Wed Jun 17 2026

Logo

ડિજિટલ એરેસ્ટ કેસમાં સીબીઆઈની મોટી કાર્યવાહી, 6 રાજ્યમાં દરોડા, ત્રણ લોકોની ધરપકડ...

2026-02-25 21:49:52
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કેન્દ્ર સરકાર ડિજિટલ એરેસ્ટના કેસમાં સક્રિય થઈ  છે. આ અંગે સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ  રૂપિયા 1.86 કરોડના ડિજિટલ એરેસ્ટ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. સીબીઆઈને 6 રાજ્યના દરોડા પાડીને  આ કેસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શનનો પણ પર્દાફાશ કર્યો છે. 

સીબીઆઈએ છ રાજ્યમાં દરોડા પાડ્યા 

આ કેસ કેરળના કોટ્ટાયમ જિલ્લાના એક વરિષ્ઠ નાગરિકના ડિજીટલ એરેસ્ટનો છે.  આ કેસમાં  ડિજિટલ ફોરેન્સિક્સ અને નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ તપાસમાં અનેક રાજ્યોમાં ફેલાયેલું એક વિશાળ નેટવર્ક બહાર આવ્યું છે.  કેસની પ્રારંભિક તપાસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શનનો પણ પર્દાફાશ થયો છે. સીબીઆઈએ આ કેસમાં  ગોવા, બેંગલુરુ (કર્ણાટક), પલક્કડ (કેરળ), નાગપુર (મહારાષ્ટ્ર), હૈદરાબાદ (તેલંગાણા) અને દિલ્હીમાં એક સાથે દરોડા પાડ્યા હતા. જેમાં ડિજિટલ ડિવાઈસ , ડેબિટ કાર્ડ, બેંક ખાતાના દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા. આ  તપાસ હજુ પણ ચાલી રહી છે. 

આ આખું નેટવર્ક બે મુખ્ય રીતે કાર્યરત હતું

આ તપાસમાં જાણવા મળ્યું કે આ આખું નેટવર્ક બે મુખ્ય રીતે કાર્યરત હતું. જેમાં એક મ્યુલ  બેંક એકાઉન્ટ નેટવર્ક  જ્યાં નકલી અથવા ભાડે આપેલા બેંક એકાઉન્ટ્સ દ્વારા છેતરપિંડીથી ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવતું હતું. તેમજ  લોકોને 5G સિમ અપગ્રેડનું વચન આપીને અને તેમના KYC દસ્તાવેજો મેળવીને છેતરપિંડીથી સિમ કાર્ડ મેળવવામાં આવતા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને સિમ કાર્ડ સક્રિય કરવામાં આવતા હતા અને છેતરપિંડી માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

સીબીઆઈએ ત્રણ આરોપીની ધરપકડ કરી

સીબીઆઈએ ત્રણ આરોપીની  ધરપકડ કરી છે. જેમાં બ્લેસિન જેકબ અબ્રાહમની ગોવાથી ધરપકડ કરી છે. જે  કથિત રીતે મ્યુલ એકાઉન્ટ ઓપરેટર હતો અને ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. જયારે અન્ય આરોપી મોહમ્મદ મુશ્તાકની  નાગપુરથી ધરપકડ કરી છે. તેણે શેલ કંપની દ્વારા મ્યુલ  એકાઉન્ટ ચલાવતો  અને કથિત રીતે ગુનાની રકમ તેની કંપનીના ખાતામાં મેળવતો હતો. જયારે ત્રીજો આરોપી મોહમ્મદ જુનૈદની  બેંગલુરુથી ધરપકડ કરી છે.  તે નકલી સિમ કાર્ડ ખરીદીમાં મદદ કરતો હતો. તેની પર  આરોપ છે કે 5G અપગ્રેડના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

સંગઠિત સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ

સીબીઆઈએ જણાવ્યું કે તપાસ ચાલુ છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓ, સ્થાનિક અને વિદેશમાં, ઓળખવામાં આવી રહી છે. એજન્સીનો દાવો છે કે આ ઓપરેશન ડિજિટલ એરેસ્ટ દ્વારા સાયબર છેતરપિંડી કરતી ગેંગની કમર તોડવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. સીબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે ડિજિટલ સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે સંગઠિત સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.