રાજેશ યાજ્ઞિક
તવાયફનું નામ લઈએ એટલે સભ્ય સમાજમાં આજે પણ લોકો નાકનું ટીચકું ચડાવે. આપણા મનમાં તવાયફની જે છબી કંડારાઈ છે, તે મોટેભાગે ફિલ્મોમાં તેમના ચરિત્ર ચિત્રણના આધારે છે. તવાયફોના ચારિત્રને લઈને પણ સમાજમાં અભિપ્રાય સારો નહોતો. એવું માની લેવાયું હતું કે તવાયફ એટલે ગણિકા જ હોય! તેમ છતાં, એક હકીકત એ છે કે ભારતના ઇતિહાસમાં નોંધાયેલી અનેક તવાયફો આલા દરાજ્જાની કલાકાર હતી. શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્યમાં પારંગત પણ હતી.
આજે એક એવી જ તવાયફની વાત કરવી છે. બાળપણમાં મુશ્કેલ પારિવારિક જીવન જોવા છતાં, તે કલાકાર તરીકે એ સ્તર પર પહોંચી હતી કે બ્રિટિશ વાઇસરોયને પણ તેનું મોઢું બંધ રાખવાનું કહી શકે! એ પોતાના અવાજના જાદુથી એ જમાનામાં સુપરસ્ટાર બની. આવી તારીફે-એ-તવાયફનું નામ હતું, ગૌહર જાન.
ગૌહર જાનનો જન્મ 1873માં આઝમગઢમાં થયો હતો. તેનું મૂળ નામ ગૌહર નહોતું. તેનો જન્મ આર્મેનિયન વંશના પરિવારમાં એલીન એન્જેલીના યેવોર્ડ તરીકે થયો હતો. પિતાનું નામ રોબર્ટ યેવોર્ડ અને તેની માતાનું નામ વિક્ટોરિયા...જે શાસ્ત્રીય નૃત્ય અને ગાયનમાં તાલીમ પામેલા અચ્છા ગાયક અને નર્તક હતાં .
ગૌહર માત્ર છ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના લગ્નજીવનનો અંત થયો. બંને છૂટા પડ્યા. ત્યારબાદ વિક્ટોરિયા, દીકરી એન્જેલીના સાથે બનારસ ચાલ્યા ગયા. આ દરમિયાન તેમની મુલાકાત મુસ્લિમ ખુર્શિદ સાથે થઇ. તેણે મા-દીકરીને સહારો આપ્યો. વિક્ટોરિયાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને મલકા જાન નામ ધારણ કર્યું. દીકરી એન્જેલિના બની ગૌહર જાન!
મલકા જાન મૂળે અચ્છી ગાયક અને નર્તક હતી એટલે જીવનનિર્વાહ માટે એ જ માર્ગ લીધો. આ રીતે તવાયફ તરીકેની એની જીવન યાત્રા અસ્તિત્વના સંઘર્ષમાંથી શરૂ થઇ. કલકત્તા તે વખતે તવાયફો માટે એટલું જ પ્રખ્યાત હતું જેટલું અવધ ગણાતું હતું. મલકા જાને ગૌહરને લઈને કલકત્તા સ્થળાંતર કર્યું. નવાબ વાજિદ અલી શાહના દરબારમાં મલકા જાનને સ્થાન મળ્યું. ત્રણ વર્ષમાં તેમની એટલી ખ્યાતિ થઇ કે તેણે એક આખું મકાન ખરીદીને પોતાનો કોઠો સ્થાપિત કર્યો.
તવાયફની દીકરી માટે બીજે ક્યાંય સામાન્ય જીવન જીવવું એ સમયે અશક્યવત હતું. એટલે અહીંથી જ શરૂ થઇ ગૌહરની પણ તવાયફ બનવાની યાત્રા. તેણે પટિયાલાના કાલે ખાન, 39; કાલુ ઉસ્તાદ39;, અને ઉસ્તાદ અલી બક્ષ જર્નૈલ (પટિયાલા ઘરાનાના સ્થાપક સભ્ય) પાસેથી શુદ્ધ અને હળવા શાસ્ત્રીય હિન્દુસ્તાની સંગીત શીખ્યા અને સુપ્રસિદ્ધ બ્રિન્દાદિન મહારાજ (બિરજુ મહારાજના પરદાદા કાકા) પાસેથી કથક શીખ્યા, ધ્રુપદ ધમાર શ્રીજનબાઈ પાસે અને બંગાળી કીર્તન ચરણદાસ પાસેથી શીખ્યા.
આવી સઘન નૃત્ય અને ગાયનની તાલીમ આવા દિગ્ગજો પાસેથી લીધી હોય તેને આપણે માત્ર તવાયફ કહીશું કે એક ઊંચા દરજ્જાની કલાકારના સ્તરનું સન્માન આપીશું? કળાની તાલીમ તો પંડિત કક્ષાના કલાકારો પાસેથી ગૌહરને મળી, પણ કઠોર અને અન્યાયી સમાજ સામે અડગતા થી ઊભા રહેવાની તાલીમ તેને મળી પોતાની માતા પાસેથી અને જીવનના અનુભવ પાસેથી.
સમય વીતતા તેણે ‘હમદમ’ ઉપનામથી ગઝલો લખવાનું અને સંગીતબદ્ધ કરવાનું પણ શરૂ કર્યું. તે રવીન્દ્ર સંગીતમાં નિપુણ બની ગઈ. બનારસમાં નૃત્ય અને સંગીતની સઘન તાલીમ લઈને ગૌહર જાને 1888માં દરભંગા રાજના રાજવી દરબારમાં પોતાનું પહેલું નૃત્ય અને સંગીત રજૂ કર્યું અને તેને દરબારની નૃત્યાંગના તરીકે નિયુક્ત કરવામાં આવી. 8 વર્ષ પછી, 1896માં કલકત્તામાં તેણે પોતાની કળા રજૂ કરવાનું શરૂ કર્યું. પાછળથી તેમની રેકોર્ડમાં તે ‘પ્રથમ ડાન્સિંગ ગર્લ’ તરીકે ઓળખવવામાં આવ્યાં. 1900ના દાયકાની શરૂઆતમાં, ગૌહર જાન ભારત ના સૌથી કુશળ ગાયકોમાંના એક ગણાવા લાગ્યાં.
ગૌહર પહેલી વાર 1910માં વિક્ટોરિયા પબ્લિક હોલમાં એક કોન્સર્ટ માટે મદ્રાસ ગયા અને ટૂંક સમયમાં તેમના હિન્દુસ્તાની અને ઉર્દૂ ગીતો તમિલ સંગીત પુસ્તકમાં પ્રકાશિત થયા હતા. ડિસેમ્બર 1911માં, તેમને દિલ્હી દરબારમાં રાજા જ્યોર્જ પંચમના રાજ્યાભિષેકમાં ગાયન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યાં તેમણે અલ્હાબાદની જાનકીબાઈ સાથે‘ યે હૈ તાજપોશી કા જલસા, મુબારક હો મુબારક હો...’; નામનું યુગલગીત રજૂ કર્યું હતું.
સૌથી મહત્ત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે ગ્રામોફોન કંપની માટે પોતાના ગીતો રેકોર્ડ કરવા સંમતિ આપી, જેમાં શાસ્ત્રીય સંગીતના ગીતોની તેમણે 2-3 મિનિટની ટૂંકી રજૂઆતો પેશ કરી, જે ખૂબ પ્રખ્યાત થઈ અને તેમની રેકોર્ડ્સ ટૂંક સમયમાં જ ચપોચપ વેચવા લાગી. દાયકાના અંત સુધીમાં, ગૌહર પ્રતિ રેકોર્ડિંગ ₹1000 થી 3000 ચાર્જ કરતી હતી!
તેમના જીવનકાળ દરમિયાન, તેમણે 1902 થી 1920 સુધી દસથી વધુ ભાષાઓમાં 600 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા, જેમાં બંગાળી, હિન્દુસ્તાની, ગુજરાતી, તમિલ, મરાઠી, અરબી, ફારસી, પુશ્તો, ફ્રેન્ચ અને અંગ્રેજીનો સમાવેશ થાય છે. તે પ્રત્યેક રેકોર્ડિંગના અંતે ‘માય નેમ ઈઝ ગોહર જાન!’ બોલતા, જે તેમની આગવી ઓળખ બની ગયું હતું.
1920ના દાયકા દરમિયાન, જ્યારે પાશ્ચાત્ય શિક્ષણ મેળવેલા ભારતીય ઉચ્ચ વર્ગે તવાયફ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી અને આ વ્યવસાય પર પ્રતિબંધ મૂકવા માટે વાઈસરોયનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે ગૌહરે એવી તેજાબી ટકોર કરી હતી કે ‘વાઇસરોયે પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ... કારણ કે મને એક મુજરા માટે જેટલો પુરસ્કાર મળે છે એટલો તો તેનો માસિક પગાર છે!’
એ જમાનામાં ભારતીયો માટે સાંજે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી રસ્તા પર ફરવા કે વાહન ચલાવવાની મનાઈ હતી ત્યારે ગૌહર તેની પ્રખ્યાત ‘ફિટન’ કારમાં ડ્રાઇવ કરવા ગઈ. પેટ્રોલિંગ પર રહેલા બ્રિટિશ અધિકારીએ જોયું કે તે ભારતીય છે, ત્યારે તે તેની પાસે દોડી ગયો અને તેને ₹500 દંડ ભરવા કહ્યું.
ગૌહરે તેને જોયો, તેની દાઢી પર હાથ પસવારીને કહ્યું: ‘ઓહ, તું ખૂબ જ સુંદર દેખાય છે. હું તને ટીપમાં એક હજાર રૂપિયા આપત... ! ’ એમ કહીને, તેણે બેદરકારીથી તેને ₹500 આપ્યા લેખક વિક્રમ સંપથે તેના જીવનચરિત્રમાં ગૌહર જાનનું વિગતવાર વર્ણન કર્યું છે, તે ખૂબ કમાતી, પણ સાથે ખૂબ જ ઉડાઉ હતી. એ સમયે તેણે તેની બિલાડીઓ વચ્ચે લગ્ન ગોઠવવામાટે ₹20,000 ની પાર્ટીઓનું આયોજન કર્યું હોવાનું જાણીતું છે! બંગાળમાં તેના એક ચાહકે તેને એક ખાનગી ટ્રેન પણ ભેટમાં આપી હતી જેનો ઉપયોગ તેઓ ભારતભરમાં મુસાફરી કરવા માટે કરતી હતી, બોલો!
છેલ્લાં વર્ષોમાં, ખરાબ સ્વાસ્થ્યને કારણે ગૌહર જાન મૈસૂર રહેવાં ગયાં ત્યારે ત્યાંના શાસક કૃષ્ણ રાજા વાડિયાર ચોથાએ તેમના મહેલના સંગીતકાર તરીકે તેમને નિયુક્ત કર્યા. 1930માં માત્ર 56 વર્ષની આયુમાં મૈસૂરમાં તેમનો ઈન્તેકાલ નિધન થયું એ સાથે એક આલા દરજ્જાની ગાયિકા-નૃત્યાંગનાની સંઘર્ષપૂર્ણ છતાં તવાયફ તરીકે એક રંગીન જીવનકથાનું પ્રકરણ પર પૂર્ણવિરામ લાગી ગયું ...