Mon Oct 05 2026

Logo

ગરબા સ્થળે પ્રવેશ પહેલાં તપાસો ઓળખપત્ર, નવરાત્રીને લઈ હિન્દુ સ્વરાજ સેના મેદાનમાં

2026-09-12 12:37:00
Author: Mayur Patel
ગરબા સ્થળે પ્રવેશ પહેલાં તપાસો ઓળખપત્ર, નવરાત્રીને લઈ હિન્દુ સ્વરાજ સેના મેદાનમાં

રાજકોટઃ નવરાત્રી પૂર્વે રાજકોટમાં સુરક્ષાનો મુદ્દો ગરમાયો છે. ગરબા સ્થળોએ ID વેરિફિકેશન ફરજિયાત કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, રાજકોટમાં ગરબા આયોજનો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને હિન્દુ સ્વરાજ સેના દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી  હતી. સંગઠન દ્વારા બહેનો અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ લવ જેહાદ સહિતની પ્રવૃત્તિઓ અટકાવવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.

રજૂઆતમાં ગરબા સ્થળે પ્રવેશ પહેલાં ઓળખપત્રની ચકાસણી કરવાની સાથે આયોજકો દ્વારા ID વેરિફિકેશનની વ્યવસ્થા રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ ગરબા આયોજનોના પ્રવેશદ્વાર પર તિલકની વ્યવસ્થા રાખવામાં આવે અને ગરબા સ્થળે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.

નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરબા આયોજનોમાં ઉમટતા હોય છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ અને આયોજકો દ્વારા તકેદારી રાખવામાં આવે તેવી માંગ હિન્દુ સ્વરાજ સેના દ્વારા કરવામાં આવી હતી.

હિન્દુ સ્વરાજ સેનાના કાર્યકરો દ્વારા હાથમાં STOP ધર્માંતરણ, LOVE JIHAD લખેલા પોસ્ટર સાથે પહોંચીને આવેદન પત્ર આપ્યું હતું. હિન્દુ સ્વરાજ સેનાના અભિષેક આશારાના કહેવા પ્રમાણે, નવરાત્રી સનાતન ધર્મનો સૌથી પવિત્ર તહેવાર છે, માતાજીની ભક્તિ માટે છે. નારી શક્તિને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રીમાં વિધર્મીઓ પહોંચી જાય છે અને સનાતની બહેન-દીકરીઓને લવ જિહાદમાં ફસાવે છે પછી ધર્માંતરણ થાય છે. અમારી માંગણી છે કે ગરબા સ્થળે પ્રવેશ વખતે આધાર કાર્ડનું ચેકિંગ કરવામાં આવે અને તિલકની પણ વ્યવસ્થા કરવામાં આવે. ગરબે રમતી બહેન-દીકરીઓને કોઈ હેરાનગતિ ન થાય તે માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ.