Sat Aug 29 2026

Logo

શું ડેરિલ મિચલે માર્કરમનો કૅચ ઝીલ્યો હતો?

2026-03-05 21:52:00
Author: Ajay Motiwala
શું ડેરિલ મિચલે માર્કરમનો કૅચ ઝીલ્યો હતો?

કોલકાતાઃ ઈડન ગાર્ડન્સમાં બુધવારે ન્યૂ ઝીલૅન્ડે ઓપનર ફિન ઍલન (100 અણનમ, 33 બૉલ, આઠ સિક્સર, દસ ફોર)ની ટી-20 વર્લ્ડ કપની વિક્રમજનક ફાસ્ટેસ્ટ સેન્ચુરીની મદદથી સાઉથ આફ્રિકાની બળુકી ટીમને નવ વિકેટથી આસાનીથી હરાવી તો દીધી, પણ પ્રથમ બૅટિંગમાં સાઉથ આફ્રિકાના સુકાની એઇડન માર્કરમે 18 રનના પોતાના સ્કોર પર કૅચઆઉટમાં વિકેટ ગુમાવી હતી એનો વિવાદ થયો છે.

આઠમી ઓવરમાં કુલ સ્કોર 2/55 હતો ત્યારે સ્પિનર રચિન રવીન્દ્રના બૉલમાં માર્કરમનો ડેરિલ મિચલે જે કૅચ ઝીલ્યો હતો. જોકે એ કૅચ નહોતો. થર્ડ અમ્પાયર નીતિન મેનને પુરાવાના અભાવે એ કૅચ ઝીલી લેવામાં આવ્યો હોવાનો નિર્ણય લઈને માર્કરમ (Markram)ને આઉટ જાહેર કર્યો હતો. જોકે ખુદ મિચલ (Mitchell)ને પોતે કૅચ ઝીલ્યો હતો કે કેમ એ વિશે પૂરી ખાતરી નહોતી.

ઍક્શન રિપ્લેમાં મિચલથી એ કૅચ બરાબર નહોતો ઝીલી શકાયો એ સ્પષ્ટ દેખાતું હતું. બૉલ તેણે હાથમાં ઝીલ્યો એ પહેલાં જમીનને અડી ગયો હતો.

સાઉથ આફ્રિકા કે જે ફાઇનલમાં પહોંચવા માટે ફેવરિટ ગણાતું હતું એ વન-સાઇડેડ બનેલી મૅચમાં પરાજિત થયું હતું. માર્કરમના કૅચનો વિવાદ સોશ્યલ મીડિયામાં બુધવાર રાતથી જ શરૂ થઈ ગયો હતો.

ન્યૂ ઝીલૅન્ડ સામેની નવ વિકેટની હાર બાદ માર્કરમે `ચહેરા પર જાણે તમાચો પડ્યો હોય એવું લાગી રહ્યું છે' એવું કહ્યું હતું. તેની વિકેટવાળા કૅચ વિશે સોશ્યલ મીડિયા પર એવી કમેન્ટ કરાઈ હતી કે જો એ કૅચને લગતો નિર્ણય જુદો હોત તો મૅચનું રિઝલ્ટ પણ અલગ આવ્યું હોત.