વોશિંગ્ટન : અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ દરમિયાન ઈરાનને શસ્ત્રો પૂરા પાડનારા દેશો પર 50 ટકા ટેરિફ લાદી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને લશ્કરી શસ્ત્રો અથવા યુદ્ધ સામગ્રી સપ્લાય કરનાર કોઈપણ દેશને ગંભીર આર્થિક પરિણામોનો સામનો કરવો પડશે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે તાત્કાલિક અસરથી આવા દેશોમાંથી અમેરિકામાં પ્રવેશતા તમામ માલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવશે. તેમજ કોઈપણ દેશને કોઈ છૂટ આપવામાં આવશે નહીં.
ઈરાનમાં યુરેનિયમ સંવર્ધન હવે સંપૂર્ણપણે બંધ થઈ જશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કરતા જણાવ્યું કે ઈરાનમાં સત્તા પરિવર્તન થયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, નવા આદેશ મુજબ ઈરાનમાં યુરેનિયમ સંવર્ધન હવે સંપૂર્ણપણે બંધ થઈ જશે. ટ્રમ્પે ઉમેર્યું કે અમેરિકા ઈરાન સાથે મળીને ત્યાં જમીન નીચે દટાયેલા પરમાણુ કાટમાળને શોધવા અને નાશ કરવા માટે કામ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું ક સંવેદનશીલ ઈરાની સ્થળો પર યુએસ સ્પેસ ફોર્સ દ્વારા સેટેલાઇટ દેખરેખ રાખવામાં આવી રહી છે.

50 ટકા ટેરિફ લાદવાના ટ્રમ્પના નિર્ણયથી વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ
આ અંગે નિષ્ણાતો માને છે કે 50 ટકા ટેરિફ લાદવાના ટ્રમ્પના નિર્ણયથી વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ થઈ શકે છે. ચીન અને રશિયા જેવા દેશો જેમણે ઈરાન સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા છે. તેમની માટે હવે અમેરિકા સાથે વેપાર કરવો એક મોટો પડકાર બની શકે છે.