Sun Sep 06 2026

Logo

ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાંથી આદર્શ આચાર સંહિતા હટાવી, બંગાળની એક બેઠક પર પ્રતિબંધ યથાવત્

2026-05-07 14:38:00
Author: Vimal Prajapati
ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાંથી આદર્શ આચાર સંહિતા હટાવી, બંગાળની એક બેઠક પર પ્રતિબંધ યથાવત્

નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે 7 મેના રોજ આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આદર્શ આચાર સંહિતા હટાવી દેવામાં આવી છે. ચૂંટણી પંચના સચિવ પ્રફુલ્લ અવસ્થી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર પ્રમાણે 4 મેના રોજ મતોની ગણતરી બાદ તમામ પરિણામો જાહેર થઈ ગયા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, બંગાળની એક બેઠક પર આ પ્રતિબંધ યથાવત રહેશે. 

પેટાચૂંટણી વાળા રાજ્યોમાં પણ રાહત

વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરામાં યોજાયેલી પેટાચૂંટણીઓના પરિણામો પણ આવી ગયા છે. જેથી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે આ તમામ રાજ્યોમાં પણ આચાર સંહિતા તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવી છે.

પરિપત્રમાં ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક (મતવિસ્તાર ક્રમાંક- 144) પર આચાર સંહિતા હજુ અમલી રહેશે. ચૂંટણી દરમિયાન ગેરરીતિની ફરિયાદોને પગલે આયોગે અહીં ફરી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. આ બેઠક પર ફરીથી મતદાન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આચાર સંહિતા લાગુ રહેશે. 

ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા હટાવી લેવામાં આવતા હવે આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની સરકારો સરકાર નવી લોકકલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી શકશે, સરકારી અધિકારીઓની બદલી અને નવી ભરતી પ્રક્રિયાઓ શરૂ થઈ શકશે અને અટકેલા વહીવટી અને નીતિ વિષયક નિર્ણયો લેવાની હવે છૂટ મળશે. અત્રે નોંધનીય છે કે, ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી આ તમામ કાર્યો પર ચૂંટણી આયોગ દ્વારા રોક લગાવવામાં આવી હતી, જે હવે દૂર થઈ ગઈ છે.