મુંબઈઃ મુંબઈના ભૂતપૂર્વ બૅટ્સમૅન અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા કોચ સ્વ. રમાકાંત આચરેકરના સૌથી લાડકા શિષ્યોમાં ગણાતા અનિલ ગુરવ (Anil Gurav)નું મંગળવારે નાલાસોપારામાં તેમના નિવાસસ્થાને 59 વર્ષની વયે અવસાન થયું હતું.
શારદાશ્રમ વિદ્યામંદિર સ્કૂલમાં સચિન તેન્ડુલકર તથા વિનોદ કાંબળીના સિનિયર સ્ટૂડન્ટ ગુરવને મિત્રો `વિવિયન રિચર્ડ્સ ઑફ મુંબઇ' કહીને બોલાવતા હતા. ગુરવ સ્ક્વેર કટ માટે તેમ જ લેગ સાઇડ પરના શૉટ રમવા માટે જાણીતા હતા. સચિને કરીઅરની (આંતર-સ્કૂલ ટૂર્નામેન્ટમાં) પ્રથમ સેન્ચુરી ગુરવના બૅટથી ફટકારી હતી.
એક સમય હતો જ્યારે કોચ આચરેકર (Acharekar) સચિન-કાંબળીને નેટમાં ખાસ કરીને ગુરવ સહિતના સિનિયર ક્રિકેટરોની બૅટિંગ જોવાની અને એમાંથી કંઈક શીખવાની સલાહ આપતા હતા. પીટીઆઇને આ જાણકારી મુંબઈના પીઢ પિચ ક્યૂરેટર નદીમ મેમણે આપી હતી.
સચિન તેન્ડુલકરથી અનિલ ગુરવ આઠ વર્ષ મોટા હતા. ગુરવ મુંબઈમાં અન્ડર-16 તથા અન્ડર-19 ટીમ વતી રમ્યા હતા. તેઓ અનેક ટ્રોફી જીત્યા હતા.