(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે પણ તૈયારીઓ આદરી દીધી છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાત વિધાનસભામાં "ગુજરાત રાજમાતા (ગૌમાતા દરજ્જો, રક્ષણ અને કલ્યાણ) વિધેયક, ૨૦૨૫" રજૂ કર્યું હતું, જે અંતર્ગત ગૌમાતાને પ્રતીકાત્મક રીતે 'રાજમાતા'નો આદરણીય દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે.
આ પ્રસ્તાવિત વિધેયકમાં ગૌવંશના કલ્યાણ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. બિલમાં દરેક જિલ્લામાં ખાસ અધિકારીઓની નિમણૂક કરવાની દરખાસ્ત છે, જેઓ ગૌમાતાના ખોરાક, રહેઠાણ અને આરોગ્ય સુવિધાઓનું કડક નિરીક્ષણ કરશે. આ ઉપરાંત, બીમાર કે અશક્ત ગૌમાતાને કતલખાને જતી અટકાવવા અને તેમના સંરક્ષણ માટે રાજ્યના બજેટમાંથી વાર્ષિક રૂ. ૧૦૦ કરોડની વિશેષ રકમ ફાળવવાની પણ માંગ કરી છે. અમિત ચાવડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગૌવંશની સુરક્ષા માટે માત્ર વાતો નહીં પરંતુ એક મજબૂત કાયદાકીય માળખું હોવું અનિવાર્ય છે.
બીજી તરફ, આ મુદ્દે અમિત ચાવડાએ સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે ગૌભક્તિ અને સનાતનના નામે મતો મેળવી સરકાર તો બનાવી, પરંતુ આજે ગૌમાતા રસ્તાઓ પર પ્લાસ્ટિક ખાવા મજબૂર છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં ગૌમાંસની નિકાસ અને કતલના કિસ્સાઓ ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે. હવે જ્યારે આ બિલ વિધાનસભામાં આવ્યું છે, ત્યારે સનાતનના નામે ચૂંટાયેલા ભાજપના પ્રતિનિધિઓએ પક્ષપાત છોડી આ બિલને સમર્થન આપવું જોઈએ અને ગૌમાતા પ્રત્યેની પોતાની નૈતિક પ્રતિબદ્ધતા સાબિત કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અમદાવાદમાં જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી અવિમુકેતેશ્વરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં અમિત ચાવડાએ 'ગૌમાતા રાષ્ટ્રમાતા' અભિયાનને સમર્થન આપીને વિધાનસભામાં અવાજ ઉઠાવવાનું વચન આપ્યું હતું.