Sat Sep 05 2026

Logo

છત્તીસગઢમાં મોટી હોનારતઃ ખલ્લારી મંદિરની રોપ-વે તૂટતા મહિલાનું મોત, 7 ઘાયલ

2026-03-22 14:57:00
Author: Tejas Rajpara
છત્તીસગઢમાં મોટી હોનારતઃ ખલ્લારી મંદિરની રોપ-વે તૂટતા મહિલાનું મોત, 7 ઘાયલ

મહાસમુંદ: છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન ખલ્લારી માતાના મંદિરે રવિવારે સવારે એક કાળજું કંપાવનારી ઘટના બની હતી. નવરાત્રીના પવિત્ર દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને પહોંચ્યા હતા, પરંતુ આ આનંદ અને ભક્તિનો માહોલ અચાનક ચીસાચીસમાં ફેરવાઈ ગયો હતો. પહાડી પર સ્થિત મંદિરથી નીચે ઉતરી રહેલો રોપવે અચાનક તૂટી પડતા શ્રદ્ધાળુઓમાં દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માતે ફરી એકવાર ધાર્મિક સ્થળો પર રોપવેની સુરક્ષા અને જાળવણી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના રવિવારે સવારે આશરે 10 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે શ્રદ્ધાળુઓથી ભરેલી રોપવેની ટ્રોલી પહાડ પરથી નીચે ઉતરી રહી હતી, ત્યારે અચાનક તેનો મુખ્ય તાર તૂટી ગયો હતો. આ ટ્રોલીમાં કુલ 8 લોકો સવાર હતા. આ ગમખ્વાર અકસ્માતમાં રાયપુરની રહેવાસી 28 વર્ષીય આયુષી સાતકાર નામની યુવતીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય સાત શ્રદ્ધાળુઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

રેસ્ક્યૂ બાદ તપાસ હાથ ધરાઈ
આ હૃદયદ્રાવક અકસ્માતની જાણ થતા જ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતક શ્રદ્ધાળુના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા અધિકારીઓને સૂચના આપી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ મામલે ઉચ્ચ અધિકારીની આગેવાનીમાં તપાસ કરવામાં આવશે અને જાળવણીમાં બેદરકારી દાખવનાર કોઈ પણ દોષિતને છોડવામાં આવશે નહીં. તંત્ર દ્વારા ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

કઈ રીતે સર્જાયો અકસ્માત?
ખલ્લારી ગામમાં સ્થિત આ મંદિર પહાડી પર હોવાથી શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપવે બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને નવરાત્રી જેવા તહેવારોમાં જ્યારે ભીડ વધુ હોય છે, ત્યારે યાંત્રિક ખામી સર્જાવવી તે ગંભીર બાબત છે. પ્રાથમિક દૃષ્ટિએ તારમાં ઘસારો અથવા લોડ મેનેજમેન્ટની ખામી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 
વહીવટી અધિકારીઓ અત્યારે રોપવેના સંચાલકોના રેકોર્ડ્સ અને મેઇન્ટેનન્સ હિસ્ટ્રીની તપાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા રોપ-વે સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.