Wed Sep 09 2026

Logo

જામનગરના ધ્રોલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસમાં બાળકનું સારવાર દરમિયાન મોત

2026-08-07 22:08:38
Author: Vimal Prajapati
જામનગરના ધ્રોલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસમાં બાળકનું સારવાર દરમિયાન મોત

જામનગર/ધ્રોલ:  ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો હોય તેવું લાગી રહ્યું છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. ધ્રોલ પંથકના એક બાળકને ચાંદીપુરા જેવા શંકાસ્પદ લક્ષણો જણાતા વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે.

બાળકના સેમ્પલ ચાંદીપુરા વાયરસની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જોકે, બાળકનો ચાંદીપુરા અંગેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી હોવાથી મોતનું કારણ ચાંદીપુરા વાયરસ જ હોવાનું હાલ સત્તાવાર રીતે કહી શકાય તેમ નથી. આ બનાવને પગલે આરોગ્ય તંત્ર દ્વારા ધ્રોલ સહિતના સંબંધિત વિસ્તારોમાં તકેદારીના પગલાં વધારવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સ, ડોર-ટુ-ડોર તપાસ તથા જરૂરી સાવચેતીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ચાંદીપુરાના શંકાસ્પદ કેસોને ધ્યાનમાં રાખીને બાળકોમાં અચાનક તાવ, સતત ઉલ્ટી, ખેંચ આવવી, બેભાન થવું કે અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો માતા-પિતાએ સમય ગુમાવ્યા વિના તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં સતત વધી રહેલા ચાંદીપુરા વાયરસના કારણે આરોગ્ય વિભાગ અત્યારે દોડતું થઈ ગયું છે. એટલું પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા અનેક જગ્યાએ સઘન તપાસ અને કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.