ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) અને સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓને લઈને રાજનીતિમાં ભાદરવો તાપ દેખાઈ રહ્યો છે. ગાંધીનગર મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ માટે આગામી 11 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે, જેને લઈને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે, જ્યારે મતગણતરી 13 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.
આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાનમાં ઉતરી આવી છે. આપ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવી છે. આ યાદીમાં પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થાય છે. જેમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા (MLA), ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA) અને લાલપુર-જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવા (MLA) સહિતના અગ્રણી નેતાઓ અને પદાધિકારીઓના નામ સામેલ છે, જેઓ પક્ષના પ્રચારની કમાન સંભાળશે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આપે ચૂંટણી માટે પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. AAPએ કુલ 44 બેઠકોમાંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં શહેરના વોર્ડ નંબર 1થી 11 સુધીના વિવિધ વોર્ડમાંથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. તે ઉપરાંત ઉમેદવારોના નામાંકન સમયે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા હાજર રહ્યા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) અને સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગ (SEC) દ્વારા સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, તે અનુસાર આગામી 11 ઓક્ટોબરના રોજ સવારે 7 થી સાંજ સુધી મતદાન યોજાશે. જો કોઈ બૂથ પર ફરીથી મતદાન કરવાની જરૂર ઉભી થાય, તો તે 12 ઓક્ટોબરે યોજાશે અને ત્યારબાદ 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે.
ચૂંટણી પ્રક્રિયાના સમયપત્રક અનુસાર, આ ચૂંટણી માટેનું જાહેરનામું 21 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર હતી, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 28 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ હતી. આ ઉપરાંત, ઉમેદવારો માટે પોતાના નામ પાછા ખેંચવાની અંતિમ તારીખ 29 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી.