Tue Sep 08 2026

Logo

કફ પરેડથી ગુમ ત્રણ સગીરાને પોલીસે છ કલાકમાં કર્જતના રિસોર્ટમાંથી શોધી કાઢી

2026-08-26 20:53:27
Author: Yogesh D. Patel
કફ પરેડથી ગુમ ત્રણ સગીરાને પોલીસે છ કલાકમાં કર્જતના રિસોર્ટમાંથી શોધી કાઢી

મુંબઈ: દક્ષિણ મુંબઈના કફ પરેડ વિસ્તારમાંથી ગુમ થયેલી ત્રણ સગીરાને પોલીસે છ કલાકમાં કર્જતના રિસોર્ટમાંથી શોધી કાઢી હતી. ત્રણેયને બાદમાં તેમના કુટુંબીજનોને સોંપવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. 

કફ પરેડના ડો. બાબાસાહેબ આંબેડકરનગરમાં રહેનારી ફરિયાદીને મંગળવારે સવારના તેની પંદર વર્ષની પુત્રી ઘરમાં નજરે પડી નહોતી. પુત્રી વૉશરૂમમાં ગઇ હોવાનું માનીને ફરિયાદી કામે જતી રહી હતી. બપોરે તેને જાણવા મળ્યું હતું કે પુત્રી સ્કૂલેથી પાછી ફરી નથી. સ્કૂલમાં મોડું થયું હશે, એવું માનીને ફરિયાદીએ એ તરફ ધ્યાન આપ્યું નહોતું. જોકે બાદમાં સ્કૂલમાં શિક્ષકનો ફરિયાદી ફોન કરી જણાવ્યું હતું કે તેની પુત્રી અને તેની બે બહેનપણી ઘણા દિવસથી સ્કૂલમાં નથી આવી રહી અને તેઓ આજે પણ આવી નથી.

આ જાણીને ફરિયાદીને આંચકો લાગ્યો હતો અને તેણે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ ત્રણેય સગીરાને શોધવા માટે બે ટીમ તૈયાર કરી હતી. પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે ત્રણેય સગીરને કર્જતના રિસોર્ટમાંથી શોધી કાઢી હતી.