Sat Aug 29 2026

Logo

હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ વાપરી શકાશે ઈન્ટરનેટ...

2026-03-29 09:30:00
Author: Viral Rathod
હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ વાપરી શકાશે ઈન્ટરનેટ...

ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ

ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં વાઈફાઈ સર્વિસ શરૂ થયા બાદ હવે એ દિવસ દૂર નથી કે ડોમેસ્ટિક ફ્લાઈટમાં બેઠાં-બેઠાં પણ સર્ફિંગ કરી શકાશે. લેઝરબિંબ ટેક્નોલોજીથી આ વસ્તુ હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ શક્ય બનશે. હાલમાં ઘણી એવી એરલાઈન્સ કંપનીઓની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ફ્રી વાઇફાઇથી વિમાનમાં બેસીને પણ સરળતાથી ઈન્ટરનેટ એક્સેસ કરી શકાય છે. જરૂરી એવા ઈમેઈલ અને ચેટ પણ જોઈ શકાય છે અને અપડેટ પણ કરી શકાય છે.   

  

મોટાભાગના ઈન્ટરનેટ કનેક્શન કેબલથી જોડાયેલા હોય છે પણ વિમાનમાં પ્યોર વાયરલેસ ક્નેક્શન મળે છે. વાઈફાઈ ફ્રિક્વન્સીને એક પોઈન્ટ પર સેટ કરીને ઈન્ટરનેટ કનેક્ટિવીટી આપવામાં આવે છે. ટૂંક સમયમાં આવું દેશમાં ઊડતી ફ્લાઈટમાં પણ જોવા મળી શકે છે. આવો આઈડિયા સૌપ્રથમ વખત એરબસ અને યુરોપિયન સ્પેસ એજન્સીઓને આવ્યો હતો.   એ વખતે પ્રયોગ એ કરવામાં આવ્યો હતો કે, વિમાન પ્રવાસ દરમિયાન કોઈપણ ભોગે ઈન્ટરનેટ કનેક્ટિવીટી ફોનમાં રહે. આ માટે હાલની જે વાઈફાઈ ટેક્નોલોજી છે એમાં થોડું અપગ્રેડેશન કરીને ડાયરેક્ટ સેટેલાઈટ લિંક થકી આ કનેક્ટિવીટી કરવામાં આવી. આ ઈન્ટરનેટના કેબલ્સ હજારો કિલોમીટર દૂર વિશાળ સમુદ્રના પેટાળમાં સેટ કરવામાં આવ્યા હોય છે ત્યારે હજારો ફૂટની ઊંચાઈએ ઊડતા વિમાનમાં કેબલ્સથી કે ફ્રિકવન્સીથી ઈન્ટરનેટ કનેક્ટ કરવું શક્ય નથી એટલે સીધા જ સેટેલાઈટની મદદથી નવી ક્નેક્ટિવીટી શરૂ કરવામાં આવી. વિમાન જ્યારે કોઈ શહેર કે નગર પરથી પસાર થાય છે એ સમયે રેડિયો ફ્રિક્વન્સીની મદદ લે છે. રડાર સાથે રેડિયોના મોજા આકાશમાં દૂર દૂર સુધી વિમાનને સ્પષ્ટ સિગ્નલ આપે છે. દરિયા પરથી પસાર થાય ત્યારે સેટેલાઈટ સ્પોટ કનેક્ટિવીટીથી ઈન્ટરનેટ શક્ય બને છે. ક્રૂ અથવા પાઈલટ કેબિનમાં વાઇફાઇની સુવિધા હોય છે પણ આ વાઇફાઇ ઓફિસ કે ઘરના વાઇફાઇ સેટઅપથી જુદા હોય છે. આજના આધુનિક વિમાનમાં ખાસ એન્ટેના પણ મળે છે. યાત્રી પોતાના ફોનમાંથી વાઇફાઇ ઓન કરે છે અને ડાયરેક્ટ આ કેબિનના કનેક્શન સાથે જોડાઈ જાય છે.

 10 હજાર ફૂટની ઊંચાઈ સુધી આ કનેક્ટિવીટીને મળી શકે છે. એન્ટેના થકી સિગ્નલ વિમાનને મળે છે અને આ સિગ્નલ થકી ઈન્ટરનેટ કામ કરે છે. જેમ જેમ વિમાન આગળ વધે છે એમ એ રૂટમાં આવતા અન્ય રેડિયો ટાવર કે મોબાઈલ ટાવરના સિગ્નલને એન્ટેના પોતાની રીતે કનેક્ટ કરી લે છે. આ વિમાન જ્યારે વિશાળ સમુદ્ર પરથી પસાર થાય છે કે પહાડી વિસ્તારમાંથી નીકળે છે એ સમયે આ સિગ્નલ ખોરવાય છે. આથી આ વિસ્તારમાં ઈન્ટરનેટ ઝડપથી કનેક્ટ થઈ શકતું નથી. ફ્લાઈટમાં સેટેલાઈટ બેઝ વાઇફાઇ સિસ્ટમ કામ કરે છે. ખાસ કરીને લાંબા અંતરની ફ્લાઈટમાં આ સિગ્નલ લેવા-દેવાનું કામ ડાયરેક્ટ સેટેલાઈટમાંથી થાય છે. અહીં એન્ટેના કરતાં વાઇફાઇના રાઉટરની જવાબદારી વધી જાય છે. સેટેલાઈટ સિગ્નલ વિમાનના એન્ટેના સાથે એકવાર ક્નેકટ થયા બાદ ક્રૂ કે પાઈલટ કેબિનમાં ચાલું ફ્રિકવન્સીનો ઉપયોગ કરે છે, જેમાં પ્રવાસીઓના ફોન જોડાયેલા હોય છે. એર ટુ ગ્રાઉન્ડ સેટેલાઈટ સિસ્ટમનો ઉપયોગ કરીને વિમાનમાં ઈન્ટરનેટ સર્વિસ આપી શકાય છે.

 વિદેશની મોટાભાગની એરલાઈન્સ કંપનીઓએ આ ટેક્નોલોજી અપનાવી છે. ભારતીય એરલાઈન્સ કંપનીઓમાં માત્ર એક જ કંપની પાસે આવી સુવિધા છે. સેટેલાઈટ બેઝ વાઇફાઇ સિસ્ટમમાં જ્યારે વિમાન સમુદ્ર કે પહાડી વિસ્તારમાંથી નીકળે છે એ સમયે પણ ઈન્ટરનેટ ખોરવાતું નથી. કારણ કે આ માટેના સિગ્નલ વિમાનમાં ઉપરથી જ કનેકટ થઈ જાય છે. ઈન્મરસેટ, વિયાસેટ અને સ્ટારલિંક જેવા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર માત્ર એર ફ્લાઈટ માટે જ સ્પેશ્યલ સુવિધાઓ આપે છે, જેથી પ્રવાસીઓ વિમાનયાત્રા દરમિયાન પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, વિમાનમાં ચાલતી આ ઈન્ટરનેટ સર્વિસ એક વિમાન પૂરતી જ મર્યાદિત રહે છે. એટલે કે વિમાનમાંથી ઊતર્યા બાદ એ સિગ્નલ કે સર્વિસ આપમેળે બંધ થઈ જાય છે. આવું એટલા માટે થાય છે, કારણ કે, ઈન્ટરનેટ સર્વિસ આપતી કંપનીઓએ જ વિમાન પૂરતી રેન્જ મર્યાદિત કરી દીધી હોય છે. બીજી તરફ આ માટે ખાસ લોગઈન કર્યા બાદ આવી સર્વિસનો સીધો ઉપયોગ શક્ય છે  એટલે કોઈ  ફ્રોડ થવાનો કે ચીટિગ થવાનો ચાન્સ નહીવત છે. ડિજિટલ ઈન્ફ્રા.ને વિમાનના માપદંડ અનુસાર વિકસાવવામાં આવે તો દરેક ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ આ વસ્તુ શક્ય બને...                                   

 

જે રીતે સિમકાર્ડ આવ્યા એ રીતે હવે ડેટાકાર્ડ આવી રહ્યા છે. પેન ડ્રાઈવ જેવા નહીં,પણ સિમકાર્ડ જેવા કાર્ડમાં સ્ટોરેજ 5 ટીબીથી તો શરૂ થશે.