ભુજઃ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વિતેલા બે દાયકામાં ખેતી પદ્ધતિમાં આવેલા મોટા બદલાવના કારણે પર્યાવરણ અને જૈવિક સૃષ્ટિ પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. એક જમાનામાં ખેતરો, વાડીના શેઢા-પાળે અને પૂળા નીચે સામાન્ય ગણાતો 'વીંછી' નામનો જીવ હવે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના બેફામ વપરાશને કારણે ખેતરોમાંથી સાવ નામશેષ થવાના આરે પહોંચી ગયો છે. ખેડૂતો અને જીવવિજ્ઞાનીઓના મતે, આ ફેરફારથી ભલે ખેડૂતોને વીંછીના ડંખમાંથી રાહત મળી હોય, પરંતુ કુદરતી આહાર શૃંખલા તૂટતાં ખેતીનો ખર્ચ આંશિક રીતે વધી ગયો છે.
ખેડૂતોએ શેર કર્યા અનુભવ
ખેડૂતોએ પોતાના બે દાયકા જૂના અનુભવો વહેંચતા જણાવ્યું કે, પહેલાં વાડીમાં પથ્થરો ઉથલાવતાં કે જુવાર-બાજરીના દસ પૂળા ફેરવતાં જ બે-ત્રણ વીંછી દેખાઈ જવા સાવ સામાન્ય બાબત હતી. પહેલાં ખેતરોમાં નાની કાળના, પીળા, કાળા, સફેદ અને મોટા ચીપિયાવાળા એમ દસેક પ્રકારના વીંછી જોવા મળતા હતા. વીંછીના ઉપદ્રવના કારણે મજૂરો પણ ખેતરમાં કામ કરતાં ડરતા હતા, પરંતુ છેલ્લા ૧૫-૨૦ વર્ષમાં રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડના કારણે ખેતરોમાંથી વીંછી ગાયબ થઈ ગયા છે.
વીંછીની સંખ્યા કેમ ઘટી ગઈ
સૂત્રોના જણાવ્યા અનુસાર, વીંછી મુખ્યત્વે કીટકભક્ષી જીવ છે. ખેતીમાં ઈયળો અને કીટકોનો નાશ કરવા માટે ખેડૂતો દ્વારા ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડનો બેફામ છંટકાવ કરવામાં આવતા કીટકો નાશ પામ્યા છે. પરિણામે, વીંછીને મળતો કુદરતી ખોરાક ઘટી ગયો છે અને તેમનું પ્રજનન તેમજ જીવનચક્ર સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
આ ઉપરાંત, પહેલાં ખેતી માત્ર વરસાદ આધારિત હતી, જ્યારે હવે પિયતની સુવિધાઓ વધતાં વર્ષમાં ત્રણેય સીઝન પાક લેવાય છે. જમીનમાં સતત રહેતી ભીંજ અને સિંચાઈનું પાણી દરમાં રહેતા વીંછીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે. સાથે જ ખેડૂતોએ શેઢા પરથી થોરની પરંપરાગત વાડો કાઢીને લોખંડની તાર-ફેન્સિંગ કરી નાખતાં આ જીવોના આશ્રયસ્થાનો પણ છીનવાઈ ગયા છે. વીંછી અર્ધશુષ્ક અને રેતાળ માટીવાળા વિસ્તારોમાં જમીનની નીચે કે પથ્થરો વચ્ચે દર કરીને રહેવાનું વધુ પસંદ કરે છે, જ્યાં રાસાયણિક ખેતીની સૌથી વધુ સીધી અસર પડી છે.
કેટલાક અહેવાલો અનુસાર, વીંછી ડાયનાસોરના યુગ પહેલાંથી એટલે કે સેંકડો કરોડ વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. દુનિયાભરમાં તેની ૨૪૦૦ જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી માત્ર ૩૦ કે ૪૦ પ્રજાતિઓ જ માણસ માટે જીવલેણ હોય છે. ખેતીના સંદર્ભમાં વીંછી એક ઉત્તમ 'બાયોકંટ્રોલ એજન્ટ' એટલે કે, જૈવિક નિયંત્રક તરીકેની ભૂમિકા ભજવતા હતા. તેઓ પાકને નુકસાન કરતી ઉધઈ અને અન્ય હાનિકારક કીટકોને ખાઈને તેમની વસ્તી કુદરતી રીતે નિયંત્રણમાં રાખતા હતા.
હવે ખેતરોમાંથી વીંછીઓ ગાયબ થઈ જતાં પાકને નુકસાન કરતા કીટકોની સંખ્યા વધી રહી છે. આ કીટકોને મારવા માટે ખેડૂતોએ બજારમાંથી મોંઘી કીટનાશક દવાઓ લાવીને વધુ છાંટવી પડે છે, જેના કારણે ખેતીનો આર્થિક ખર્ચ વધી ગયો છે.
(ઉત્સવ વૈદ્ય)