Fri Sep 04 2026

Logo

ચાંદખેડામાં 'રસ્તો રોકો' આંદોલન ભારે પડ્યું: વોટ્સએપ ગ્રુપ બનાવી રોડ બ્લોક કરનાર 150ના ટોળા સામે ગુનો દાખલ

2026-02-24 10:25:22
Author: Devayat Khatana
ચાંદખેડામાં 'રસ્તો રોકો' આંદોલન ભારે પડ્યું: વોટ્સએપ ગ્રુપ બનાવી રોડ બ્લોક કરનાર 150ના ટોળા સામે ગુનો દાખલ

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં એસ.પી. રિંગ રોડ પર આવેલ 'હોટલ હિલ્લોક' પાસેનો કટ (વળાંક) બંધ કરી દેવાતા આસપાસની સોસાયટીના રહીશોએ હંગામો મચાવ્યો હતો. ગત ૨૧ ફેબ્રુઆરીની રાત્રે આશરે ૧૦૦ થી ૧૫૦ લોકોના ટોળાએ બેનરો સાથે મુખ્ય રિંગ રોડ બ્લોક કરી દીધો હતો, જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઈએ ગેરકાયદે મંડળી રચી જાહેર માર્ગ અવરોધવા બદલ ગુનો દાખલ કર્યો છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આખું આંદોલન 'Neighbours New Tragad' નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. ગ્રુપમાં ૨૬ જેટલી સોસાયટીઓના સભ્યો જોડાયેલા હતા. પોલીસને મળેલા પુરાવા મુજબ, ગ્રુપ એડમિન જીગર ગજ્જર અને અન્ય સભ્યોએ મેસેજ દ્વારા લોકોને ભડકાવ્યા હતા. જેમાં "જ્યાં સુધી કટ ન ખુલે ત્યાં સુધી રોડ બ્લોક રાખવો", "પોલીસની સામે પડી જવું" અને "રસ્તો તોડી નાખવો" જેવી ઉશ્કેરણીજનક વાતો કરવામાં આવી હતી. આ અગાઉ ૭ ફેબ્રુઆરીએ પણ આ ટોળાએ સરકારી બેરીકેડ તોડીને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.

ચાંદખેડા પોલીસે આ મામલે જીગર ગજ્જર, વિરાજ મેવાડા, ગુંજનભાઈ, કિશન કંસાગરા, ચિંતન જોષી, રાહુલ પટેલ અને મોહબત ગઢવી સહિત ૧૦૦ થી ૧૫૦ લોકોના ટોળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૮૫, ૧૨૬(૨), ૧૮૯(૨)(૩), ૧૯૦ તથા જાહેર મિલકતને નુકસાન અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સોશિયલ મીડિયાના વીડિયો અને વોટ્સએપ ચેટના આધારે અન્ય આરોપીઓની ઓળખ કરી રહી છે.