Sun Apr 26 2026

Logo

સાવધાન! એમેઝોન પર વસ્તુ રિટર્ન કરવી મહિલાને પડી ભારે: રૂા. ૪.૯૦ લાખની ઓનલાઈન ઠગાઈ

2026-04-26 21:22:31
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ ઓનલાઈન ઈ-કોમર્સ સાઈટ પરથી મગાવેલી વસ્તુ પરત કરવાના પ્રયાસમાં ગાંધીધામના શિણાયની એક મહિલા સાયબર ક્રાઈમનો શિકાર બની છે. અજાણ્યા શખ્સે એમેઝોન કસ્ટમર કેરના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી મહિલાના ખાતામાંથી રૂા. ૪,૯૦,૦૩૫ની રકમ સેરવી લેતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે ગાંધીધામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શિણાયમાં રહેતા અને ઘરકામ કરતા કોમલબા હરદેવસિંહ સરવૈયાએ એમેઝોનમાંથી મગાવેલી એક વસ્તુ પરત એટલે કે, રિટર્ન કરવાની હતી. આ માટે તેમણે અમેઝોન પર રિટર્ન પ્રોસિજર કરવાને બદલે ગૂગલ પરથી એમેઝોન કસ્ટમર કેરનો નંબર શોધ્યો હતો. આ બોગસ નંબર પર સંપર્ક કરતા અજાણ્યા આરોપીએ પોતે કસ્ટમર કેરમાંથી બોલે છે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. ભેજાબાજે વોટ્સએપ અને વીડિયો કોલ દ્વારા ફરિયાદી પાસે તેમના ડેબિટ કાર્ડના ફોટા માંગ્યા હતા, પરંતુ સાવચેતી દાખવી મહિલાએ ફોટા આપવાનો ઈન્કાર કર્યો હતો.

ડેબિટ કાર્ડની વિગતો ન મળતા ઠગબાજે નવો કિમીયો અપનાવ્યો હતો. તેણે ફરિયાદી પાસે તેમના મોબાઈલ નંબર પોર્ટ કરવાનો મેસેજ કરાવ્યો હતો. આ પ્રક્રિયા બાદ ફરિયાદીનો મોબાઈલ ફોન બંધ થઈ ગયો હતો. જેનો લાભ લઈ આરોપીએ ગત તા. ૧૪-૦૪ થી તા. ૨૦-૦૪ના સમયગાળા દરમિયાન ફરિયાદીના ગૂગલ-પે એકાઉન્ટ સાથે જોડાયેલા બેંક ખાતામાંથી જુદા-જુદા પાંચ વ્યવહાર કરી કુલ રૂા. ૪,૯૦,૦૩૫ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા.

પોલીસે આ મામલે ઠગાઈ અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને પગલે પોલીસ વિભાગે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે 
કોઈપણ કંપનીના કસ્ટમર કેર નંબર હંમેશા તે કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી જ મેળવવા ગૂગલ સર્ચમાં આવતા અજાણ્યા નંબરો પર આંખ મીંચીને વિશ્વાસ ન કરવો.કોઈપણ અજાણી વ્યક્તિના કહેવાથી મોબાઈલ પર મેસેજ કરવા કે લિંક ક્લિક કરવી નહીં. લોકશાહીના આ યુગમાં ડિજિટલ વ્યવહારો કરતી વખતે પૂરતી જાગૃતિ જ આવા આર્થિક નુકસાનથી બચાવી શકે છે.