Sun Jul 26 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ચીનની ઘૂસણખોરીના દાવા, કેન્દ્રે સાંસદોને મોકલીને શંકા દૂર કરી શકે

2026-07-02 10:17:00
Author: Bharat Bharadwaj
Article Image

 


ભરત ભારદ્વાજ

અરુણાચલ પ્રદેશ અત્યારે એક તરફ ભારે વરસાદના કારણે આવેલા પૂર સામે ઝઝૂમી રહ્યું છે અને ભારે તબાહીથી બેવડ વળી ગયું છે ત્યારે બીજી તરફ અરુણાચલ પ્રદેશની બીજી જમીન ચીને પડાવી લીધી હોવાના આક્ષેપ થયા છે. અરુણાચલ પ્રદેશના નાહ આદિવાસી સમુદાયે આક્ષેપ કર્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ છેલ્લાં છ વર્ષમાં અરુણાચલ પ્રદેશમાં મોટા પાયે ઘૂસણખારી કરીને  હજારો ચોરસ કિલોમીટર જમીન બથાવી પાડી છે. જૂન 2020માં આ ખીણમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા.

ચીને 1962ના યુદ્ધ વખતે અરુણાચલ પ્રદેશનો 84 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પડાવી પાડેલો એ સિવાયનો વધારાનો વિસ્તાર ચીને પડાવી લીધો હોવાનો દાવો કરીને  નાહ વેલ્ફેર સોસાયટી (એનડબ્લ્યુએસ)એ સુબાનસિરી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે. નાહ વેલ્ફેર સોસાયટીનો દાવો છે કે, ચીનના લશ્કરે તાક્સિંગ સેક્ટરમાં પાંચ પરંપરાગત નાહ પ્રદેશોમાં છાવણીઓ બનાવી છે અને રસ્તા તાણી બાંધ્યા છે. 

ઓયિંગ (આસાફિલા વિસ્તાર), પાનિયાર (ચુજરતા વિસ્તાર), માર્પન (મારનાફે), પોટ્રાંગ તળાવ અને ટિંડિંગટાંગ આ પાંચ વિસ્તારોમાં આદિવાસીઓનાં શિકારનાં મેદાન, ગૌચર એટલે કે પશુઓને ચરાવવાની જમીનો ઉપરાંત સાંસ્કૃતિક રીતે મહત્ત્વનાં સ્થળો પર પણ ચીનાઓએ કબજો કરી લીધો છે.

નાહ આદિવાસીઓને આ વિસ્તારોમાં જવા દેવાતા નથી ને કોઈ જવાની કોશિશ કરે તો ચીના ધોઈ નાંખે છે. નાહ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ કેરુ ચાડેરે મીડિયાને પણ કહ્યું કે, છેલ્લા છ વર્ષમાં ચીનનો કબજો થતાં ભારતીય નાગરિકો પહેલાં મુક્તપણે ફરતા હતા એવા વિસ્તારોમાં જઈ શકતા નથી. આ વિસ્તારોમાં બૌદ્ધ ધર્મનાં ઘણાં મહત્વનાં ધર્મસ્થાન આવેલાં છે પણ ચીના લોકોને ત્યાં ફરકવા પણ દેતા નથી તેથી ભારતીયોનાં મૂળભૂત અધિકારોના ધજાગરા ઉડી રહ્યા છે. 

ભારત સરકારે આ દાવાઓને ખોટા ગણાવ્યા છે અને અરુણાચલ પ્રદેશમાં ચીને કોઈ ઘૂસણખોરી નહીં કરી હોવાની જૂની રેકર્ડ પાછી વગાડી છે. કેન્દ્ર સરકાર વતી કિરેન રિરિજુએ આ વાતને સાવ ખોટી ગણાવીને કહ્યું છે કે, ભારત અને ચીન વચ્ચેની સરહદ નક્કી થયેલી નથી તેથી બંને દેશોના સૈનિકો એકબીજાના પ્રદેશમાં થોડાક ઘૂસી જાય એવું બને છે પણ ચીને ભારતનો પ્રદેશ પચાવી પાડ્યો હોવાની વાત સાવ ખોટી છે. ભારતીય લશ્કરે પણ આ અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે ને કહ્યું છે કે, તાક્સિંગ કે બીજા કોઈ વિસ્તારમાં ચીને ઘૂસણખોરી કરી હોવાની વાતમાં દમ નથી. 

ભાજપ સરકાર આ વાતોને ખોટી ગણાવી રહી છે ત્યારે ભાજપના જ નાકપ નાલો સહિતના કેટલાક ધારાસભ્યોએ નાહ આદિવાસીઓની વાતમાં સૂર પુરાવ્યો છે. તાક્સિંગ સરહદ નજીકના બીજા સમુદાયોએ પણ નાહ આદિવાસીઓની વાતને સાચી ગણાવતાં અરુણાચલ પ્રદેશની સરકારે આ દાવાઓની સત્યતા ચકાસવા માટે તપાસ સમિતિ રચવાની જાહેરાત કરવી પડી છે. 

અરુણાચલ પ્રદેશમાં અત્યારે ભાજપના પેમા ખાંડુની સરકાર છે. ખાંડુ સરકારે રચેલી સમિતિ ક્યાં સુધીમાં રિપોર્ટ આપશે એ સ્પષ્ટ નથી પણ સમિતિ રચવી પડી તેના કારણે સરકાર ભીંસમાં છે એ સ્પષ્ટ છે. સ્થાનિક સ્તરે ઊહાપોહ થયો હોય તો જ સરકારે સમિતિ રચવી પડે, બાકી સરકાર આખી વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે.  

સમિતિના રિપોર્ટમાં શું આવશે એ ખબર નથી પણ આ દાવા-પ્રતિદાવાના કારણે ચીનની ભારતના પ્રદેશોમાં ઘૂસણખોરીનો મુદ્દો ફરી રાષ્ટ્રીય સ્તરે ચમકી ગયો છે. આ મુદ્દો એટલા માટે ગંભીર છે કે અત્યાર લગી ચીને લડાખ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હોવાના આક્ષેપો થતા હતા. હવે ચીન અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરી રહ્યું હોવાના આક્ષેપો થયા છે. તેનો અર્થ એ થયો કે, ચીની નાપાક હરકતો માત્ર એક વિસ્તાર પૂરતી મર્યાદિત નથી પણ આખી ભારત સરહદે ચીન ગોરખધંધા કરી રહ્યુ છે. 

જૂન 2020માં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ ત્યારથી ચીન ભારતના પ્રદેશોમાં બાંધકામ કરી રહ્યું છે અને ભારતના વિસ્તારો કબજે કરી રહ્યું છે એવા આક્ષેપો સતત થયા કરે છે. ગલવાન ખીણની અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા ને ભારતની આબરૂનો ધજાગરો થઈ ગયો હતો. 

એ પછી ભારતે વળતો જવાબ આપીને ચીનના સૈનિકોને માર્યા હોવાના દાવા પણ થયા. ગલવાન ખીણની ભારત ચીનને જડબાતોડ  જવાબ આપી રહ્યો હોવાનો પ્રચાર પણ સોશ્યલ મીડિયા પર જોરશોરથી કરાય છે. આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ આપણને ખબર નથી પણ ચીને ભારતના પ્રદેશો પચાવી પાડ્યા હોવાના દાવા એક કરતાં વધારે સ્રોત દ્વારા કરાયા છે એ હકીકત છે. 

રાહુલ ગાંધી તો સતત આ આક્ષેપો કર્યા જ કરે છે કે ચીને ભારતનો બહુ મોટો પ્રદેશ પચાવી પાડ્યો છે. રાહુલ ગાંધી વિપક્ષમાં છે તેથી કેન્દ્ર સરકારને ભીંસમાં લેવા માટે આવા આક્ષેપો કરતા હોય એ શક્ય છે. રાજકારણીઓને ખોટું બોલવામાં જરાય સંકોચ નથી નડતો ને રાહુલ પણ અંતે તો રાજકારણી છે તેથી એ ખોટું બોલતા હોય એ શક્ય છે પણ બીજા સ્વતંત્ર કહી શકાય એવા સ્રોત દ્વારા પણ આ દાવા કરાયા છે. અમેરિકાની કેટલીક થિન્ક ટેન્ક દ્વારા તો પુરાવા તરીકે સેટેલાઈટ તસવીરો પણ બહાર પડાઈ છે તેના કારણે ચીનની હરકતો શંકાસ્પદ છે ને ભારત સરકારના દાવાની સચ્ચાઈ પણ શંકાસ્પદ છે. 

ભારત સરકારે આ શંકા દૂર કરવી જોઈએ કેમ કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાને લગતો છે. આ શંકા દૂર કરવા માટે સાંસદોનું બનેલું એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ચીન સાથેની સરહદના વિસ્તારોમાં મોકલી શકાય. આ પ્રતિનિધિમંડળ ચીનની સરહદ અડકે છે એ બધા વિસ્તારોમાં જાય, લોકોને મળે ને ગ્રાઉન્ડ રિયાલિટી એટલે કે જમીની હકીકત તપાસીને પછી સર્વાનુમતે રીપોર્ટ આપે કે, ચીને 1962ના યુદ્ધમાં પચાવી પાડેલી તેના સિવાય વધારાની એક ઈંચ જમીન પણ પચાવી પાડી નથી તો આ શંકા નિર્મૂળ થાય. 

આપણે ત્યાં સરકારી તપાસ રીપોર્ટને એડિટ કરી દેવાય છે ને કાપકૂપ કરીને મૂકી દેવાય છે. સરકારના વલણને અનુરૂપ ના હોય એવું બધું કાઢી નંખાતું હોય છે. 

આ રિપોર્ટમાં ભારતના વિસ્તારોમાં રહેતા લોકોની રજૂઆતો કોઈ પણ પ્રકારની કાપકૂપ વિના મુકાવી જોઈએ કે જેથી સ્થાનિક લોકો શું માને છે તેની પણ દેશને ખબર પડે. બાકી, સરકાર ઈનકાર કરે તેના પર કોઈને ભરોસો નહીં બેસે. એક સમયે ભારતીય લશ્કરની વાત પર લોકો આંધળો વિશ્વાસ કરતાં પણ હવે એ માહોલ નથી કેમ કે ભારતીય લશ્કર પણ વિરોધાભાસી વાતો કરે છે. આ સંજોગોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ જ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી શકે.