મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના હિંગોલી જિલ્લામાં શનિવારે સવારના રિક્ટર સ્કેલ પર ૪.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર પડોશી જિલ્લાઓ નાંદેડ અને પરભણીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.શનિવાર, ૧૧ એપ્રિલના સવારના ૮.૪૬ વાગે મરાઠવાડના અમુક જિલ્લામાં ધરતીકંપના આંચકા આવ્યા હતા, તેને કારણે ડરને કારણે લોકો પોતાના ઘરથી બહાર નીકળીને રસ્તા પર દોડી આવ્યા હતા. સદ્નસીબે ધરતીકંપની તીવ્રતા ઓછી હોવાથી જીવિત અથવા વિત્તહાનીના અહેવાલ નથી.
મરાઠવાડાના પરભણી, હિંગોલી અને નાંદેડ જિલ્લાના અમુક ભાગમાં શનિવારે સવારના ધરતીકંપના હળવા આંચકા જણાયા હતા. તેમ જ વિદર્ભના યવતમાળ, વાશિમ જિલ્લામાં ધરતીકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા.હિંગોલીના કલેકટર રાહુલ ગુપ્તાના જણાવ્યા મુજબ ભૂકંપ ૪.૭ રિક્ટર સ્કેલ તીવ્રતાનો હતો. હગોલીના પાંગ્રા શિંદે ગામમાં ધરતીકંપ આવ્યા બાદ અનેક ઘર અને કમ્યુનિટી હૉલમાં તિરાડો પડી ગઈ હતી. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. તેમની ટીમ ધરતીકંપને કારણે જયાં નુકસાન થયું હતું તે જગ્યા પર જઈને ચોક્કસ માત્રામાં કેટલુ નુકસાન થયું છે તેનો અહેવાલ મેળવશે.
નાંદેડ ડિસ્ટ્રિક્ટ ઓફિસના જણાવ્યા મુજબ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિડીંગ મુજબ સવારના ૮.૪૫ વાગે આવેલા ધરતીકંપની તીવ્રતા ૪.૭ની હતી. ધરતીકંપનું એપીસેન્ટર હિંગોલી જિલ્લાના વાસ્મત તાલુકાના શિરલી ગામમાં જમીનમાં ૧૦ કિલોમીટર ઊંડાઈમાં હતું.સવારના આ ધરતીકંપના આંચકા નાંદેડ શહેરની સાથે જ ગ્રામીણ વિસ્તારની સાથે જ અર્ધપુરના તાલુકા, હડગાંવ, હિમ્યાતનગર અને પરભણી જિલ્લાના નાગરિકોએ પણ અનુભવ્યા હતા.
પ્રશાસનના કહેવા મુજબ સવારના ધરતીકંપને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે મામૂલી માત્રામાં બિલ્િંડગોમાં અને મકાનોમાં તિરાડો જણાઈ આવી હતી.સવારના આવેલા ધરતીકંપને કારણે જોકે નાગરિકોમાં ભારે ગભરાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પ્રશાસને લોકોને શાંત રહેવાની અને કોઈ પણ અફવા પર ધ્યાન નહીં આપવાની અપીલ કરી હતી. તેમ જ સ્થાનિક સ્તરે નાંદેડ અને પરભણીમાં તકેદારીના પગલારૂપ ઈમરજન્સી ટીમને તહેનાત રાખવામાં આવી હતી. (પીટીઆઈ)