નિલેશ વાઘેલા
ભારતે તેના સૌથી સંવેદનશીલ ક્ષેત્રો આસપાસ મજબૂત રક્ષા કવચ રચ્યું છે. ડેરી, ખાદ્યતેલ, ખાંડ અને મુખ્ય કૃષિ ચીજવસ્તુઓને ટૅરિફ કન્સેશનમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, જે ખેડૂતો અને ગ્રામીણ આજીવિકા માટે રક્ષણ સુનિશ્ચિત કરે છે. આ કરારમાં ભારતીય એપેરલથી ન્યૂ ઝીલૅન્ડના એપલ અને કિવીને આવરી લેવામાં આવ્યા છે. વાણિજ્ય પ્રધાને કહ્યું છે કે, ભારત કોઇ વેપાર સોદામાં ઉતાવળ નહીં કરશે અને લમણે બંદૂક તાકીને ભારત પાસે કોઇ સોદો કરાવી શકશે નહીં.
આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાએ શરૂ કરેલી ટૅરિફ વૉરની ઝાળથી બચવાના ઉપાય રૂપે ભારતે તાજેતરમાં જ યુરોપિયન સમુદાય સાથે, જેને મધર ઓફ ઓલ ડીલ, ગણાવવામાં આવ્યો એવા વેપાર કરાર કર્યા છે. આ ઉપરાંત હાલ યુકે અને ઓમાન સાથે પણ પ્રોસેસ ચાલુ છે. જોકે, આજે આપણે સૌથી તાજી ટ્રેડ ડીલ વિશે વાત કરવી છે.
અગાઉ તઘલખી ટ્રમ્પના વિવિધ ટેરિફના ફતવા અને ત્યાર બાદ તેના મસ્તિસ્કના ચક્રમ જેવા નિર્ણયોને કારણે અખાતી દેશના મુખ્ય જળમાર્ગ પર ઘેરાયેલા સંકટને કારણે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપાર પર ગંભીર નકારાત્મક અસર પડી છે. આમાંથી બહાર આવવાના પ્રયાસરૂપે ભારત વિવિધ દેશ સાથે એફટીએ એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યું છે, જેથી દેશના હિતને સાચવવા સાથે આયાત-નિકાસના વેપારને સરળ બનાવી શકાય અને બિનજરૂરી ખર્ચને ઘટાડી શકાય.
આ જ દિશાના એક પ્રયાસમાં આ સોમવારે 27 એપ્રિલે ન્યૂઝીલૅન્ડ સાથે ભારતે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરીને તેને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જેમાં નવી દિલ્હીએ પોતાની ટૅરિફ ક્ધસેશનને કાળજીપૂર્વક આકાર આપતી વખતે, સંવેદનશીલ ક્ષેત્રોને સુરક્ષિત રાખવા સાથે ન્યૂઝીલૅન્ડમાં ભારતીય નિકાસ માટે 100 ટકા ડ્યૂટી-મુક્ત ઍક્સેસ સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.
માર્ચ 2025માં જાહેર થયા પછી નવ મહિનાના વિક્રમી ઓછા સમયમાં વાટાઘાટોને સાકાર કરી તૈયાર કરવામાં આવેલો એફટીએ ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે માલ અને સેવાઓના વેપારને વેગ આપશે એવી અપેક્ષા છે. આ દેશ સાથેનો દ્વિપક્ષીય વેપાર વર્ષ 2024માં 2.4 બિલિયન ડૉલર સુધી પહોંચ્યો હતો, નાણાકીય વર્ષ 2024-25માં વેપાર 1.3 બિલિયન હતો, જે પાછલા વર્ષ કરતાં 49 ટકાનો વધારો દર્શાવે છે.
ભારતને શું ફાયદો થાય છે?
આ કરારથી ભારતને શું લાભ મળશે એ જોઇએ. ન્યૂઝીલૅન્ડ દ્વારા 8,000થી વધુ ટૅરિફ લાઇનને આવરી લેતા ટેરિફને નાબૂદ કરવાથી ભારતીય ક્ષેત્રો, ખાસ કરીને શ્રમલક્ષી ઉદ્યોગોને તાત્કાલિક ફાયદો થશે.
આ પગલાથી ખાસ કરીને કાપડ (ટેક્સટાઇલ), વસ્ત્ર (એપેરલ), ચામડું, ફૂટવેર, રત્નો અને ઝવેરાત જેવા શ્રમલક્ષી ક્ષેત્રોમાં નિકાસ ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધશે. આ રીતે કરારના લાભોના કેન્દ્રમાં લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગો (એમએસએમઇ) તથા રોજગાર સર્જનને સ્થાન અપાયું હોવાનું પ્રતીત થાય છે.
અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ એફટીએમાં પરંપરાગત ક્ષેત્રોથી આગળ નિકાસ આધારને વિસ્તૃત કરીને, મધ, મસાલા, અનાજ, ફળો, કોફી અને કોકો સહિતનાં કૃષિ ઉત્પાદનોને પણ બજારની સુલભતામાં સુધારો થવાનો અંદાજ છે.
કાપડ અને વસ્ત્રો સૌથી મોટા લાભાર્થીઓમાં સામેલ થવાની અપેક્ષા છે, જેમાં ગાર્મેન્ટ્સ, હોમ ટેક્સટાઇલ અને હેન્ડલૂમ ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જ્યારે અગાઉ દસ ટકા સુધીના ટૅરિફ ચૂકવી રહેલા ચામડા અને ફૂટવેર નિકાસકારોને ઉક્ત કરાર લાગુ થયા પછી ન્યૂઝીલૅન્ડ બજારમાં ડ્યૂટી-ફ્રી પ્રવેશ લાભ મળશે.
જેમ્સ અને જ્વેલરી નિકાસકારોને પણ ઊંચી અવક ધરાવતાં બજારમાં સ્પર્ધાત્મક ભાવ સાથે પ્રવેશનો લાભ મળશે, એન્જિનિયરિંગ માલ, પ્લાસ્ટિક અને અન્ય ઉત્પાદિત ઉત્પાદનોે પણ ટૅરિફ નાબૂદીથી લાભ મેળવશે.
કૃષિ અને ખાદ્ય ઉત્પાદનોમાં, ભારતીય નિકાસકારો હવે મધ, મસાલા, અનાજ, ફળો, કોફી અને કોકો સહિતની ચીજોમાં વધુ સુલભ પ્રવેશનો આનંદ માણશે, આ એવા સેગમેન્ટ્સ છે જ્યાં ટૅરિફ દૂર થવાથી સ્પર્ધાત્મકતામાં સુધારો થવાની અને ખેડૂતો અને ફૂડ પ્રોસેસર્સ માટે નવી તકો ખુલવાની અપેક્ષા છે. નોંધવું રહ્યું કે, મધનો સમાવેશ ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે પરંપરાગત જથ્થાબંધ કોમોડિટીઝ ઉપરાંત વિશિષ્ટ કૃષિ-નિકાસ અને મૂલ્યવર્ધિત ઉત્પાદનો માટે બજાર ઍક્સેસનો સંકેત આપે છે.
ન્યૂઝીલૅન્ડને શું ફાયદો થાય છે?
હવે આપણે આ જકાતમુક્ત વ્યાપાર વ્યવસ્થાથી ન્યૂઝીલૅન્ડને કેવા લાભ મળશે એ જોઇએ. અહીં મહત્ત્વની બાબત એ છે કે, ભારતે વિદેશ બજારમાં વ્યાપક ઍક્સેસ મેળવી છે, જ્યારે તેની પોતાની ટૅરિફ પ્રતિબદ્ધતાઓ ગણતરીપૂર્વક નક્કી કરવામાં આવી છે.
ભારતે દ્વિપક્ષીય વેપાર મૂલ્યના 95 ટકાને આવરી લેતી 70.03 ટકા ટૅરિફ લાઇન પર ટૅરિફ ઉદારીકરણની ઓફર કરી છે, જ્યારે ભારતના સંવેદનશીલ ક્ષેત્રોને સુરક્ષિત રાખવા માટે 29.97 ટકા ટૅરિફ લાઇનને બાકાત રાખી છે.
દેશ લગભગ 30 ટકા ટૅરિફ લાઇન પરની ડ્યૂટી તાત્કાલિક નાબૂદ કરશે, જેમાં 35.6 ટકાનો ઘટાડો થશે, જે મોટાભાગે સ્થાનિક ઉદ્યોગને ટેકો આપતાં ક્ષેત્રોમાં થશે. આમાં ઊન, વન ઉત્પાદનો, ઘેટાંનું માંસ અને કોલસા જેવા ઇનપુટનો સમાવેશ થાય છે.
ન્યૂઝીલૅન્ડના પસંદગીનાં કૃષિ ઉત્પાદનો જેમ કે સફરજન, કિવી, માનુકા મધ અને મિલ્ક આલ્બ્યુમિન સહિતના આલ્બ્યુમિન માટે બજાર પ્રવેશ ટૅરિફ રેટ ક્વોટા (ટીઆરક્યુ) દ્વારા નિયંત્રિત કરવામાં આવશે, જેમાં ન્યૂનતમ આયાત કિંમતો અને સલામતીના પગલાંનો સમાવેશ થાય છે. એકંદરે, ટૅરિફ લાઇનનો માત્ર 0.06 ટકા આ ટીઆરક્યુ હેઠળ આવે છે.
માનુકા મધ, જેના પર હાલમાં 66 ટકા જેટલી જકાત લાગુ થાય છે, ન્યૂઝીલૅન્ડથી તેની આયાત 14.2 એમટી (મૂલ્યમાં માત્ર ત્રણ લાખ ડોલર) જેટલી છે, જે વૈશ્ર્વિક સ્તરે 356.8 એમટી છે. કરાર દર વર્ષે 200 એમટીના ઇન-ક્વોટા ટીઆરક્યુની મંજૂરી આપે છે, જેમાં ન્યૂનતમ આયાત કિંમત 20 ડૉલર પ્રતિ કિલો અને પાંચ વર્ષમાં 75 ટકા ટૅરિફ ઘટાડાનો સમાવેશ થાય છે, જ્યારે ક્વોટા બહારની આયાત સમાન તબક્કાવાર ટૅરિફ ઘટાડા સાથે 30 ડોલર કિલોની ઊંચી લઘુતમ આયાત કિંમતને આધીન રહેશે.
ડ્યૂટી પ્રથમ વર્ષમાં 56.1 ટકાથી ઘટીને પાંચમા વર્ષથી 16.5 ટકા થશે. સફરજનના કિસ્સામાં, પર હાલમાં 5ચાસ ટકા જકાત લાગુ થાય છે. એપલની કુલ 519,000 મેટ્રિક ટનથી વધુની આયાતમાંથી, ન્યૂઝીલૅન્ડથી 31,392.6 મેટ્રિક ટન (32.4 મિલિયન ડૉૅલર)ની આયાત છે.
કરારમાં પ્રથમ વર્ષમાં 32,500 મેટ્રિક ટનથી શરૂ કરીને છઠ્ઠા વર્ષ સુધીમાં 45,000 મેટ્રિક ટન સુધીનો ઇન-ક્વોટા ટીઆરકયુ હેઠળ કરવામાં આવ્યો છે, જેમાં નિર્ધારિત મોસમી વિન્ડો દરમિયાન 25 ટકાનો ઘટાડો ડ્યુટી અને 1.25 ડૉલર પ્રતિ કિલોગ્રામની લઘુત્તમ આયાત કિંમતનો સમાવેશ થાય છે.
કિવી ફ્રૂટ પર હાલમાં 33 ટકાના દરે જકાત લાદવામાં આવે છે. ન્યૂઝીલૅન્ડથી આયાત 5,840 મેટ્રિક ટન (16.9 મિલિયન) છે. પ્રથમ વર્ષમાં ટીઆરક્યુ 6,250 મેટ્રિક ટનથી શરૂ થાય છે અને છઠ્ઠા વર્ષ સુધીમાં 15,000 મેટ્રિક ટન સુધી વિસ્તરે છે, જેમાં ક્વોટાની અંદર શૂન્ય ડ્યૂટી અને 1.80 ડૉલર પ્રતિ કિલોગ્રામની લઘુતમ આયાત કિંમતનો સમાવેશ થાય છે, જ્યારે ક્વોટાની બહારની આયાત ઉચ્ચ ડ્યૂટી અને કિંમત નિર્ધારણ સુરક્ષાને આધીન રહે છે.
સંક્ષિપ્તમાં, ભારતે તેના સૌથી સંવેદનશીલ ક્ષેત્રો આસપાસ મજબૂત રક્ષા કવચ રચ્યું છે. ડેરી, ખાદ્યતેલ, ખાંડ અને મુખ્ય કૃષિ ચીજવસ્તુઓને ટૅરિફ ક્ધસેશનમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, જે ખેડૂતો અને ગ્રામીણ આજીવિકા માટે રક્ષણ સુનિશ્ર્ચિત કરે છે. સરવાળે આપણે માટે આ કરાર લાભપ્રદ જણાય છે.