Mon Oct 05 2026

Logo

ગાંધીનગરના અક્ષરધામ અને મહાત્મા મંદિર સાથે જોડાયેલા રસ્તાઓ 50 કરોડના ખર્ચે બનશે અર્બન સ્ટ્રીટ

2026-05-26 18:28:23
Author: Pooja Shah
ગાંધીનગરના અક્ષરધામ અને મહાત્મા મંદિર સાથે જોડાયેલા રસ્તાઓ 50 કરોડના ખર્ચે બનશે અર્બન સ્ટ્રીટ

અમદાવાદઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએમસી) એ અક્ષરધામ અને મહાત્મા મંદિરને જોડતા રસ્તા નંબર 6 અને 7 ને ફરીથી વિકસાવવાની તેની લાંબા સમયથી પડતર યોજના મામલે ફરી સક્રિય બની છે. જેમાં મુખ્ય કોરિડોરને આધુનિક માળખાગત સુવિધાઓથી સજ્જ કરવા માટે રૂ. 49.97 કરોડનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. 

અગાઉના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હોવા છતાં લગભગ છ થી સાત વર્ષ સુધી અટકી પડેલો આ પ્રોજેક્ટ પૂરો થઈ શક્યો ન હતો. શહેરના મહત્વપૂર્ણ ટ્રાફિક કોરિડોરમાંના એક પ્રોજેક્ટને આધુનિક બનાવવાના હેતુથી અર્બન સ્ટ્રીટ ડેવલપમેન્ટ મોડેલ દ્વારા અતિ વ્યસ્ત રોડને વિકસાવવામાં આવશે. 

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને અધિકારીઓને બાકી રહેલું કામ પૂરું કરવા અથવા પ્રોજેક્ટ માટે નવેસરથી ટેન્ડર બહાર પાડવા વિનંતી કર્યા પછી આ કામ ફરી પાટે ચડ્યું હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

રિડેવલપમેન્ટ પ્લાન હેઠળ, બંને રસ્તાઓને સાયકલિંગ અને પગપાળા ચાલનારાઓ માટેના માળખા સાથે અપગ્રેડ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં બંને બાજુ 1.5-મીટર પહોળા સાયકલ ટ્રેક, સ્માર્ટ પેવર-બ્લોક ફૂટપાથ, ભૂગર્ભ કેબલ ડક્ટ, વરસાદી પાણીના ડ્રેનેજ સિસ્ટમ, સુશોભન લાઇટિંગ અને લેન્ડસ્કેપિંગ સુવિધાઓનો સમાવેશ થાય છે.