બોલીવૂડનો મિસ્ટર પરફેક્શનનિસ્ટ આમિર ખાન ટૂંક સમયમાં ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમિર પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે આગામી 5મી જુલાઈના રોજ લગ્ન કરવાની જાહેરાત કરી છે. જોકે, આ સમાચાર સામે આવતાની સાથે બંને વચ્ચેના 14 વર્ષના ઉંમરના તફાવતને લઈને પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર એ સવાલ ચર્ચાના ચગડોળે ચડ્યો છે કે શું એક સફળ અને સુખી લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનો એક ચોક્કસ તફાવત હોવો જરૂરી છે, કે પછી આ માત્ર આપણી સામાજિક વિચારસરણીનો એક હિસ્સો છે?
આપણા ભારતીય સમાજમાં સામાન્યપણે એવી માન્યતા છે કે લગ્ન માટે પતિની ઉંમર પત્ની કરતાં વધુ હોવી જોઈએ. ખાસ કરીને અરેન્જ મેરેજમાં 3થી 5 વર્ષનો એજ ગેપ એકદમ 'પરફેક્ટ' માનવામાં આવે છે. જોકે, બદલાતા સમયની સાથે લોકોની આ વિચારસરણીમાં પણ મોટો બદલાવ આવી રહ્યો છે.
આજે ગ્લેમર જગતમાં જ એવા કેટલાય ઉદાહરણો મોજૂદ છે જેમણે ઉંમરના આ પરંપરાગત નિયમોને સરેઆમ પડકાર્યા છે. દાખલા તરીકે, પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ વચ્ચે લગભગ 10 વર્ષનો તફાવત છે, જ્યારે શાહિદ કપૂર અને મીરા રાજપૂતની ઉંમરમાં આશરે 15 વર્ષનો મોટો ગેપ છે. આટલો મોટો તફાવત હોવા છતાં આ કપલ્સ આજે એક સફળ અને ખુશહાલ જીવન જીવી રહ્યા છે.
જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો નિષ્ણાતોનું માનવું છે કે કોઈ પણ સંબંધની સફળતા માત્ર ઉંમરના આંકડા પર નહીં, પરંતુ પાર્ટનર્સની શારીરિક, માનસિક અને મેચ્યોરિટી પર નિર્ભર કરે છે. સાયન્ટિફિક સ્ટડીઝ દર્શાવે છે કે છોકરાઓની સરખામણીમાં છોકરીઓમાં હોર્મોનલ બદલાવ વહેલા શરૂ થઈ જાય છે, જેના કારણે મહિલાઓ ભાવનાત્મક રીતે વધુ ઝડપથી પરિપક્વ થઈ જાય છે.
કદાચ આ જ કારણે ભારતમાં લગ્ન માટેની કાનૂની ઉંમર પણ છોકરીઓ માટે 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ નક્કી કરવામાં આવી છે, જેથી આ 3 વર્ષનો તફાવત એક યોગ્ય સંતુલન જાળવી રાખે. પરંતુ એનો અર્થ એવો બિલકુલ નથી કે આનાથી વધુ ઉંમરનો તફાવત સંબંધને કમજોર બનાવી દે છે.
રિલેશનશિપના વિષયો પર માર્ગદર્શન આપનારા આપતી પ્રખ્યાત વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, અમેરિકન સાયકોલોજિસ્ટ ડૉ. લોરેન ઓલ્સેન આ બાબતે એક અનોખો વિચાર રજૂ કરે છે. તેમનું કહેવું છે કે મોટાભાગના કપલ્સને અંદરથી એવું જ લાગતું હોય છે કે તેઓ એક જ ઉંમરના છે.
વાસ્તવમાં આપણી પાસે માત્ર એક જ નહીં, પણ ચાર પ્રકારની ઉંમર હોય છે ક્રોનોલોજિકલ, સાઈકોલોજિકલ, શારીરિક ઉંમર અને સેક્સ્યુઅલ એજ. જે કપલ્સ વચ્ચે ક્રોનોલોજિકલ ઉંમરમાં મોટો તફાવત હોય છે, તેઓ પણ બાકીના ત્રણેય પાસાઓમાં મોટેભાગે એક સમાન હોય છે. એટલે કે કોઈ પણ સંબંધ માત્ર જન્મતારીખથી નક્કી નથી થતો, પરંતુ બંને પાર્ટનર્સના વિચારો, લાગણીઓ અને લાઈફસ્ટાઈલની સમાનતાથી મજબૂત બને છે.
જોકે, સિક્કાની બીજી બાજુ એ પણ છે કે જ્યારે ઉંમરનો તફાવત 10થી 15 વર્ષ કે તેથી વધુ હોય, ત્યારે સંબંધોમાં કેટલાક વ્યવહારિક પડકારો પણ આવી શકે છે. રિલેશનશિપ કાઉન્સિલર બ્રેન્ડી પોર્ચેના જણાવ્યા મુજબ, ઉંમરના મોટા તફાવતને કારણે બંને પાર્ટનર્સના જીવનના અનુભવો અને દુનિયાને જોવાનો નજરીયો અલગ-અલગ હોઈ શકે છે. આ ઉપરાંત, મેન્ટલ હેલ્થ એક્સપર્ટ જીનામેરી ગુઆરિનોનું માનવું છે કે આવા સંબંધોમાં સમય જતાં બંનેની હેલ્થ, એનર્જી લેવલ, ફેમિલી પ્લાનિંગ અને જીવનની પ્રાથમિકતાઓને લઈને મતભેદો સપાટી પર આવી શકે છે.
અંતમાં, એટલું જ કહી શકાય કે ઉંમરનો તફાવત સંબંધમાં માઈનસ પોઈન્ટ જરૂર બની શકે છે, પણ જો પરસ્પર પ્રેમ, આદર અને સમજણ હોય તો કોઈ પણ એજ ગેપ એક સફળ સંબંધ આડે અવરોધ બની શકતો નથી.