હેમુ ભીખુ
‘અદ્રવ્યપ્રયત્નો બાલુકાકવકથનાદનન્ય:’ એ ચાણક્ય નીતિનું સૂત્ર છે જેમાં સાધનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જો સાધન યોગ્ય ન હોય અથવા સાધનનો અભાવ હોય તો પ્રયત્ન નિષ્ફળ જાય. અદ્રવ્ય: એટલે દ્રવ્ય વગર અર્થાત સાધન વગર, પ્રયત્ન: એટલે પ્રયત્ન અર્થાત મહેનત અર્થાત પુરુષાર્થ, વાલુકા અર્થાત રેતી, ક્કથનાત્ અર્થાત ઉકાળવાથી અને અનન્ય: અર્થાત અલગ નથી અર્થાત સમાન છે. અહીં એમ કહેવામાં આવે છે કે સાધન વગર કરાયેલ પ્રયત્ન રેતીને ઉકાળવા જેવો હોય છે. જેમ રેતી ઉકાળવાથી તેમાંથી કંઈ મળતું નથી તેમ યોગ્ય સાધન વગર કરેલો પ્રયત્ન સફળ થતો નથી.
કોઈપણ કાર્ય માટે સત્ય આધારિત જાણકારી અને જ્ઞાન, યોગ્ય કૌશલ્ય, નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન અને જરૂરી સાધન-સંસાધનોની પૂર્તિ આવશ્યક છે. માત્ર જાણકારી કે જ્ઞાન પરિણામ ન આપે, સાધન અને સામગ્રી વગરની કુશળતા વ્યર્થ બની રહે, સાધન, જ્ઞાન અને કૌશલ્ય વિના પ્રયત્ન પણ શક્ય નથી, જ્યારે સંસાધનો તો પરિણામ સ્થાપિત કરવા માટેની અગત્યની સામગ્રી છે.
ચાણક્ય કહે છે કે રેતી ઉકાળવાથી તેમાંથી તેલ કે રસ પ્રાપ્ત ન થઈ શકે. રેતી ઉકાળવાથી તેલ કે રસ પ્રાપ્ત ન થાય તેની જાણકારી હોવી જોઈએ, જેમાંથી તેલ પ્રાપ્ત થઈ શકે તેમાંથી તેલ નીકળવાની કુશળતા હોવી જોઈએ, તે પદાર્થમાંથી તેલ કાઢવાના પ્રયત્નોમાં નિષ્ઠા હોવી જોઈએ અને તે પ્રયત્ન માટે જરૂરી સાધન સામગ્રી પણ હાજર હોવી જોઈએ. આ બધું જ યથાયોગ્ય સ્વરૂપે એકત્રિત થાય ત્યારે પ્રયત્ન પરિણામ આપે, તેલ પ્રાપ્ત થઈ શકે.
ગીતા મુજબ કાર્યની સફળતા- કે નિષ્ફળતા- માટે પાંચ કારણો છે. આ વાત ગીતાના અઢારમા અધ્યાય મોક્ષસંન્યાસયોગના ચૌદમા શ્ર્લોકમાં આવે છે. જો કે શ્રીકૃષ્ણ એમ બતાવે છે કે આ વાત કપિલ મુનિએ સાંખ્ય દર્શનમાં જણાવી છે. આ પાંચ કારણો છે અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા અને દૈવ.
અધિષ્ઠાન એટલે જે સ્થાને, જે સમયે કાર્ય ઘટિત થઈ રહ્યું છે તે બાબત. તેને ક્ષેત્ર, પરિસ્થિતિ કે આધાર પણ કહી શકાય. કર્તા એટલે કાર્ય કરનાર વ્યક્તિ કે વ્યક્તિ-સમૂહ. કરણ એટલે સાધન, સામગ્રી, પદાર્થ, યાંત્રિક ઉપકરણો; જેની હાજરી થકી જ તે કાર્ય શક્ય બને. અમુક સંજોગોમાં જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને મન જેવી બાબતનો પણ અહીં સમાવેશ થતો હોય છે. ચેષ્ટા એટલે વિવિધ પ્રકારનાં પ્રયત્નો, પ્રવૃત્તિ, કાર્ય-શૃંખલા, પ્રયાસ અને મહેનત જેનાં થકી કાર્ય સંપન્ન થઈ શકે. અહીં જરૂરી સાતત્યતા તથા અંતરાલની આવશ્યકતા રહે.
એમ કહી શકાય કે દૈવ એટલે નસીબ, ઈશ્વરીય તત્વ, ભાગ્ય, પ્રારબ્ધ જે માનવીના નિયંત્રણમાં નથી હોતાં. કુરુક્ષેત્ર હોય, અર્જુન હોય, હાથમાં ગાંડીવ હોય, શાસ્ત્રીય પદ્ધતિથી તીર છોડાતાં હોય અને સાથે શ્રીકૃષ્ણ હોય તો એક પરિણામ આવે. આમાંનું એક પણ પરિબળ જો નબળું હોય તો પરિણામ ભિન્ન રહે. માનવીનો પ્રયત્ન, સાધનો, પરિસ્થિતિ, પ્રક્રિયા અને દૈવી કૃપા; બધાં જ મળીને પરિણામ સ્થાપિત કરે છે.
અહીં એ સમજવું જરૂરી છે કે ભાગ્ય પણ અંતિમ પરિણામના નિર્ધારણમાં ભાગ ભજવે છે. એમ નથી કે ગીતામાં જણાવેલાં દરેક પરિબળનો ફાળો એક સમાન એટલે કે પાંચમા ભાગનો હોય છે; આ બધાં જ પરિબળોની અસર પરિસ્થિતિ પ્રમાણે બદલાતી રહે. ચાણક્ય નીતિમાં અહીં એક પરિબળ સાધનની વાતને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, જે સાંદર્ભિક રીતે યોગ્ય પણ છે.
ગુજરાતીમાં કહેવત છે કે ‘સાધન વગર કામ નહિ’, ‘હાથમાં સાધન અને પરિણામે કામ’, ‘બીજ વાવ્યા વગર પાક ન મળે’ કે ‘જ્યાં સાધન ત્યાં સિદ્ધિ’. આ બધી વાતો પણ સાધનનું મહત્ત્વ સમજાવે છે. સાથે સાથે એ પણ કહેવત છે કે ‘જે હાથમાં હોય તે હથિયાર’. હથિયાર એટલે કે સાધન પ્રાપ્ત થવાની સંભાવના હોવી જોઈએ. બની શકે કે સાધન પ્રાપ્ય ન હોય, તો તે મેળવવા પડે. જરૂરી નથી કે દર વખતે શાસ્ત્રીય કક્ષાનું સાધન મળી રહે.
ખાડો ખોદવો હોય તો જેસીબી પણ ચાલે, કોદાળી પણ ચાલે, ત્રિકમ પણ ચાલે અને નાની ચમચી પણ કામ આવે. પ્રશ્ન માત્રાનો અને સમયનો છે. જેસીબી જે માપનો ખાડો જેટલાં સમયમાં ખોદી શકે તે માપનો ખાડો ચમચીથી ખોદવામાં યુગો જતાં રહે-તે રીતે ખોદી શકાય પણ ઇચ્છનીય નથી કારણ કે ખાડો ખોદવાનો હેતુ જ તેમાં પૂર્ણ ન થવાની સંભાવના રહે. અમુક મર્યાદા સુધી ઓછી ક્ષમતા વાળું સાધન ઉપયોગમાં આવી શકે પરંતુ તેનું પરિણામ ઇચ્છિત ન પણ હોય. સાધન હોવું જોઈએ અને તે યોગ્ય હોવું જોઈએ. આ યોગ્યતા ઉપયોગકર્તાની ક્ષમતાને આધારે પણ નિર્ધારિત થાય.
રસોઈ બનાવવાનું સચોટ ઉદાહરણની વાત અહીં થઈ શકે. રસોઈમાં પારંગત એવી વ્યક્તિ હોવી જોઈએ, ખોરાકની યોગ્ય અને ગુણવત્તાવાળી સામગ્રી ઉપરાંત બળતણ અને પાત્ર પણ હોવાં જોઈએ, સમગ્ર રસોઈ એક ક્રમમાં તૈયાર થવી જોઈએ, આજુબાજુની પરિસ્થિતિ પણ સકારાત્મક હોય તે જરૂરી છે - જેમકે ચાલુ વરસાદે ખુલ્લામાં રસોઈ તૈયાર ન થઈ શકે, અને તે બધાં સાથે નસીબનો સાથ જોઈએ. આમાનું કશું પણ જો તેનાં ‘સ્થાને’, જરૂરિયાત પ્રમાણેનું ન હોય તો ઇચ્છિત પરિણામ પ્રાપ્ત ન થાય. આ વાત દરેક પરિસ્થિતિમાં લાગુ પડે છે. ચાણક્ય નીતિમાં સાધનને વધુ મહત્ત્વ કદાચ એટલા માટે અપાયું હશે કે તેમણે એમ માની લીધું હશે કે બીજી બધી બાબતો યોગ્ય જ હશે.