સર્જકના સથવારે - રમેશ પુરોહિત
સુરતની બાજુમાં ઉકાઈ ડેમ જવાના રસ્તે બારડોલી નગર આવે છે. બારડોલી ઐતિહાસિક ગામ છે. અહીંના સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને સરદાર બનાવ્યા હતા. આ બારડોલીમાં 23 નવેમ્બર, 1925ના રોજ જન્મેલા મુસાજી ઈસપજી હાફેસજી જેઓ એમના ઉપનામ દીપક બારડોલીકરથી પ્રખ્યાત છે. દીપક બારડોલીકર કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને આત્મકથાકાર હતા. પત્રકારત્વમાં બહુ આગળ પડતું નામ હતું. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો અને વડીલોના વ્યવસાયને હિસાબે ભાગલા પછી કરાચીમાં રહેતા હતા. આમ ભારત-પાકિસ્તાન અને નિવૃત્તિમાં બ્રિટનમાં વસવાટ કર્યો હતો.
દીપક બારડોલીકરનો જન્મ વ્હોરા કુટુંબમાં થયો હતો. બારડોલીમાંથી મેટ્રિક પાસ કરી ગ્રેજ્યુએશન કર્યું. શિક્ષણ વ્યવસાયમાં કામ કર્યું. આપણાં જાણીતા કવિશ્રી અદમ ટંકારવીએ કહ્યું છે કે ‘દીપક બારડોલીકર એક અભૂતપૂર્વ અને અનન્ય ઘટના છે. એમણે પોતે કહ્યું છે કે દરેક જણને કોઈ એક દેશ હોય છે. મારા ખાતે ત્રણ દેશો બોલે છે. હિન્દુસ્તાનમાં જન્મ્યો, જવાન થયો, જવાનીથી નિવૃત્તિ સુધીનો કાળ પાકિસ્તાનમાં ગુજાર્યો અને ત્યારપછી બ્રિટનમાં સેટલ થયો. આમ આ ત્રણેય દેશોના અનુભવી, અનુભૂતિઓ તથા સારી માઠી મોટી વૈશ્ર્વિક ઘટનાઓની તાસીર મારા કાવ્યોમાં વિષય બનતા રહ્યા છે.
હરીન્દ્ર દવેએ સાચ્ચે સાચ કહ્યું જ છે ને ‘તમારા મનના માંડવે આફૂડાં ખીલી ઊઠેલા ચમેલીના આ પુષ્પોની સુવાસ મનહૃદયને છલકાવી દે છે. એમણે 90 વર્ષ પૂરા કર્યા ત્યારે લંડનની સાહિત્ય અકાદમીએ માનચેસ્ટરમાં એમનું બહુમાન કરીને એના પ્રદાનની નોંધ લીધી હતી. કવિતા ઉપરાંત આત્મકથાઓ ‘ઉછાળા ખાય છે પાણી’ તથા ‘ સાંકળોનો સિતમ’ તથા ‘ધૂળિયુ તોફાન’ અને ‘બખ્તાવર’ નવલકથાઓ આપી છે. ગુજરાતી ભાષા પ્રત્યેનો અનુરાગ, માતૃભૂમિની સતત યાદ, બાળપણના દિવસોમાં બારડોલીની નદીના કિનારે કાદવ-ધૂળમાં કરેલી રખડપટ્ટી એ ક્યારેય ભૂલી શક્યા ન હતાં. ત્રણેય દેશના પરિવેશ, ચેતના, લોકજીવન અને સંવેદનાને ખરું રૂપ આપી એમણે સર્જન કર્યું છે. એમણે માતૃભૂમિ સાથે ખાનાબદોશી અને દેશાવરીને દીપાવી છે. પાકિસ્તાનમાં હતાં ત્યારે ઉર્દૂનાં મહાન કવિ અને પાકિસ્તાન ટાઈમ્સના તંત્રી ફૈઝ અહમદ ફૈઝ સાથેની મિત્રતાને લીધે ટ્રેડ યુનિયનના સભ્ય તરીકે જોડાયા. સરકાર સામે લડત આપી. લશ્કરી શાસન વખતે આ બન્ને કવિઓ જેલમાં હતાં. જેલની યાતના ‘સાંકળીનો સિતમ’માં આબેહૂબ ઉતારી છે. એમની ધરપકડ થઈ ત્યારે આ કવિ ડર્યા વગર, વ્યથિત થયા વગર હસતે મોઢે જેલવાસ સ્વીકારતી વખતે કહે છે:
બુઝાવી દો ઉજાસ દીપકનો
છૂટ્યા છે ફરમાન હકુમતના.
આ કવિ રોમાન્ટિક છે તો સાથે સાથે યથાર્થવાદી છે. સામાજિક નિસ્બત છે. નવ કાવ્યસંગ્રહોની ભેટ આપી છે. ‘એમનું રસાળ ભાતીગળ ગુજરાતી ગદ્ય એના લય-લઢણ, ભાષા સંસ્કાર અને સૌંદર્યને કારણે દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. પદ્યમાં તો કવિને છંદ, લય, અલંકાર, પ્રતીકો જેવા વિશેષો હાથવગા છે. એમણે ગઝલો, નઝમો, માહિયા, લઘુકાવ્યોનું સર્જન કરીને નવ સંગ્રહ આપ્યા પછી ‘તડકો તારો પ્યાર’ પુસ્તક 2006માં આપ્યું હતું.
તડકો તારો પ્યાર સંગ્રહના ઉઘાડમાં નોંધેલા ફૈઝ અહમદ ફૈઝના બે શાનદાર શેર આ પ્રમાણે છે:
ગમે-જહાં હો, રૂખે યાર હો કે દસ્તે- અદૂ,
સલૂક જિસસે કિયા, હમે આશિકાના કિયા.
*
મતા-એ-લોહો કલમ છિન ગઈ તો ક્યા ગમ હૈ
ખૂને દિલમેં ડૂબો લી હૈ ઉંગલિયાં મૈંને.
દીપકના આ ગઝલ સંગ્રહની ભાવસૃષ્ટિ બહુ આયામી છે. ખાસ કરીને એમાં પ્રણય, વતનનો ઝુરાપો, અસ્મિતા, ખુમારી, સંઘર્ષ, માનવપ્રેમ અને સમસામયિક ઘટનાઓનું આલેખન વિશેષ ઉલ્લેખનીય છે. નિષ્કાસનનો ઓથાર એમને સતત દાબતો અને દળતો રહ્યાનું રદીશ મીરે નોંધ્યું છે.
એમની વતન ઝુરાપાની ચીસ એમને ક્યાંય ઠરીઠામ થવા દેતી નથી. જોઈએ એમના આને લગતા શેર:
છાંયડાની તલાશ દોરી ગઈ
થૈ ગયો છું વિદેશનો માણસ
*
દ્વાર ખોલ્યું, દ્વાર છોડા્યુ નહીં
એક બિલ્લી પગમાં વિંટાતી હતી
*
ડાળે ડાળે પ્રેમનો પડઘો હતો
એ હતાં ને એમનો વગડો હતો.
સોનાની દ્વારિકામાં બેઠેલા કૃષ્ણ સખા ઉદ્ધવને કહે છે: ઉધો, મોંહે બ્રિજ બિસરત નાહીં,
કૃષ્ણના વ્રજ માટેના ઝુરાપાથી આ કવિનો ઝુરાપો જરા પણ ઓછો નથી. પ્રથમ વરસાદે ઊઠતી માટીની ભીની મહેકની નાતો કવિની સ્મૃતિમાં જીવ્યા ત્યાં સુધી એવો ને એવો અકબંધ હતો. ‘યાદ હું આવીશ’ નઝમમાં વતનના સંસ્મરણોનું પ્રભાવલોકન આપણને સાદ્યતં ભીંજવે છે. આ ચતુષ્પદી નઝમનો ઉપાડ તો જુઓ.
ભલે આજે હું દરિયાપાર બેઠો છું
વિખૂટો થઇ ગયો છું ને વિદેશી પણ
મગર ઓ બારડોલી, હું નથી ભૂલ્યો
છે દિલમાં તું ને તારી સર્વ શેરી પણ
*
અદબપૂર્વક ઉપાડું છું અમારા દેશની માટી
ને નાખી શિરમાં, નાચું છું અમારા દેશની માટી
*
વતન પરસ્તીનો આવો અનહદ ધબકાર એમની ઘણી રચનાઓમાં વારંવાર પ્રગટે છે. આ ઉપરાંત એમાં માનવમાત્રના દર્દ પ્રત્યે પણ ઊંડો સદ્ભાવ વ્યક્ત થાય છે. એ કહે છે :
અમે ખુશ્બુમાં ખોવાઇ ગયા છીએ
અમારું કોઇ સરનામું નથી હોતુ.
*
બીજું શું જોઇએ, તને જીવન !
તારી ખાતર છે દેશ પણ છોડયો
મોજમસ્તીનો વેશ પણ છોડયો
તારી ખાતર તમસને મેં પોંખ્યું
ને સુવાસિત ઉજાશ પણ છોડયાં.
*
કષ્ટના પાવાગઢ ઉપાડ્યા મેં
ને જિસમ પર જખમ સજવ્યા મેં
બીજું શું જોઈએ તને જીવન
*
ક્યાંક દાદાગીરીમાં છલકાયો
વેરની આંધીઓથી ભટકાયો
ક્યાંક ડુંગરને લાત ફટકારી
તો કદી આંગણામાં પછડાયો.
*
ભૂતકાળ પાછો લાવું, શણગાર તું સજે તો
હું પણ જવાન લાગું
*
હશે શું એવું એની ઓઢણીમાં કે
પડછાયો રાતો થઈ ગયો?
*
શક્યો હોય તો કર કદી એવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ
બારડોલી અને મીંઢોળા નદીની યાદ અને વતનના ગુલમહોરોની સ્મૃતિ તો જુઓ:
મુઠ્ઠીમાં ગુલમહોર છે, આંખોમાં ગુલમહોર,
ખિસ્સા છે લાલ લાલ ને ખ્યાલોમાં ગુલમહોર
માણસ છું ગુલમહોરનો બીજું તો હોય શું
લોહીમાં ગુલમહોર છે શ્ર્વાસોમાં ગુલમહોર
*
હું છું તડકાનો આદમી દીપક
મારા ખિસ્સામાં ખણખણે તડકો
*
ગંધની લહેરો સૌ વારતા કહી દે છે
શહેરમાં થયું છે શું એ હવા કહી દે છે
*
ભલે ઉતરો મગર સમજી વિચારીને
ઝરણામાં હોય છે ક્યારેક દરિયા પણ
*
છે હજી ખ્વાબોમાં કોઈનું લલાટ
ઝળહળે છે ચાંદલો પરદેશમાં
*
એના પાલવની ધૂનમાં દીપક
એક દરિયો અમે તરી લીધો.
દીપક બારડોલીકર ઈ.સ. 2016માં લઘુકાવ્ય સંગ્રહ ફુવાર આપે છે અને પછી 12 ડિસેમ્બર, 2019માં અલવિદા કહે છે. એમનું સાહિત્ય, કવિતા બધું જ શાશ્ર્વત છે અને એમની યશરૂપી કાયા હંમેશાં જીવતી રહેશે.