Thu Apr 30 2026

Logo

હરિયાણા સરકારના આઇડીએફસી બેંકના ખાતામાંથી 590 કરોડની છેતરપિંડી, જાણો વિગતે...

2026-02-23 18:13:48
Author: Chandrakant Kanoja
Article Image

ચંદીગઢ: હરિયાણા સરકાર દ્વારા આઇડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા તેના ખાતામાંથી 590 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અંગે હરિયાણા સરકારના એક વિભાગે બેંક બેલેન્સ અને ખાતાના રેકોર્ડમાં દર્શાવેલ રકમ વચ્ચે વિસંગતતા બાદ ફરિયાદ નોંધાવી હતી. આ  છેતરપિંડીની ફરિયાદ બાદ  બેંકના શેરના ભાવમાં  20 ટકાનો  ઘટાડો થયો હતો. જેના કારણે રોકાણકારોના રૂપિયા 14,000 કરોડનું ધોવાણ થયું છે. 

બેંકના કર્મચારીઓ અને બહારના પક્ષો વચ્ચે મિલીભગત

આ અંગે આઇડીએફસી ફર્સ્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ વી. વૈદ્યનાથને સોમવારે જણાવ્યું હતું કે બેંકના કર્મચારીઓ અને બહારના પક્ષો વચ્ચેની મિલીભગતથી હરિયાણા સરકારના ખાતામાં 590 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. 

બેંકે ફ્રોડની તપાસ માટે કન્સલ્ટન્સી ફર્મ KPMGની નિમણૂક કરી 

હરિયાણા સરકારે કથિત છેતરપિંડીના આરોપોને પગલે  AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને આઇડીએફસી ફર્સ્ટ બેંકને સરકારી કાર્ય સમિતિમાંથી દૂર કરી દીધા છે. AU સ્મોલ ફાઇનાન્સ બેંકે કથિત છેતરપિંડીવાળા ખાતા ખોલવાના કેસમાં કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે. વૈદ્યનાથને જણાવ્યું હતું કે કન્સલ્ટન્સી ફર્મ KPMG દ્વારા હાથ ધરવામાં આવી રહેલ સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ ચાર થી પાંચ અઠવાડિયામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.  અમે KPMG ની નિમણૂક કરી  છે. આવી પ્રક્રિયાઓમાં સામાન્ય રીતે ચાર થી પાંચ અઠવાડિયા લાગે છે. 

બેંકે લગભગ રૂપિયા 590 કરોડની ગેરરીતિઓનું મૂલ્યાંકન કર્યું

આ અંગે બેંકના સીઇઓ વી. વૈદ્યનાથને જણાવ્યું હતું કે બેંકે લગભગ  રૂપિયા 590 કરોડની ગેરરીતિઓનું મૂલ્યાંકન કર્યું છે. જેમાંથી  રૂપિયા 490 કરોડ રિકનસીલિંગ દરમિયાન શોધવામાં આવ્યા અને આંતરિક તપાસ દરમિયાન વધારાના  રૂપિયા 100 કરોડ બેંકે જાતે જ શોધ્યા હતા. તેમણે સંકેત આપ્યો હતો કે આ રકમ વધવાની શક્યતા નહિવત છે. 

બેંકે લિયન-માર્કિંગ કાર્યવાહી શરૂ 

આ અંગે  બેંકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ બેંકના નિયમનકારો અને ઓડિટરોને જાણ કરી છે. આ ઉપરાંત  બેંકિંગ સિસ્ટમમાં વસૂલાત અને લિયન-માર્કિંગ કાર્યવાહી શરૂ કરી છે. લિયન-માર્કિંગ એ બેંક અથવા નાણાકીય સંસ્થા દ્વારા ખાતામાં ચોક્કસ રકમ અસ્થાયી રૂપે ફ્રીઝ કરવાની પ્રક્રિયા છે. વૈદ્યનાથને જણાવ્યું કે હરિયાણા સરકારની છેતરપિંડીવાળી થાપણોની રકમ બેંકની કુલ થાપણોની 0.5 ટકા રકમ છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સંસ્થાઓ સહિત કુલ સરકારી થાપણ  8 થી 10 ટકા છે.

આરબીઆઇ પણ એક્ટિવ 

આ અંગે ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર સંજય મલ્હોત્રાએ સોમવારે જણાવ્યું હતું કે આરબીઆઇ આઇડીએફસી  ફર્સ્ટ બેંકમાં  રૂપિયા 590 કરોડના છેતરપિંડી સંબંધિત કેસ પર નજીકથી નજર રાખી રહી છે તેમાં કોઈ પ્રણાલીગત સમસ્યાઓ નથી.