અર્લિંગટન (ટેક્સસ): પોર્ટુગલ સોમવારે મધરાત બાદ 23મા ફિફા વર્લ્ડ કપમાં કટ્ટર યુરોપિયન હરીફ સ્પેન સામે 0-1થી હારી જતાં પોર્ટુગલનો કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રડમસ ચહેરે ચાહકોને અલવિદા કરીને મેદાનમાંથી પાછો આવ્યો હતો. 90,000-પ્લસ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં બેઠેલા તમામ લોકોએ ઊભા થઈને, તાળીઓના ગડગડાટ સાથે રોનાલ્ડોને હાઈએસ્ટ છઠ્ઠા વર્લ્ડ કપની સિદ્ધિ પૂર્ણ કરવા બદલ આ ટૂર્નામેન્ટમાંથી તેને માનભેર વિદાય આપી હતી. આર્જેન્ટિનાના ફૂટબોલ-લેજન્ડ લિયોનલ મેસીનો પણ આ વિક્રમજનક છઠ્ઠો વર્લ્ડ કપ છે. રોનાલ્ડો વિશ્વનો એકમાત્ર ફૂટબોલર છે જેણે તમામ છ વર્લ્ડ કપમાં ગોલ કર્યા છે.
સ્પેનના સબસ્ટિટયૂટ મરિનોનો ગોલ્ડન ગોલ
સોમવાર રાતની પોર્ટુગલ સામેની પ્રી-કવોર્ટર ફાઈનલમાં એકમાત્ર ગોલ થયો હતો જે સ્પેનના સબસ્ટિટયૂટ મિકેલ મરિનોએ મૅચની અંતિમ પળોમાં (90 મિનિટની મુખ્ય મૅચ બાદ સ્ટોપેજ ટાઈમની પ્રથમ મિનિટમાં) કરીને સ્પેનને કવૉર્ટર ફાઈનલમાં પહોંચાડી દીધું હતું જેમાં એનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. એ સાથે, પોર્ટુગલ આ ટૂર્નામેન્ટની બહાર થઈ ગયું હતું. સ્પેનના મરિનોએ પોર્ટુગલને વર્લ્ડ કપની ટ્રોફી અપાવવાના રોનાલ્ડોના સપનાને ચકનાચૂર કરી નાખ્યું છે. રોનાલ્ડોની આ રીતની વિદાયના 24 કલાક પહેલાં બ્રાઝિલના નેમારે નોર્વે સામેની 1-2ની હાર બાદ રડમસ હાલતમાં આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
મોટા ટાઈટલ્સમાં વર્લ્ડ કપનો તાજ નથી
41 વર્ષીય રોનાલ્ડોએ આ સાથે વર્લ્ડ કપ (WC)માંથી ઉદાસ ચહેરે વિદાય લીધી છે. તે મૅચમાં ઘણા તબક્કે તેમ જ છેલ્લી સેકન્ડના પ્રયાસમાં પોર્ટુગલને ગોલ નહોતો અપાવી શક્યો. વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ મૅચ રમનારાઓમાં તે 27 મૅચ સાથે (લિયોનેલ મેસીની 30 મૅચ પછી) બીજા નંબરે છે. રોનાલ્ડો (Ronaldo) પોર્ટુગલને યુરોપિયન ચેમ્પિયનશિપનું એક ટાઈટલ તેમ જ યુઇફા નેશન્સ લીગના બે ટાઈટલ અપાવી ચૂક્યો છે, પણ એ બધામાં ફિફા વર્લ્ડ કપનો તાજ ખૂટતો હતો જે રોનાલ્ડો પોર્ટુગલ (Portugal)ને આ વખતે પણ ન અપાવી શક્યો. તેનો હરીફ મેસી આર્જેન્ટિનાને 2022માં વર્લ્ડ કપ ટાઈટલ અપાવી ચૂક્યો છે. રોનાલ્ડોએ સોમવારની મૅચ પછી કહ્યું ‘મેં પોર્ટુગલને ત્રણ ટાઈટલ અપાવ્યા જેમાંથી 2016નું યુરો ટાઈટલ મારી દ્રષ્ટિએ વર્લ્ડ કપના તાજ જેવું જ કહેવાય.'
રોનાલ્ડોના છ વર્લ્ડ કપમાં પોર્ટુગલનો પર્ફોર્મન્સ
(1) 2006માં સેમિ ફાઈનલ સુધી
(2) 2010માં પ્રી-કવૉર્ટર ફાઈનલ સુધી
(3) 2014માં ગ્રૂપ સ્ટેજની બહાર
(4) 2018માં પ્રી-કવૉર્ટર ફાઈનલ સુધી
(5) 2022માં કવૉર્ટર ફાઈનલ સુધી
(6) 2026માં પ્રી-કવૉર્ટર ફાઈનલ સુધી
146 ગોલનો વર્લ્ડ રેકોર્ડ, ભારતનો સુનીલ છેત્રી ચોથો
રોનાલ્ડો પોર્ટુગલ વતી 233 મૅચ રમ્યો છે જેમાં તેણે 146 ગોલ કર્યા છે જે વિશ્વવિક્રમ છે. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલની યાદીમાં લિયોનેલ મેસી 124 ગોલ સાથે બીજા નંબરે, ઈરાનનો અલી દાઈ 108 ગોલ સાથે ત્રીજા સ્થાને અને ભારતનો સુનીલ છેત્રી 95 ગોલ સાથે ચોથા નંબરે છે.
રોનાલ્ડોએ હજી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ નથી છોડી
કરોડો ફૂટબૉલપ્રેમીઓમાં લોકપ્રિય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ છ વર્લ્ડ કપમાં કુલ 11 ગોલ કર્યા અને વ્યક્તિગત રીતે સૌથી વધુ ગોલ કરનારાઓમાં તે નવમા સ્થાને છે. મેસી 20 ગોલ સાથે મોખરે છે. સોમવારે સ્પેન સામેના પરાજય બાદ ગમગીન ચહેરે રોનાલ્ડોએ કહ્યું, ‘આ મારો છેલ્લો વર્લ્ડ કપ હતો. આ રીતે મારે વર્લ્ડ કપને અલવિદા કરવી પડી રહી છે એ બદલ મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. મેં પોર્ટુગલને હંમેશાં જિતાડવા માટે બનતા તમામ પ્રયાસો કર્યા અને હું હૃદયના શુદ્ધ ભાવ સાથે વર્લ્ડ કપમાંથી વિદાય લઈ રહ્યો છું. ફૂટબોલરનું જીવન આવું જ હોય. નિરાશા મળે તો પણ આગળ વધવું જ પડે. હું હવે થોડો સમય મારી ફેમિલી સાથે વીતાવીશ. (આંતરરાષ્ટ્રીય ફૂટબૉલને ગુડબાય કરવાની બાબતમાં) હું ઉતાવળે કોઈ પગલું ભરવા નથી માગતો.'