ગાંધીનગરઃ ગાંધીનગરના સેક્ટર-3Dમાં રહેતા 28 વર્ષીય મહિલા લોકરક્ષક કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો હતો. સોશિયલ મીડિયા પર 25 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર તેણે અંતિમ પોસ્ટમાં લખ્યું હતું, I WISH I WAS MONSTER, YOU THINK I AM.
મહિલા કોન્સ્ટેબલના પરિવારજનોના કહેવા પ્રમાણે, જહાન્વીએ લવ મેરેજ કર્યા હતા. તેના પિતાનું અવસાન થયું છે, જ્યારે માતાએ બીજા લગ્ન કર્યા છે. ભાઈ અને બહેન ફોઈના ઘરે રહે છે. જ્હાનવીના પતિનું અવસાન થતાં સામાજિક રીતે તેણે પતિના મોટાભાઈ (જેઠ) સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ સંબંધમાં ખટાશ આવતાં દોઢ વર્ષ પહેલાં છૂટાછેડા લીધા હતા. તે બિંદાસ્ત જીવન જીવતી હતી.
જ્હાનવીના ફોઈના જણાવ્યા મુજબ, તેમના ભાઈએ વર્ષ 2013માં પત્નીના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. આ હકીકતની જાણ જ્હાનવીને લગભગ 12 વર્ષ પછી થઈ હતી. પિતાના મોત પાછળનું સાચું કારણ સામે આવતાં જ તે પોતાની માતાથી નારાજ થઈ ગઈ હતી અને અંતર બનાવી લીધું હતું. તેણે કહ્યું કે, ફોઈ, મારી ભૂલ થઈ ગઈ, મને આ બાબતની પહેલાં જાણ નહોતી.તેની માતા તેના પર સતત પૈસા આપવા દબાણ કરતી હતી. જોકે જ્હાનવીએ સ્પષ્ટ કહી દીધું હતું કે નોકરી તેણે પોતાની મહેનતથી મેળવી છે, તેથી તેના પગાર પર કોઈએ હક જતાવવો નહીં.
જ્હાનવી સાથેના સંબંધો યાદ કરતાં ફોઈએ કહ્યું કે, જન્માષ્ટમી પહેલાં જ્યારે તેઓ ગાંધીનગર આવ્યા ત્યારે સૌએ સાથે ભોજન લીધું હતું. રક્ષાબંધનના દિવસે તે ભાઈને રાખડી બાંધવા આવી હતી અને જન્માષ્ટમીએ સમગ્ર પરિવાર સાથે ઈસ્કોન મંદિર દર્શન કરવા ગયો હતો. તે સમયે જ્હાનવીએ જણાવ્યું હતું કે તેનો પૂર્વ પતિ હજુ પણ તેનો સંપર્ક કરવાનો અને વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

પોલીસે શું કહ્યું
પોલીસે કહ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ દોઢથી બે દિવસ અગાઉ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. આ અંગે ચોક્કસ પુરાવા અને સમય નક્કી કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. આપઘાત પાછળનું સાચું કારણ જાણી શકાય તે માટે પોલીસ હેડક્વાર્ટર પાસેથી તેના સહકર્મચારીઓ તેમજ અંગત મિત્ર વર્તુળની તમામ વિગતો મંગાવવામાં આવી છે. આ માહિતીના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

ગાંધીનગરમાં આ વર્ષે ત્રીજા પોલીસકર્મીનો આપઘાત
આ વર્ષે ગાંધીનગમાં પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો તેવી આ ત્રીજી ઘટના હતી. 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભી પહેલાં જૂન મહિનામાં ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મીએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પોલીસ બેડામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઉપરાંત સેક્ટર-7 પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ પણ પેથાપુરમાં પોતાના ઘરે આ વર્ષની શરૂઆતમાં ગળેફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યો હતો.