Tue Sep 15 2026

Logo

અમેરિકાનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે, 12 મહિનામાં કર્યો સદીઓનો બદલાવઃ ટ્રમ્પ...

washington dc   2026-02-25 08:49:00
Author: Mayur Patel
અમેરિકાનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે, 12 મહિનામાં કર્યો સદીઓનો બદલાવઃ ટ્રમ્પ...

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેના એક વર્ષના કાર્યકાળમાં કરવામાં આવેલા કાર્યોની સિદ્ધી ગણાવી હતી. તેમણે સ્ટેટ ઓફ ધ યુનિયન-2026માં બોલતાં જણાવ્યું કે, અમે 12 મહિનામાં સદીઓનો બદલાવ કર્યો છે. જે આ પહેલાં કોઈ કરી શક્યું નથી. અમેરિકાની આઝાદીને 250 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને દુનિયામાં અમેરિકા જેવો બીજો કોઈ દેશ નથી અને આપણે સતત પોતાની જાતને શ્રેષ્ઠ બનાવી રહ્યા છીએ. આ અમેરિકાનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે.

શું બોલ્યા ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું, જ્યારે મેં 12 મહિના પહેલા આ ચેમ્બરમાં વાત કરી હતી ત્યારે મને સંકટમાં હોય તેવો દેશ વારસમાં મળ્યો હતો. દેશનું અર્થતંત્ર ખોરંભે ચડ્યું હતું. મોંઘવારી રેકોર્ડ સ્તરે હતી, દેશની સરહદો ખુલ્લી હતી, મિલિટ્રી અને પોલીસમાં ભરતી નહોતી થઈ, દેશમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચકાયો હતો અને સમગ્ર વિશ્વમાં યુદ્ધનો માહોલ હતો. પરંતુ એક વર્ષમાં હું ગર્વ સાથે કહી શકું છું કે, અમે પહેલા કોઈએ ન કર્યો હોય તેવો બદલાવ કર્યો છે.

આ ઉપરાંત ટ્રમ્પે કહ્યું, આજે આપણી સરહદો સુરક્ષિત  છે. 9 મહિનામાં એક પણ ઘૂસણખોરીની ઘટના બની નથી. જે લોકો કાનૂની રીતે અમેરિકા આવે છે તેમનું સ્વાગત છે. દેશમાં ખતરનાક ફેંટાનિલ ડ્રગની ઘટનામાં 56 ટકા ઘટાડો થયો છે. દેશમાં હત્યાના દરમાં પણ ઐતિહાસિક ઘટાડો થયો છે અને 125 વર્ષની સૌથી ઓછી ઘટના નોંધાઈ છે. બાઈડન સરકારે ખરાબ અર્થતંત્ર આપ્યું હતું. પરંતુ અમે મોંઘવારી ઘટાડી અને છેલ્લા પાંચ વર્ષમાં આ સૌથી ઓછા સ્તરે છે. ગેસોલીનની કિંમતમાં પણ ઘટાડો થયો છે અને ઘણા રાજ્યોમાં તે 2.30 ડોલરથી પણ ઓછી છે. મોર્ગેજ રેટ પણ ઘટ્યો છે.

ટ્રમ્પે જણાવ્યું, સ્ટોક માર્કેટ પણ મજબૂત છે. અમે પેન્શન વધાર્યું છે અને અમેરિકામાં છેલ્લા એક વર્ષમાં 18 અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. નિર્માણ ક્ષેત્રમાં 70 હજાર નવી નોકરી પેદા થઈ છે. અમેરિકામાં નેચરલ ગેસનું ઉત્પાદન સર્વોચ્ચ સ્તર પર છે. દેશના ઈતિહાસમાં વર્તમાન સમયમાં સૌથી વધારે લોકો કામ કરી રહ્યા છે અને છેલ્લા એક વર્ષમાં ખાનગી ક્ષેત્રમાં 100 ટકા નોકરીઓ પેદા થઈ છે.

આ ઉપરાંત ટ્રમ્પે કહ્યું, માત્ર ચાર દિવસ પહેલા, યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટનો એક કમનસીબ ચુકાદો આવ્યો હતો. ખૂબ જ કમનસીબ ચુકાદો હતો, પરંતુ સારા સમાચાર એ છે કે લગભગ તમામ દેશો  ડીલને જાળવી રાખવા માંગે છે. તેઓ જાણે છે કે પ્રમુખ તરીકે નવો સોદો કરવાની મારી પાસે જે કાનૂની સત્તા છે તે તેમના માટે ઘણી ખરાબ હોઈ શકે છે, અને તેથી, તેઓ તે જ સફળ માર્ગ પર કામ કરવાનું ચાલુ રાખશે.