ભયાનક ગરમી અને હીટવેવના આ દિવસોમાં તાપમાનનો પારો 45°C ને પાર પહોંચી રહ્યો છે, ત્યારે એર કંડિશનર આપણને સૌથી વધુ રાહત આપે છે. ઘર હોય, ઓફિસ હોય કે કાર, હવે એસી વગર એક મિનિટ પણ રહેવું અશક્ય લાગવા માંડ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે કલાકો સુધી એસીની ઠંડકમાં બેસી રહેવાની આ લક્ઝુરિયસ આદત ધીમે-ધીમે તમારા શરીરને અંદરથી નબળું પાડી રહી છે? ચાલો જાણીએ શું કહે છે એક્સપર્ટ્સ આ વિશે...
એક જાણીતી હેલ્થ વેબસાઇટના રિપોર્ટ અને મેડિકલ રિસર્ચ અનુસાર, સતત એસીમાં રહેવાથી હ્યુમન બોડીની કુદરતી રીતે ગરમી સહન કરવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ડોક્ટરોના મતે માનવ શરીર અદભુત રીતે ડિઝાઈન થયેલું છે, જે ઋતુ પ્રમાણે પોતાની જાતને ઢાળવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આપણી કેટલીક આદતો આ નેચરલ સિસ્ટમને બગાડી રહી છે અને હીટ ટોલેરન્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગરમી સહન કરવાની શક્તિ કેમ ઘટી જાય છે?
વૈજ્ઞાનિકો આ સ્થિતિને 'એડેપ્ટિવ કમ્ફર્ટેબલ મોડલ' તરીકે ઓળખાવે છે. જ્યારે આપણે સામાન્ય ગરમ વાતાવરણમાં રહીએ છીએ, ત્યારે આપણું શરીર પરસેવો બહાર કાઢીને આંતરિક તાપમાનને જાતે જ ઠંડું રાખવાનું શીખે છે. પરંતુ, જો કોઈ વ્યક્તિ 24માંથી 15-18 કલાક એસીની આર્ટિફિશિયલ ઠંડકમાં વિતાવે, તો શરીરની આ નેચરલ સાઈકલ નબળી પડી જાય છે.
સતત એસીમાં રહેવાને કારણે આપણું શરીર માત્ર 22°C થી 24°C ટેમ્પરેચરમાં રહેવા માટે ટેવાઈ જાય છે. આ જ કારણ છે કે આજે એસીમાં રહેતા લોકોને થોડીવાર માટે લાઈટ જાય અથવા સામાન્ય તડકામાં જવાનું થાય તો રીતસરનો શ્વાસ રૂંધાવા લાગે છે અને અસહ્ય બેચેની થાય છે. ટૂંકમાં, શરીર વાતાવરણના નાના ફેરફારને પણ સહન કરી શકતું નથી.
એસીમાં રહેવાથી થાય છે નુકસાન
વાત કરીએ વધુ પડતાં એસીમાં રહેવાથી થતાં નુકસાન વિશે તો સૌથી પહેલું અને મોટું નુકસાન તો એ છે કે એસી રૂમની અંદરની ભેજને સંપૂર્ણપણે શોષી લે છે. લાંબા સમય એસીમાં રહેવાને કારણે ત્વચા એકદમ ડ્રાય થઈ જાય છે, ગળામાં સૂકાવવો આવે છે અને શરીરમાં પાણીની અછત વર્તાય છે.
એસીને કારણે થતાં અન્ય નુકસાનની વાત કરીએ તો આંખોની હેલ્થ માટે પણ એસી નુકસાનકારક છે. એસીની સીધી ઠંડી હવા આંખોના કુદરતી ભેજને સૂકવી નાખે છે. આનાથી આંખોમાં સતત બળતરા, ખંજવાળ, લાલાશ અને ધૂંધળું દેખાવવા જેવી સમસ્યાઓ ઝડપથી વધે છે.
જો એસીનું ફિલ્ટર નિયમિત સાફ ન થતું હોય અને રૂમ આખો બંધ હોય, તો ત્યાંની હવા દૂષિત બને છે. આના કારણે માથાનો દુખાવો, ચક્કર આવવા, સતત થાક લાગવો અને એકાગ્રતાનો અભાવ જેવી સમસ્યાઓ થાય છે જેને મેડિકલ ભાષામાં 'સિક બિલ્ડિંગ સિન્ડ્રોમ' કહે છે. આમ એસી તમારી કોન્સ્ટ્રેશન પાવરને પણ અફેક્ટ કરે છે, એવું કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય.
એક રિસર્ચમાં કરવામાં આવેલા દાવા અનુસાર, જે ઓફિસોમાં નેચરલ વેન્ટિલેશન એટલે કે બારી-બારણાંની સંખ્યા ઓછી હોય અને સતત સેન્ટ્રલ એસી ચલાવવામાં આવતું હોય તો ત્યાં કામ કરતા લોકોમાં સૂકી ઉધરસ, અસ્થમા અને શ્વાસ લેવાની તકલીફો વધુ જોવા મળે છે.
એસી વાપરતી વખતે આટલું ધ્યાન રાખો
ટેમ્પરેચર સેટ કરો:
એસીને ક્યારેય 16 °C કે 18 °C પર ન ચલાવો. શરીર માટે 24 °C થી 26°C નું તાપમાન સૌથી બેસ્ટ અને સેફ માનવામાં આવે છે. આ ઉપરાંત આવું કરવાથી ઈલેક્ટ્રિસિટીની પણ બચત થશે અને સ્વાસ્થ્ય પણ જળવાશે.
બોડીને હાઈડ્રેટ રાખો:
જો તમારે ઓફિસમાં કલાકો સુધી એસીમાં બેસવાનું થતું હોય, તો આવી પરિસ્થિતિમાં તરસ ન લાગતી હોય તો પણ દર કલાકે પાણી, નાળિયેર પાણી કે લીંબુ પાણી પીતા રહો, આને કારણે તમારી બોડી હાઈડ્રેટેડ રહેશે.
મોઇશ્ચરાઇઝર અને આઇ ડ્રોપ્સ :
ડ્રાય સ્કિનથી બચવા મોઇશ્ચરાઇઝર લગાવો અને આંખોની સુરક્ષા માટે ડોક્ટરની સલાહ મુજબ લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરો.
વેન્ટિલેશન જરૂરી છે:
દિવસમાં 1-2 કલાક એસી બંધ કરીને ઘરની બારી-બારણાં ખુલ્લાં રાખો, જેથી બહારની તાજી હવા અંદર આવી શકે અને બેક્ટેરિયા જમા ન થાય.