Wed Aug 19 2026

Logo

અમરેલી સહિત રાજ્યમાં 6 નવા સ્થળોએ કાર્ગો પોર્ટ વિકસાવાશે, જાણો વિગત

2026-08-07 11:36:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ રાજ્યમાં અમરેલી સહિત 6 નવા સ્થળોએ કાર્ગો પોર્ટ વિકસાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 28 વર્ષ બાદ ગ્રીનફીલ્ડ પોર્ટ્સ માટે નવી પહેલ કરવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે,   ગુજરાત મેરિટાઇમ બોર્ડેએ બિલ્ડ-ઓન-ઓપરેટ-ટ્રાન્સફર મૉડેલ હેઠળ આ પ્રસ્તાવિત બંદરોનો વિકાસ, સંચાલન અને નિભાવ કરવા માટે ખાનગી ડેવલપર્સ પાસેથી વૈશ્વિક એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવ્યા છે.
 
કચ્છના માંડવી તાલુકાનું નાના લાયજા ગામ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ, ગીર સોમનાથના ઉના તાલુકાના વડોદરા ઝાલા ગામ, અમરેલીના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ, ભાવનગરના ઘોઘા નજીક આવેલું લખાણકા ગામ તથા સુરતના ચોર્યાસી તાલુકાનું દામકા ગામ ખાતે કાર્ગો પોર્ટ વિકસાવવામાં આવશે.

કેટલા કરોડનું રોકાણ

IIT ખડગપુર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ અનુસાર, આ પ્રસ્તાવિત બંદરોમાં અંદાજે રૂ. 12,320 કરોડનું રોકાણ આવવાની અને કુલ 124 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઊભી થવાની ધારણા છે.

એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ  દસ્તાવેજ અનુસાર, સપ્ટેમ્બરના અંત સુધીમાં બિડ મળ્યા બાદ રાજ્ય સરકાર ખાનગી ડેવલપર્સને શોર્ટલિસ્ટ કરવાનું આયોજન કરી રહી છે. પસંદગી પામેલા ડેવલપર્સ બિલ્ડ-ઓન-ઓપરેટ-ટ્રાન્સફર મૉડેલ હેઠળ બંદરોના વિકાસ, સંચાલન અને જાળવણી માટે જવાબદાર રહેશે.

આ માટે લાયક ઠરવા ઈચ્છુક કંપનીઓની ન્યૂનતમ નેટવર્થ રૂ. 500 કરોડ અને વિતેલા ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન સરેરાશ વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછું રૂ. 1000 કરોડ હોવું જરૂરી છે. સફળ બિક્રેતાઓને ગુજરાત સરકાર તરફથી વિવિધ પ્રોત્સાહનો મળશે, જેમાં કન્સેસન પીરિયડ 30 થી 50 વર્ષ સુધીનો રહેશે.

નવા કાર્ગો બંદરો વિકસાવવાના અગાઉના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા બાદ આ પહેલ ગુજરાતના દરિયાઈ માળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરવાના નવા પ્રયાસ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા, સરકારે નારગોલ સહિત વિવિધ સ્થળોએ ગ્રીનફીલ્ડ બંદરોનો પ્રસ્તાવ મૂક્યો હતો અને વર્ક ઓર્ડર પણ આપ્યા હતા. જોકે, કેટલાક LNG ટર્મિનલ પ્રોજેક્ટ્સને બાદ કરતાં, મોટાભાગની બંદર વિકાસ યોજનાઓ શરૂ થઈ શકી નહોતી.