Sat Aug 15 2026

Logo

મધ્ય પ્રદેશમાં ભાજપનો દાવ ઊંધો પડ્યો! દિગ્ગજ નેતાને 'સાઇડલાઇન' કરવાનું ભારે પડ્યું, કોંગ્રેસે મારી બાજી

2026-08-03 18:51:53
Author: Devayat Khatana
Article Image

ભોપાલ: ગુજરાતની માંજલપુર સહિત દેશની અન્ય બે વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભાની બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામમાં રાજ્યમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહે દતિયા બેઠક પરથી શાનદાર જીત મેળવી છે, જ્યારે ભાજપના ઉમેદવાર આશુતોષ તિવારીને હારનો સામનો કરવો પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસના ઘનશ્યામ સિંહે 6025 મતોની સરસાઈથી જીત હાંસલ કરી છે.

21 ઉમેદવાર વચ્ચે કોંગ્રેસે જીતી બાજી 
દતિયા વિધાનસભા બેઠક પર યોજાયેલી આ પેટાચૂંટણીમાં 21 જેટલા ઉમેદવાર હતા પણ સીધી ટક્કર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હતી. આ બેઠક માટે 30 જુલાઈના રોજ મતદાન થયું હતું અને આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી પરિણામોના આંકડા મુજબ, કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહને કુલ 66757 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે ભાજપના આશુતોષ તિવારીને 60741 મત પ્રાપ્ત થયા હતા. આ સાથે જ કોંગ્રેસના ઉમેદવારે 6016 મતોના અંતરથી બેઠક કબજે કરી લીધી છે.

ભાજપને કેમ ફટકો પડ્યો?
અત્રે ઉલ્લેખનીય છે કે, દતિયા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આશુતોષ તિવારી પર દાવ ખેલ્યો હતો. ખરેખર તો આ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા પ્રબળ દાવેદાર મનાતા હતા, પરંતુ છેલ્લી ઘડીએ પાર્ટીએ તેમની ટિકિટ કાપીને આશુતોષ તિવારીને આપી દીધી હતી. ટિકિટ કપાવાને કારણે નરોત્તમ મિશ્રાના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો, અને તેની સીધી અસર ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. 

શા માટે યોજાય હતી પેટાચૂંટણી?
આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાનું કારણ પણ ખૂબ જ રસપ્રદ છે. વર્ષ 2023માં યોજાયેલી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં દતિયા બેઠક પરથી કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીએ ભાજપના કદાવર નેતા નરોત્તમ મિશ્રાને હરાવીને જીત મેળવી હતી. જોકે, એક જૂના કેસમાં રાજેન્દ્ર ભારતીને સજા ફટકારવામાં આવતા તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું હતું. આ જ કારણોસર દતિયામાં ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ પેટાચૂંટણીમાં પણ ભાજપ આ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યું છે અને કોંગ્રેસે પોતાની આ બેઠક ફરીથી જાળવી રાખી છે.