Sun Apr 12 2026

Logo

પશ્ચિમ એશિયામાં અશાંતિ વચ્ચે કચ્છનું કંડલા બંદર બન્યું ‘સેફ હેવન’, આગામી ૭૨ કલાકમાં ૨૨ જહાજો લંગરશે...

2026-03-14 11:12:41
Author: Mayur Patel
Article Image

ભુજઃ પશ્ચિમ એશિયાના ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો પર મોટી અસર પડી છે, જેની સીધી અસર હવે ગુજરાતના બંદરો પર જોવા મળી રહી છે. કચ્છ સ્થિત ભારતનું અગ્રણી દીનદયાળ પોર્ટ (કંડલા) આગામી ત્રણ દિવસમાં ૨૨ જેટલા વિશાળ જહાજોનું સ્વાગત કરવા માટે સજ્જ થયું છે. આ જહાજોમાં ખાસ કરીને ખાડી દેશો તરફ જનારા વિદેશી ધ્વજ ધરાવતા જહાજોનો સમાવેશ થાય છે, જે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં જઈ શકે તેમ ન હોવાથી હવે કંડલા તરફ વળ્યા છે.

પશ્ચિમ એશિયા તરફ જતા જહાજો કંડલાને 'ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ' તરીકે ઉપયોગમાં લઈ રહ્યા છે. આગળનો પ્રવાસ સુરક્ષિત રીતે આયોજિત કરી શકાય તે માટે માલવાહ જહાજો તેમનો સામાન અહીં ઉતારી રહ્યા છે  આ અંગે કંડલા બંદરના જનસંપર્ક અધિકારી ઓમ પ્રકાશ દાદલાણીના જણાવ્યા અનુસાર, આ પરિસ્થિતિને "ચેન્જ ઓફ વોયેજ" (મુસાફરીમાં ફેરફાર) તરીકે જોવામાં આવે છે, જેમાં જહાજ તેના નિર્ધારિત માર્ગ કે ગંતવ્ય સ્થાનમાં ફેરફાર કરીને સુરક્ષિત બંદરે રોકાણ કરે છે.આગામી ૭૨ કલાકમાં ૨૨ જેટલા જહાજોને હેન્ડલ કરવા માટે કંડલા બંદરનું પ્રશાશન સંપૂર્ણ રીતે તૈયાર છે બદલાયેલા માર્ગો ધરાવતા જહાજોને સમાવવા માટે સિસ્ટમ કાર્યક્ષમ રીતે કામ કરી રહી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,કંડલા પોર્ટ પાસે ઉપલબ્ધ વિશાળ જમીન અને તેની ભૌગોલિક સ્થિતિ ટ્રાન્સશિપમેન્ટ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વધારાના કાર્ગોને રાખવા માટે પોર્ટ પર પૂરતી જગ્યા ઉભી કરવામાં આવી રહી છે.

દરમ્યાન, શિપિંગ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ સિંહાએ સ્પષ્ટ કર્યું છે કે ભારતભરના બંદરો પર કામગીરી સ્થિર છે. અગાઉ શિપિંગ સચિવે તમામ સરકારી બંદરોને એજન્ટો અને નિકાસકારોની સમસ્યાઓ ઉકેલવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસરવા આદેશ આપ્યો હતો. ગુજરાતના કચ્છનું કંડલા મહાબંદર આ તમામ સૂચનાઓનું પાલન કરીને વૈશ્વિક શિપિંગ લાઈનોને આ કટોકટી કાળમાં પણ શ્રેષ્ઠ સેવા આપવા કટિબદ્ધ હોવાનું રાજેશ સિંહાએ ઉમેર્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)