Sun Sep 06 2026

Logo

જામનગરમાં સીએની વિદ્યાર્થિનીએ નવમા માળેથી કૂદીને ભર્યું અંતિમ પગલું, પ્રવાસ પહેલા જ પરિવારમાં માતમ

2026-05-21 20:22:55
Author: Devayat Khatana
જામનગરમાં સીએની વિદ્યાર્થિનીએ નવમા માળેથી કૂદીને ભર્યું અંતિમ પગલું, પ્રવાસ પહેલા જ પરિવારમાં માતમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
જામનગરઃ જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટના નવમા માળેથી કૂદીને ૨૨ વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક યુવતીની ઓળખ કલ્યાણજી ચોક નજીક ઝવેરી ડેલી વિસ્તારમાં રહેતી દ્રષ્ટિ જતિનભાઈ પારેખ તરીકે થઈ હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે ઘરેથી 'યોગ ક્લાસ' જવાનું કહીને નીકળેલી દ્રષ્ટિ સીધી શાલિગ્રામ એપાર્ટમેન્ટ પહોંચી હતી અને લિફ્ટ મારફતે નવમા માળે જઈને ત્યાંથી મોતની છલાંગ લગાવી હતી. ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 

બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સિટી 'એ' ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહનો કબજો મેળવી સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહારઆવ્યું હતું કે, દ્રષ્ટિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)નો અભ્યાસ કરતી હતી, પરંતુ તેણે આ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. તે અંગત કારણોસર છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હતી અને ડિપ્રેશનની દવાઓ પણ લઈ રહી હોવાનું ખૂલ્યું હતું. 

મૃતક યુવતીના પિતા સોના-ચાંદીના કામની દુકાન ધરાવે છે અને તે પોતાના માતા-પિતા, ભાઈ-બહેન તથા દાદી સાથે રહેતી હતી. સમગ્ર પરિવાર આગામી થોડા જ દિવસોમાં કેદારનાથ યાત્રાએ જવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ તે પહેલા જ દ્રષ્ટિએ આ અંતિમ પગલું ભરી લેતા પરિવારનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો. આશાસ્પદ યુવતીના આઘાતજનક પગલાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.