Sun Mar 08 2026

Logo

ઈરાન-ઈઝરાયલ યુદ્ધના ભય વચ્ચે દુબઈમાં કેવી છે સ્થિતિ? જુઓ મુંબઈ સમાચારનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ, અફવાઓથી રહેજો સાવધ

3 days ago
Author: Darshana Visaria
Article Image

દુબઈઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધના ભય વચ્ચે દુબઈની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, તે અંગે મુંબઈ સમાચારના પ્રતિનિધિઓ આશિષ પટેલ અને સ્વાતિએ ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓ અને એઆઈ જનરેટેડ વીડિયોથી વિપરીત, દુબઈમાં હાલનો માહોલ અત્યંત શાંત અને સુરક્ષિત છે. ચાલા જાણીએ શું છે આખો ગ્રાઉન્ડ રિપોર્ટ અને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવીએ...

 

મુંબઈ સમાચારના પ્રતિનિધિ આશિષ પટેલે અત્યારના દુબઈની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે દુબઈના ગોલ્ડ સૂક એક્સટેન્શન અને શારજાહ જતાં રસ્તાઓ પર ટ્રાફિક અને નાગરિકોની અવર-જવર સંપૂર્ણપણે સામાન્ય છે. અહીં સ્થાનિકો અને પર્યટકો કોઈ પણ ચિંતા કે ભય વિના નોર્મલ ડે ટુ ટુ રૂટિન ફોલો કરી રહ્યા છે. અહીંની પરિસ્થિતિ જોતાં તમને ખ્યાલ પણ નહીં આવે કે કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ હાલમાં ચાલી રહી છે. લોકો રસ્તાઓ, મોલ અને પાર્ક પર હરી-ફરી રહ્યા છે અને બાળકો ગાર્ડનમાં સાયકલિંગ કરી રહ્યા છે.

જ્યારે મુંબઈ સમાચારના અન્ય મહિલા પ્રતિનિધિ સ્વાતિ કે જેઓ દુબઈમાં અટવાઈ પડ્યા હતા તેમણે દુબઈની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે અહીંના લોકલ, પ્રશાસન અને અને ઈન્ડિયન એમ્બેસી દ્વારા ખૂબ જ પર્યટકો અને બહારથી આવેલા લોકોને મદદરૂપ થવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, યુદ્ધના ટેન્શનવાળા માહોલ વચ્ચે પણ દુબઈની હોટેલ, રેસ્ટોરાં અને મોલમાં રમઝાનની રોનક જોવા મળી રહી છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રમઝાન મહિનામાં જેવા રોઝા ખુલ્લે એટલે સાંજના સમયે તો જાણે દુબઈ એક અલગ જ રંગમાં રંગાઈ જાય છે. લોકો એકબીજાને મળે છે, શોપિંગ કરે છે, મોલ્સમાં ભીડ જોવા મળે છે અને રેસ્ટોરાં અને હોટેલ્સમાં તો વેઈટિંગ જોવા મળે છે. વીકએન્ડ વિના પણ અહીં વીકએન્ડ જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે.

 

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધના તણાવને કારણે કેટલીક ફ્લાઈટ્સ પર અસર ચોક્કસ જોવા મળી છે. પરંતુ એમિરેટ્સ એરલાઈન્સ અને ઈન્ડિયન એમ્બેસી પ્રવાસીઓને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. પ્રવાસીઓ માટે ખાવા-પીવાની કે રહેવાની કોઈ તકલીફ નથી અને મોબાઈલ નેટવર્ક પણ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. 

આ સાથે જ આશિષભાઈ અને સ્વાતિએ પોતાની આંખો દેખ્યા અહેવાલના આધારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં સોશિયલ મીડિયા પર જે બુર્જ ખલીફા પર એટેક થયો હોવાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે તે સંપૂર્ણપણે એઆઈ જનરેટેડ અને પાયાવિહોણા છે, આ વીડિયોમાં કોઈ સચ્ચાઈ નથી. આ સિવાય દુબઈના પ્રિન્સ પોતે પણ મોલમાં ફરીને લોકોને સંદેશ આપી રહ્યા છે કે સ્થિતિ સામાન્ય છે, જેથી પ્રવાસીઓએ ગભરાવાની જરૂર નથી. 

ટૂંકમાં કહેવાનું થાય તો દુબઈમાં સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ 100 ટકા સુરક્ષિત છે અને ત્યાંના લોકોની દિનચર્યાને જોતા યુદ્ધ જેવી કોઈ સ્થિતિનો અહેસાસ પણ થતો નથી, એવું કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી. આ સમગ્ર પરિસ્થિતિ અને દુબઈની વર્તમાન પરિસ્થિતિને આવરી લેતો એક વીડિયો રિપોર્ટ મુંબઈ સમાચારના પ્રતિનિધિ જિગરભાઈ પંડ્યા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, એ પણ જોવાનું ચૂકશો નહીં.