હજારો લોકોને મારી નાખવા મફત વહેંચી કૅપ્સ્યુલ્સ: આતંકી સંગઠનના સંપર્કની તપાસ: સતર્ક પોલીસને કારણે મોટી જાનહાનિ ટળી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ભાયખલા પરિસરમાંથી પસાર થનારા મોહરમના જુલુસમાં મોટી સંખ્યામાં લોકો સામેલ હોવા છતાં પોલીસની બાજનજરને કારણે મોટી જાનહાનિ ટળી હતી. હજારો લોકોને મારી નાખવાની મંછા સાથે મફતમાં ઝેરી કૅપ્સ્યુલ્સ વહેંચનારા આરોપી ફૈયાઝ પ્રેમજીનું ઈરાન-ઈરાક કનેક્શન સામે આવ્યું હોઈ તે કોઈ આતંકવાદી સંગઠનના સંપર્કમાં હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.
આરોપી ફૈયાઝ પ્રેમજી ભાયખલામાંથી પસાર થનારા જુલુસમાં સામેલ લોકોને પેઈનકિલરને નામે ઝેરી કૅપ્સ્યુલ્સ વહેંચતો હતો. પોતાના ખર્ચે તેણે આ મોતનો સામાન મગાવ્યો હતો, પરંતુ જુલુસમાં લોકોને મફતમાં આપતો હતો. પેઈનકિલરની દવા સમજીને અનેક લોકોએ તેની પાસેથી આ કૅપ્સ્યુલ્સ લીધી હોવાનું તપાસમાં જણાયું હતું.
જોકે અમુક લોકોએ કૅપ્સ્યુલ્સ પાણી સાથે ગળી હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. તેમાંથી કેટલાકનાં સ્વાસ્થ્ય લથડ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ એ તમામની પૂછપરછ કરી રહી છે.
જુલુસમાં લોકોને કૅપ્સ્યુલ્સ વહેંચનારા ફૈયાઝ પ્રેમજી પર પોલીસની નજર પડી હતી. સતર્ક પોલીસે તેને તાબામાં લીધો હોવાથી જ મોટી જાનહાનિ ટળી હતી અને પ્રેમજી પોતાનો મનસૂબો પાર પાડી શક્યો નહોતો.
તપાસમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી રહી છે કે છેલ્લા એક વર્ષમાં ફૈયાઝ 19 વખત ઈરાન-ઈરાક ગયો હતો. તે 2019થી ઈરાન અને ઈરાક જઈ રહ્યો છે. કહેવાય છે કે ફૈયાઝની બહેન ઈરાનમાં ફિઝિયોથેરપિસ્ટ તરીકે કામ કરે છે. તેની માતા પણ ઈરાનમાં જ રહે છે. પત્ની સાથે છૂટાછેડા લીધા પછી ફૈયાઝ પુણેના વિમાન નગરમાં એકલો રહેતો હતો. આરોપીની ઈરાન-ઈરાક મુલાકાતને પોલીસ શંકાની નજરે જોઈ રહી છે. આ મુલાકાત દરમિયાન તે કોઈ આતંકી સંગઠનના સંપર્કમાં તો નથી આવ્યોને તેની તપાસ પોલીસ કરી રહી છે.
ડોંગરીના ગેસ્ટ હાઉસમાં રહ્યો હતો ફૈયાઝ
પુણેના વિમાન નગરમાં રહેતો ફૈયાઝ દક્ષિણ મુંબઈના ડોંગરી પરિસરમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં રહેતો હતો. બીબીએ સુધીનું શિક્ષણ લેનારા ફૈયાઝે તેના રહેઠાણ પર ઝિંક ફોસ્ફાઈડ અને કૅપ્સ્યુલ્સનો ઑર્ડર આપ્યો હતો. તેણે પોતે જ કૅપ્સ્યુલ્સમાં ઉંદર મારવાની દવા ઝિંક ફોસ્ફાઈડ ભર્યું હતું. જોકે તે બધી કૅપ્સ્યુલ્સમાં દવા ભરી શક્યો નહોતો. પોલીસ તેના મોબાઈલ ફોન, ડિજિટલ રેકોર્ડ અને આર્થિક ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહી છે. આરોપીને આ કામ માટે કોઈએ આર્થિક મદદ પૂરી પાડી છે કે કેમ તે પોલીસ તપાસી રહી છે.