ભુજઃ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં નિર્માણ પામેલા આર.સી.સી. માર્ગોની નબળી ગુણવત્તા અને કામ પૂર્ણ કરવામાં વિલંબ બદલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સી સામે કડક વલણ અપનાવી, નિયમોનું ઉલ્લંઘન કરનાર એજન્સીને રૂ.૨૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેને પગલે અન્ય કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો અનુસાર, ગાંધીધામના ગુરુકુળ વિસ્તાર તેમજ એમ્પાયર હોટલથી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સુધીના માર્ગોના નિર્માણ માટે 'ઘનશ્યામ કન્સ્ટ્રક્શન'ને ₹6 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે, આ કામગીરી અત્યંત હલકી ગુણવત્તાની હોવાની અને સમયમર્યાદામાં પૂર્ણ ન થઈ હોવાની ફરિયાદો મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી સુધી પહોંચી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને સંજય રામાનુજ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આ બેદરકારીની પુષ્ટિ થઈ હતી.
તંત્ર દ્વારા માત્ર દંડ જ નથી ફટકારવામાં આવ્યો, પરંતુ જ્યાં સુધી નિયમ મુજબ સુધારાત્મક કામગીરી કરવામાં ન આવે ત્યાં સુધી એજન્સીનું પેમેન્ટ પણ અટકાવી દેવામાં આવ્યું છે. કમિશનરે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી સમયમાં ગુણવત્તામાં સુધારો નહીં જણાય તો એજન્સીને કાયમી ધોરણે 'બ્લેકલિસ્ટ' કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ મામલે નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર કામની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં. જે પણ કોન્ટ્રાક્ટર જાહેર જનતાના નાણાંનો દુરુપયોગ કરશે અથવા કામમાં બેદરકારી દાખવશે, તેમની સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ હોવા છતાં, મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓની ટીમ દ્વારા વિકાસકામો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ગાંધીધામ મનપાના આ કડક વલણથી ભ્રષ્ટ અને બેદરકાર એજન્સીઓ માટે સ્પષ્ટ સંદેશ ગયો છે કે લોકહિતના કામોમાં ક્ષતિ ચલાવી લેવામાં આવશે નહીં.
( ઉત્સવ વૈદ્ય)