ભરત ભારદ્વાજ
સુપ્રીમ કોર્ટે કોલસા બ્લોક ફાળવણી કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહને ક્લીન ચીટ આપી એ સાથે જ ભારતના ઈતિહાસમાં સૌથી વધારે ગાજેલા એક મહાકૌભાંડની યાદ તાજી થઈ છે. સીબીઆઈ કોર્ટે 2015માં કોલસા કૌભાંડમાં ડૉ. મનમોહનસિંહની સંડોવણી હોવાનું સ્વીકારીને સમન્સ મોકલવા આદેશ આપ્યો હતો પણ સુપ્રીમ કોર્ટે આ આદેશને એમ કહીને રદ કરી દીધો છે કે, ડૉ. મનમોહનસિંહની સંડોવણીના કોઈ પુરાવા નથી તેથી તેમને સમન્સ ના મોકલી શકાય. સુપ્રીમ કોર્ટે ડૉ. મનમોહનસિંહ સામેની ફોજદારી કાર્યવાહી કરવાના નિર્ણયને પણ રદ કર્યો છે ને મનમોહનસિંહને સંપૂર્ણ ક્લીન ચીટ આપી દીધી છે.
ડૉ. મનમોહનસિંહ આપણી વચ્ચે નથી તેથી સુપ્રીમ કોર્ટના આદેશથી તેમને કોઈ ફરક પડવાનો નથી પણ સીબીઆઈ કોર્ટના આદેશના કારણે શરૂ થયેલી ફોજદારી કાર્યવાહી અને સમન્સના કારણે તેમના નામ બર બટ્ટો ચોક્કસ લાગી ગયો હતો. ડૉ. મનમોહનસિંહ બિચારા કોલસા કૌભાંડીનું લેબલ લઈને જીવ્યા અને ગુજરી પણ ગયા.
સુપ્રીમ કોર્ટના આદેશના કારણે સિંહના નામે લાગેલું કલંક દૂર થયું છે. કોલસા કૌભાંડનો કેસ ચાલ્યા કરે ત્યારે ત્યારે ડૉ. મનમોહનસિંહનું નામ આવ્યા કરે તેથી તેમના પરિવારને પણ તકલીફ થાય જ. સુપ્રીમ કોર્ટનો આદેશ તેમના માટે સૌથી વધારે રાહતરૂપ છે. મનમોહનસિંહની દીકરીઓ પિતાના નામ પર લાગેલું કલંક ધોવાઈ ગયું તેના સંતોષ અને રાહત સાથે હવે જીવી શકશે.
ડૉ. મનમોહનસિંહને સમન્સ મોકલવવાના આદેશના મૂળમાં 2005માં હિન્દાલ્કોને કરાયેલી તાલાબિરા-2 બ્લોકની ફાળવણી હતી. આ કારણે મનમોહનસિંહ સિવાય આદિત્ય બિરલા ગ્રૂપના કર્તાહર્તા કુમાર મંગલમ બિરલા, ભૂતપૂર્વ કોલસા મંત્રાલય સચિવ પી.સી. પરખ સહિત છ લોકો સામે સમન્સ નિકળ્યાં હતાં. બીજા બધા મનમોહનસિંહની સરખામણીમાં ટૂણિયાટ કહેવાય તેથી તેમની કોઈ ચર્ચા નહોતી પણ મનમોહનસિંહ બરાબરના વગોવાયા હતા.
મનમોહનસિંહ દેશના વડા પ્રધાન હતા ને પહેલી વાર દેશના વડા પ્રધાન રહી ચૂકેલા માણસ સામે કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં સમન્સ કાઢ્યું તેના કારણે હાહાકાર મચી ગયેલો. મનમોહનસિંહે પોતે કોઈ ગોબાચારી નહીં કરી હોવાનું પણ કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નહોતું. મીડિયાએ તો પોતાની રીતે જ ટ્રાયલ શરૂ કરીને મનમોહનસિંહ પર કોલસા કૌભાંડીનું લેબલ લગાડી જ દીધેલું. હવે આ લેબલ પણ દૂર થયું છે ને મનમોહનસિંહને કોઈ કોલસા કૌભાંડી નહીં કહી શકે.
ડૉ. મનમોહનસિંહને ક્લીન ચીટ મળી એ સુપ્રીમ કોર્ટનો આદેશ છે તેથી તેના વિશે કશું ના બોલી શકાય પણ આ ક્લીન ચીટે આપણી સિસ્ટમ કેવી બકવાસ છે એ ફરી સાબિત કરી દીધું. ડૉ. મનમોહનસિંહ 2004થી 2024ના વડા પ્રધાન હતા ત્યારે કોલસા બ્લોકની ફાળવણીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા હતા.
આ કૌભાંડમાં બહુ બધા લોકો સામેલ હતા પણ દેશના વડા પ્રધાને પોતે ચોક્કસ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે દબાણ કરેલું એવા પણ આક્ષેપ થયા હતા. દરમિયાનમાં મીડિયામાં કોલસાના બ્લોકને મેળવવા માટે ઉદ્યોગપતિઓએ કેવા કેવા ગોરખધંધા કરેલા તેની વાતો આવવા માંડી ને તેમાં એક વાત એવી બહાર આવી કે, મનમોહનસિંહે આદિત્ય બિરલાની કંપનીને ફાયદો કરાવવા માટે ખાસ મહેનત કરી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, કુમાર મંગલમ બિરલાએ હિંદાલ્કોને કોલ બ્લોક મળે એ માટે જોરદાર લોબિઈંગ કર્યું હતું ને તેમાં છેવટે પરખ સાથે ચેનલ ગોઠવી દીધી હતી. પરખે મનમોહનસિંહને સાધીને બિરલાને કોલસા બ્લોકની ફાળવણી કરાવી દીધી હતી. પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)ના જોઇન્ટ સેક્રેટરી જાવેદ ઉસ્માની અને ડેપ્યુટી સેક્રેટરી કે વી પ્રતાપે પોતાના રિપોર્ટમાં બિરલાની કંપનીને કોલ બ્લોક ફાળવવા સામે ચેતવણી આપેલી પણ મનમોહનસિંહના ફરમાનથી એ ચેતવણીને ઘોળીને પી જઈને હિંદાલ્કોને કોલ બ્લોક ફાળવી દેવાયા હતા.
કોલ બ્લોકની ફાળવણીનો મામલો એ વખતે સુપ્રીમ કોર્ટમાં ગયેલો ને સીબીઆઈ સુપ્રીમ કોર્ટની નજર હેઠળ તપાસ કરતી હતી. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને મનમોહનસિંહની સંડોવણી અંગે તપાસ કરવા કહેલું. મનમોહનસિંહ સત્તામાં હતા ને સીબીઆઈ તેમની તાબેદાર હતી તેથી સીબીઆઈ કોઈ પુરાવા લાવે એ વાતમાં માલ જ નહોતો. સીબીઆઈએ એ જ કરેલું ને આક્ષેપોમાં દમ નથી એવું કહીને ક્લોઝર રિપોર્ટ રજૂ કરેલો. નીચલી કોર્ટે આ વાત સ્વીકારી લીધેલી તેથી મામલો સુપ્રીમ કોર્ટમાં ગયેલો.
દરમિયાનમાં મનમોહનસિંહની સરકાર ઘરભેગી થઈ ગઈ ને મોદી સરકાર સત્તામાં આવી. કેગ દ્વારા જૂનાં મડદાં ઉખાડાયાં તેમાં કોલસા કૌભાંડને લગતી બાબતો પણ હતી. દરમિયાનમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ખૂલતાં સુપ્રીમે સીબીઆઈને તતડાવી નાખી. નીચલી કોર્ટે પણ સુપ્રીમ કોર્ટના તેવર જોયા પછી સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો. તેમાં મનમોહનસિંહ સામે સમન્સ નીકળવાનો આદેશ નીકળી ગયો. મનમોહનસિંહના વકીલો તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા તેથી ગયા વરસે સમન્સ સામે સ્ટે મળેલો પણ તલવાર લટકતી હતી. હવે એ તલવાર દૂર થઈ ગઈ છે.
હવે સવાલ એ છે કે, 10 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે પોતે જ મનમોહનસિંહ સામે તપાસ કરવા ફરમાન કરેલું ને સીબીઆઈને ખખડાવી નાખેલી. હવે એ જ સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને માન્ય રાખીને સિંહને ક્લીન ચીટ આપી દીધી છે. વચ્ચેના ગાળામાં સીબીઆઈએ કોઈ નવી તપાસ કરી નથી કે બીજું કશું કર્યું નથી. સીબીઆઈ 10 વર્ષ પહેલાં પણ મનમોહનસિંહ દૂધે ધોયેલા હતા એવું કહેતી હતી પણ કોર્ટને તેની વાતમાં ભરોસો નહોતો. હવે 10 વર્ષ પછી સીબીઆઈની વાત સુપ્રીમ કોર્ટને સાચી લાગે છે એ બકવાસ ના કહેવાય તો બીજું શું કહેવાય?
મનમોહનસિંહને મળેલી ક્લીન ચીટને કારણે કોલસા કૌભાંડ અંગે જે વાતો અત્યાર સુધી ચાલી તેની વિશ્વસનિયતા સામે પણ શંકા થઈ ગઈ છે. બલકે ખરેખર આવું કૌભાંડ થયું હતું કે પછી કોઈએ મીડિયાને સાધીને કોંગ્રેસ સરકારને બદનામ કરવા માટેનો કારસો કરેલો એવો સવાલ પણ થઈ રહ્યો છે. ભારતમાં એક આખી પેઢી એવું માનીને જ મોટી થઈ કે, કોંગ્રેસ સરકારે અબજોનું કોલસા કૌભાંડ કર્યું ને આ કૌભાંડીઓને ડૉ. મનમોહનસિંહે છાવર્યા હતા. હવે અચાનક 10 વર્ષ પછી મનમોહનસિંહ દૂધે ધોયેલા સાબિત થઈ ગયા તેથી આ કૌભાંડના અસ્તિત્વ વિશે જ શંકા થવી સ્વાભાવિક છે.
મોદી સત્તામાં આવ્યા ત્યારે કોંગ્રેસ સરકારના શાસનમાં થયેલાં કૌભાંડોના દોષિતોને સજા કરવાની મોટી મોટી વાતો કરી હતી પણ કશું થયું નહીં. ટેલિકોમ સ્કેમ, કોલ બ્લોક સ્કેમ, જમાઈરાજ રોબર્ટ વાડરાની કબાડેબાજી સહિતના કોઈ પણ કેસમાં કોઈને સજા થઈ નથી કે સંતોષ થાય એવી કામગીરી થઈ નથી એ જોતાં આ સરકારની નિષ્ઠા સામે પણ શંકા જાગે જ છે.