સમગ્ર વિશ્વમાં આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો દબદબો છે. જેને કારણે જ્યાં એક તરફ રોજગારીની નવી તકો ઊભી થઈ છે, તો બીજી તરફ કેટલીક નોકરીઓ પર જોખમ પણ તોળાઈ રહ્યું છે. ભારત પણ આ વૈશ્વિક બદલાવથી અછૂતું નથી રહ્યું. તાજેતરમાં જારી કરાયેલા એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. એઆઈ જટિલ પ્રશ્નોના જવાબ આપવા, રિપોર્ટ તૈયાર કરવા અને સૂચનો જેવા રચનાત્મક તથા લેખન કાર્ય સરળતાથી કરી શકે છે. ચાલો જોઈએ શું છે આ ખાસ રિપોર્ટમાં...
નિષ્ણાતોના મતે, ભારતમાં જનરેટિવ એઆઈની વ્યાપક અસરને કારણે બે મોટા બદલાવ જોવા મળશે પહેલી એટલે આ નવી ટેક્નોલોજીથી આશરે 42થી 48 ટકા કામકાજને ફાયદો થશે, જ્યારે બીજી બાજુ લગભગ 8થી 12 ટકા નોકરીઓ પણ જોખમમાં મુકાઈ શકે છે.
રિપોર્ટ મુજબ, દેશના અંદાજે 9થી 17 ટકા બિન-કૃષિ કાર્યો તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. આ સંપૂર્ણપણે એઆઈની કાર્યશૈલી પર નિર્ભર કરે છે કે તે કેટલા જટિલ કામોને ઓછા સમયમાં પાર પાડી શકે છે. અંદાજ મુજબ આ આંકડો 13થી 15 ટકા સુધી રહી શકે છે. જ્યાં એઆઈનો પ્રભાવ મર્યાદિત રહેશે, ત્યાં તે કર્મચારીઓનું કામ સરળ બનાવીને સમય બચાવશે, જેથી તેઓ નવું શીખી શકે. જોકે, જ્યાં ભૂલોની શક્યતા નહિવત હોવી જોઈએ ત્યાં નોકરી ગુમાવવાનું જોખમ વધુ રહેશે. સૌથી ઓછી અસર શારીરિક શ્રમ માગી લેતા કામો પર પડશે.
ભારતમાં એઆઈની અસરો
અર્થવ્યવસ્થા: એઆઈને કારણે દેશના ઉત્પાદનમાં દર વર્ષે આશરે 0.8 ટકાનો વધારો થઈ શકે છે. એટલે કે જો આજનો ગ્રોથ 10 ટકા હોય, તો આગામી 10 વર્ષમાં એઆઈ તેને 10.8 ટકા સુધી પહોંચાડી શકે છે.
નોકરીઓ:
ટેક સેક્ટરમાં ૧૦ લાખ નવી નોકરીઓનો મોટો ઉછાળો જોવા મળી શકે છે. દેશના કુલ બિન-કૃષિ રોજગારમાં ટેક સેક્ટરની હિસ્સેદારી આશરે ૨% છે. જોકે, એઆઈના કારણે દેશની 6 મોટી આઈટી કંપનીઓમાં ૩ વર્ષમાં 64,000 નોકરીઓ ઘટી પણ છે, સામે ટેક સેક્ટરમાં સાત લાખ નવી નોકરીઓ પણ જોડાઈ છે.
નવું સેક્ટર જીસીસી (ગ્લોબલ કેપેસિટી સેન્ટર):
છેલ્લા 15વર્ષમાં GCC ની સંખ્યા વધીને ત્રણ ગણી થઈ ગઈ છે, જ્યારે કર્મચારીઓની સંખ્યામાં 6 ગણો અને આવકમાં 8 ગણો વધારો થયો છે. આ સેક્ટરમાં આવક વધીને સરેરાશ 9.3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
ઈન્ડસ્ટ્રી અને સર્વિસ એક્સપોર્ટ:
જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સર્વિસ નિકાસ દેશની જીડીપી (GDP)ના 10.7 ટકા રહી છે, જે અગાઉ 10.1 ટકા હતી. કુલ સર્વિસ નિકાસમાં સોફ્ટવેર અને બિઝનેસ સંબંધિત સર્વિસીઝનો હિસ્સો 75 ટકા વટાવી ચૂક્યો છે.
ડેટા સેન્ટરની અછત—ભારત ક્યાં પાછળ છે?
એઆઈ અને ટેક્નોલોજીના આ યુગમાં ડેટા સેન્ટર (Data Center) ના નિર્માણમાં ભારત હજુ પણ ઘણું પાછળ છે. વૈશ્વિક ડેટા સેન્ટર ક્ષમતામાં ભારતનો હિસ્સો માત્ર એક ટકા જ છે. જ્યારે સરખામણી કરીએ તો અમેરિકા પાસે 47 ટકા અને ચીન પાસે 25 ટકા હિસ્સેદારી છે. હાલમાં ભારતની કુલ ક્ષમતા માત્ર એક ગીગાવોટ છે, જેનો અર્થ એ થાય કે દેશમાં હજુ પણ ભારે વીજળીનો વપરાશ કરનારા ડેટા સેન્ટરનું માળખું મોટાપાયે વિકસાવવાનું બાકી છે.