Sun Sep 13 2026

Logo

દેવેન્દ્ર ફડણવીસ એક્શન મોડમાં

2026-04-18 20:05:51
Author: Vipul Vaidya
દેવેન્દ્ર ફડણવીસ એક્શન મોડમાં

ગૃહ ખાતાની બેઠકમાં અધિકારીઓને નાશિકના બંને કેસમાં આરોપીને આકરી સજા મળે તે સુનિશ્ર્ચિત કરવાની તાકીદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
નાસિકના અશોક ખરાત કેસ અને ત્યારબાદ ટીસીએસ કંપનીમાં ધર્મ પરિવર્તન, જાતીય શોષણ, આ ઉપરાંત મુંબઈના ગોરેગાંવ નેસ્કોમાં ડ્રગ્સના કેસ રાજ્ય અને દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ પૃષ્ઠભૂમિમાં, નાશિકમાં મહિલાઓ પર થયેલા અત્યાચાર અને ભવિષ્ય કહેવાના બહાને ઘણા લોકોને છેતરનારા અશોક ખરાતના કેસનો ભોગ બનેલા લોકોને સંપૂર્ણ વિશ્ર્વાસ આપો. આ કેસમાં જે કોઈ દોષિત હોય, તેમને કડક સજા થવી જોઈએ. કોર્ટમાં આ કેસ મજબૂત બનાવવા માટે મજબૂત પુરાવા એકત્રિત કરો એવી તાકીદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સંબંધિતોને આપી છે અને જણાવ્યું છે કે અદાલતમાં ગુનો સિદ્ધ થવો એ એક મહત્વપૂર્ણ પરિબળ હોવું જોઈએ. તેઓ ગૃહ વિભાગની સમીક્ષા બેઠકમાં બોલી રહ્યા હતા.

આ બેઠકમાં પોલીસ આઈજી, ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, એસઆઈટીના ચીફ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નાસિકમાં જ એક પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં ધર્મ પરિવર્તનના મુદ્દા પર તેમણે અધિકારીઓને કહ્યું હતું કે આવી ઘટનાઓને બિલકુલ સહન ન કરવી જોઈએ. 

આ કેસને પોતાના દમ પર પ્રકાશમાં લાવવા બદલ નાશિક પોલીસને અભિનંદન આપતા તેમણે કહ્યું હતું કે, ‘આ વાત અહીં અટકવી ન જોઈએ, તેની તપાસ હવે જેટલી જ જોરશોરથી થવી જોઈએ, અને તેમાં રહેલા તમામ મુદ્દાઓની તપાસ થવી જોઈએ, અને તપાસમાંથી કોઈ પણ ખૂણો છૂટવો જોઈએ નહીં.’ 
મુખ્ય પ્રધાન ફડણવીસે એજન્સીઓને એવી સલાહ આપી હતી કે તેમણે અમરાવતીના પાર્થવાડાના કેસમાં સંબંધિત સામાજિક કાર્યકરોની મદદ લેવી જોઈએ, પીડિતોનું કાઉન્સેલિંગ કરવાની અને તેમને ફરિયાદ નોંધાવવા માટે વિશ્ર્વાસ પ્રસ્થાપિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી. દરમિયાન, મુંબઈના ગોરેગાંવ નેસ્કો ડ્રગ કેસમાં ડ્રગ્સ સામે મોટા પાયે કાર્યવાહી કરવાનો આદેશ તેમણે અધિકારીઓને આપતાં કહ્યું હતું કે આ યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મામલો છે, તેથી આવા કેસોને ખૂબ જ ગંભીરતાથી લેવાનો નિર્દેશ આપ્યો.