Wed Aug 19 2026

Logo

ગાંધીનગરમાં 17 વર્ષની પરિણિતાએ આપઘાત કર્યો, મહિનાઓ પછી મળેલી સુસાઈડ નોટમાં શું થયો ધડાકો કે પતિ થયો જેલભેગો ?

2026-08-12 10:11:59
Author: Mayur Patel
Article Image

Chat GPT Generated Image


ગાંધીનગરઃ ગાંધીનગરમાં 17 વર્ષની પરિણિતાએ આપઘાત કર્યો હતો. જેના મહિનાઓ પછી મળેલી સુસાઈડ નોટમાં મોટો ધડાકો થતાં પતિને જેલભેગા થવાનો વારો આવ્યો હતો.

જાણો શું છે સમગ્ર મામલો

ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં  માર્ચ મહિનામાં ધોરણ-12માં ભણતી 17 વર્ષીય પરિણિતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવના મહિનાઓ બાદ ઘરમાંથી મળી આવેલી સુસાઈડ નોટના આધારે સેક્ટર-7 પોલીસે મૃતકના પતિ સોનુ ઉર્ફે નાનાલાલ ગુર્જર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ રાજસ્થાનના અને હાલ વાવોલમાં ભંગારનો વ્યવસાય કરતા એક વ્યક્તિની પુત્રીના  લગ્ન માર્ચ 2023માં રાજસ્થાનના તિલોલી ગામના સોનુ સાથે થયા હતા. ગત 23 માર્ચ 2026ના રોજ પરિણિતાએ ઘરમાં છતની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. તે સમયે હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા બાદ પરિવારજનો અંતિમવિધિ માટે વતન ગયા હતા.

તિજોરી નીચેથી મળી સુસાઈડ નોટ

અંતિમક્રિયા પતાવી મે મહિનામાં પરત ફરેલા પરિવારે જ્યારે ઘરની સાફ-સફાઈ કરી, ત્યારે તિજોરી નીચેથી મૃતકે હાથથી લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. હિન્દીમાં લખાયેલી આ ચિઠ્ઠીમાં પરિણિતાએ પતિના ત્રાસની વ્યથા ઠાલવતા લખ્યું હતું, મેં મેરે પતિ સે પરેશાન હો ગઈ, મેં અબ મર રહી હૂં. વો મુજે રોજ ટોકતા હૈ, પરિવાર વાલો સે ભી બાત નહીં કરને દેતા હૈ. વો આદમી નહીં જાનવર હૈ. મેરે ઘર વાલો ને મુજે કુછ ભી નહીં બોલા, મેં મેરે પતિ સે બહુત પરેશાન હૂં.

તપાસમાં બીજું શું આવ્યું સામે

તપાસમાં સામે આવ્યું છે કે પતિ તેની પત્નીને સતત ફોન-મેસેજ કરીને હેરાન કરતો હતો. એટલું જ નહીં, તે ઇન્સ્ટાગ્રામ ડીપીમાં મોત અંગેના સ્ટેટસ મૂકીને સગીરા પર સતત માનસિક દબાણ બનાવતો હતો. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી એફએસએલની મદદથી હસ્તાક્ષરની તપાસ કરાવી હતી. તપાસમાં પતિના શારીરિક-માનસિક ત્રાસના કારણે જ 17 વર્ષની પરિણિતાએ આ પગલું ભર્યું હોવાનું સ્પષ્ટ થતાં સેક્ટર-7 પોલીસે પતિની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી. આમ ઘટનાના આશરે છ મહિના પછી મળેલી સુસાઈડ નોટના કારણે પતિને જેલભેગા થવાનો વારો આવ્યો હતો.