંસ્કૃતિક વિનિમય યોજના હેઠળ તેમણે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેમનું અવસાન પાંચ માર્ચ 1987ના રોજ થયું. ભાષા, ભાવ, મૌસિકી, પ્રેમ, વિરહ, સામાજિક નિસ્બત વગેરે કવિના પ્રદાનને ચિરંજીવી બનાવે છે જેમ કે:

નાજુક નાજુક નાડીના આ ફોરમ 
સરખા ધબકારા, ફૂલોને પણ ફૂલગુલાબી 
લોહી રગેરગ હોઈ શકે.

ભાષાના રૂપરંગને નવાંનક્કોર કરી શકે તે કવિનું સર્જન ટકે છે. ભાષાની સમાંતર ભાષા રચવાનો પ્રયત્ન સર્જક જયારે કરે છે ત્યારે ભાષાનું માધુર્ય ગુંજી ઊઠે છે. સંવેદનશીલ સર્જક પોતાની સંવેદનાના ટકાઉ તાણાવાણાથી ભાવજગતના ઊંડાણમાં જઈને ચોટ સાધી શકે છે.

ગનીભાઈ પરંપરાગત ગઝલમાં પરવરિશ પામ્યા પણ એ ક્યારેય સાવ પરંપરાગત થયા ન હતા, આધુનિકતા સાથેનો નાતો તાજો રાખતા હતા. ગનીભાઈનું ભણતર ઓછું પણ શબ્દોની પસંદગી એવી કે શબ્દ સૌંદર્ય કોને કહેવાય તેનો ખ્યાલ તરત જ આવે. જેમ કે:

મહેકો એમના સાન્નિધ્યમાં હે 
શ્ર્વાસ - ઉચ્છ્વાસો
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને
ગનીભાઈના આ શેર સામે જેમને આપણે આધુનિક ગઝલના પ્રણેતા ગણીએ છીએ તે આદિલ મન્સૂરીનો શેર જોઈએ અને નક્કી કરીએ કે ગનીભાઈ કેટલા આધુનિક હતા.

પહેલાં હવામાં હતી ક્યાં આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે
ગનીભાઈની ગઝલને પ્રથમ સંગ્રહ ‘ગાતાં ઝરણાં’થી મહારથીઓની સ્વીકૃતિ અને સાથ મળ્યા. ગઝલ અને ગીત બંનેમાં સરખી નામના મેળવીને ગનીભાઈએ પોતાના હલકભર્યાં મીઠા અને સૂરીલા ગળાથી ગુજરાતને ગઝલ ગાતું કર્યું.
આપણાં મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ ‘ગાતાં ઝરણા’ની પ્રસ્તાવનાની શરૂઆતમાં કહ્યું છે કે ભાઈ ગનીને મધુર કંઠની બક્ષિસ મળી છે. એમને જેમણે સાંભળ્યા હશે, તેમને એ મંજુલ હલકદ્વારા રેલાતી હૃદયના સરળ દર્દીલી મધુરતાની ચોટ વાગી જ હશે. ગનીભાઈની ભાવસમૃદ્ધિ અને કવિત્વ શક્તિનો મહિમા ઉમાશંકરે કર્યો એ કોઈપણ કવિ માટે મહત્ત્વની વાત છે.
આવી જ રીતે સાક્ષરોના સાક્ષર અને વિદ્વાન વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહ્યું હતું કે જેની અર્થ પર ઊર્મિના સ્વરૂપ ઉપર નિષ્ઠા નથી તે કવિ નથી, જેને ભાષા વિષયક કે છંદ વિષયક આગ્રહ નથી તે સાચો કલાકાર નથી. કલાકારમાં જેટલું ઊર્મિનું સાચી ઊર્મિનું બળ જોઈએ તેટલું શબ્દાકારમાં તેને મૂકતાં ધૈર્ય જોઈએ. આ શબ્દો ‘ગાતાં ઝરણા’ની પ્રસ્તાવનામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ લખ્યા અને ગનીભાઈના કવિકર્મને શુભેચ્છા પાઠવી.
કોઈ કવિ, ગઝલકાર કે સાહિત્યકાર શિષ્ટ, સારી અને લોકપ્રિય કૃતિ આપે અને તેનો સ્વીકાર વિવેચકો જ નહીં પણ જનતા એટલા જ ઉમળકાથી કરે ત્યારે એ સર્જકના શબ્દો સાર્થક બને છે. એના શબ્દોને અર્થ આપોઆપ  અનુસરે છે. ગની દહીંવાળા આવા એક સાચુકલા સર્જક હતા.
ગુજરાતી ગઝલનું સદ્ભાગ્ય કે ઓગણીસમી સદીના અંતમાં અને વીસમીની શરૂઆતમાં ગઝલને રંગરૂપે નખશિખ ગુજરાતી બનાવનારા શાયરોની એક આખી પેઢી મળી. આ બધું જાણવું જરૂરી છે. જો સંઘર્ષના પાયામાં ઊતરો નહીં તો ઈમારત કેમ ઊભી થઈ તેનો ખ્યાલ આવી નહીં શકે. ઘાયલ સાહેબે એટલે જ તો યાદ અપાવવું પડ્યું કે:
કેમ ભૂલી ગયા દટાયો છું
આ ઈમારતનો હુંય પાયો છું
ગની આ કુળના કવિ છે. પાયાના પથ્થર છે. શરૂઆતમાં ગઝલકાર મિત્રો અમીન આઝાદ, રતિલાલ અનિલ વગેરે સાથે સૂરત જિલ્લામાં અનેક મુશાયરા યોજીને ગઝલના પ્રચાર અને પ્રસાર માટે રાત ઉજાગરા કર્યાં હતા.
ગનીભાઈ શિસ્તબદ્ધ માણસ હતા. વ્યવસાયને વફાદાર, ગોપીપુરામાં નાનકડી દુકાન. એક સંચો ચાલતો હોય. ગનીભાઈ સામે પાટલો રાખીને ખાખી કલરના ઉનનાં કપડાં વેતરતા હોય. આર્મીના મોટા ઓર્ડર મુજબ માલ બનાવીને આપે. જેવી શિસ્ત અને ચીવટ કાતર ચલાવવામાં એટલી જ શિસ્ત અને ચીવટ પોતાની ગઝલોના છંદમાં જાળવી હતી. આકાર એટલે કે ગઝલના રૂપરંગને સૌષ્ઠવ આપીને કયાંય આડુંઊભું વેતર્યું ન હતું.
પ્રિયતમાનું ઉદ્યાનમાં આગમન થાય છે. આ એક સામાજિક ઘટના છે પણ આ આગમન તો પ્રાણપ્રિયા પ્રિયતમાનું છે એટલે પ્રકૃતિ પણ ખીલી ખીલી ઊઠી છે અને સર્જાય છે એક અવનવું અવર્ણનીય અને રમણીય ચિત્ર. કવિની ચિત્રાંકન શક્તિનો પરિચય શબ્દોના માધુર્યથી પ્રગટ થાય છે.
તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ
ફૂલોનીય નીચી નજર થૈ ગઈ છે.
ગનીભાઈ ફૂલો શરમાઈને નજર ઢાળી ગયાનું કહે છે. પ્રિયતમાનાં રૂપરંગ નિહાળીને ફૂલોની નજર ઝૂકી જાય છે. ભાવ તો એનો એ જ છે. આદિલ મન્સૂરી પ્રિયતમાને કહે છે કે તારું રૂપ જોઈને ફૂલો પર શું વીત્યું!:
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિશે વાત થઈ હશે.
ગનીભાઈ, લગભગ પચાસ વર્ષ સુધી ગઝલમય રહ્યા. પહેલો સંગ્રહ ‘ગાતાં ઝરણાં’ (1951), ‘મહેક’ (1961), ‘મધુરમ’ (1971), ‘નિરાંત’ (1981) અને મરણોત્તર પ્રકાશ ‘ફાંસ ફૂલ’ (1987)માં પ્રગટ થાય છે.
ગનીભાઈના સમવયસ્ક શાયરોની વાત કરીએ તો એ બધાં નામ એવાં છે કે જેઓએ ગઝલની ઈબારતનો બેનમૂન પાયો નાખ્યો હતો અને રૂડી રૂપાળી ગઝલ હવેલી શણગારી હતી. ગઝલ સમ્રાટ શયદાનો જન્મ (1892)માં અને ગનીભાઈનો જન્મ 1908માં. પતીલ (1906), અમીન આઝાદ (1913), મરીઝ (1917), અમૃત ઘાયલ (1915), શૂન્ય પાલનપુરી (1922), રુસ્વા મઝલૂમી (1915), કિસ્મત કુરેશી (1921), બરકત વીરાણી ‘બેફામ’ (1923), સૈફ પાલનપુરી (1923), શેખાદમ (1925), હરીન્દ્ર દવે (1930), જલન માતરી (1934). પ્રથમ પેઢીનો એટલે ઘડતરનો યુગ આ માતબર શાયરોથી શરૂ થયો. ત્યારબાદ 1936માં જન્મેલા આદિલ મન્સૂરી અને ખલીલ ધનતેજવીએ ગુજરાતી ગઝલને નવો વળાંક આપ્યો અને ગઝલ નખશિખ ગુજરાતણ બની.
દરેક સર્જક સંવેદનશીલ હોવાનો. કવિની સંવેદનાના સ્પંદન વધારે લાગણીશલ હોય છે. ગનીભાઈ સંવેદનાના તાણાવાણા એટલા મજબૂત હતા કે જ્યારે એ ગઝલ લખે ત્યારે તેમાં ભાવજગતનું ઊંડાણ નજરે પડે છે.એ વેદના વ્યક્ત કરે છે પણ વેદિયાવેડા નથી કરતા. એમની ગઝલોમાં એક કસક, એક દર્દ, એક વ્યથા, ભાવને અનુરૂપ શબ્દોમાં ઠરે છે અને ભાવકના દિલમાં એક હલચલ મચાવી શકે છે. જેમ કે:
વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને
* * *
તમારા યાદમાં ફૂલથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અને આંસુ વહાવીને.
* * *
ગનીભાઈ જેટલા સારા ગઝલકાર એટલા જ સારા ગીતકાર. ચાલતી કલમે મને એક ગીતનો ઉપાડ યાદ આવે છે: ‘રંગ રે માગો તો તમે કેસરિયો માગજો, ગજરાતે રંગની રેલમછેલ.’ ગીતના લય અને લહેકા ગઝલમાં સફળતાપૂર્વક ઢાળવામાં ગનીભાઈ અપ્રતિમ છે. લોકબોલી અને લોકવ્યવહારની ભાષા સાથે ફારસી, ઉર્દૂ, સંસ્કૃત શબ્દો એક પંગતમાં બેસાડવાની કુશળતા એ ગનીભાઈની ગઝલનો વિશેષ છે. ભાષા વિશેની એમની સમજણ કેટલી સાચી છે તેનો ખ્યાલ શેર પરથી આવશે:
વિશ્ર્વમાં હોય ભાષા હજારો ભલે,
ક્ધિતુ બોલી હૃદયની બધે એક છે,
શીખશું એજ બોલી ‘ગની’ આપણે,
એ જ ભાષા જમાનાને સમજાવશું.
ગનીભાઈ જેવા શાયરોએ ગઝલમાં કાવ્યતત્ત્વ અને ભાષાશુદ્ધિ માટે જે અથાક પ્રયાસ કર્યા તેના પરિણામે ગઝલની સરળતા અને લાઘવ સિદ્ધ થયાં. કલ્પનાના કલ્પાંતોથી કવિતા બને નહીં. કાવ્ય એ  જીવનની કલા છે અને પ્રેમની બાની છે.
ભાષા, છંદ, શુદ્ધ ગુજરાતી ઈબારતની સાથે સાથે ગઝલની રંગીની જાળવવી જોઈએ. ઈશ્કની વાત એટલે ઈશ્કેમિજાજી અને અધ્યાત્મની વાત એટલે ઈશ્કેહકીકીનો સમજણપૂર્વકનો વિનિયોગ શરૂ થયો છે. ગનીભાઈની ખૂબ જ લોકપ્રિય ગલિનો એક મત્લા જોઈએ:
દિવસો જુદાઈના જાય છે, 
એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઈ જશે, 
હવે શત્રુઓ જ સ્વજન સુધી. 


  (ક્રમશ:)