શ્વેતા જોષી અંતાણી
સોળ વર્ષની નૈયરાના ઘરમાં એક વાક્ય દરરોજ કોઈ ને કોઈ બોલતું જ, ‘તું તો સમજદાર છે ને...’
પહેલાં આ શબ્દો એને ગમતા. મહેમાનો સામે મમ્મી ગર્વથી કહેતી, ‘અમારી નૈયરા ક્યારેય જીદ કરતી નથી. ભાઈને ભણાવે, દાદીને દવા આપે, પોતાનું બધું કામ જાતે કરે. ઘરની અડધી જવાબદારી તો આ એકલી સંભાળી લે.’ દરેક વખાણ સાથે નૈયરા થોડી વધુ મૅચ્યોર થતી જતી. જવાબદારી અને સમજણ એનામાંથી થોડું થોડું બાળપણ ઝૂંટવી રહ્યા હતા.
સ્કૂલમાં એક દિવસ એની સૌથી નજીકની મિત્ર કાવ્યાએ ખુશખુશાલ સ્વરે કહ્યું, ‘આ વર્ષે માઉન્ટ આબુનો કૅમ્પ છે. આપણે બન્ને જઈશું ને?’ નૈયરાએ પણ ઉત્સાહમાં આવી તુરંત હા પાડી. છેલ્લા છ મહિનાથી એ ખિસ્સા ખર્ચમાંથી થોડા-થોડા રૂપિયા બચાવતી હતી. પહેલીવાર મિત્રોની સાથે ત્રણ દિવસ બહાર જવાની કલ્પનાએ એને ઉત્સાહિત કરી દીધેલી, પણ કૅમ્પના એક અઠવાડિયા પહેલાં પપ્પાની નોકરી છૂટી ગઈ. ઘરમાં મૌન છવાઈ ગયું. રાત્રે એણે પોતાની બચતનું કવર મમ્મીના હાથમાં મૂક્યું. ‘આ રાખી લો.’ મમ્મી કચવાતાં જીવે બોલી, ‘પણ આ તો કૅમ્પ માટે હતું ને?’ હા, પણ મારે નથી જવું.’ આવું બોલતી વખતે એણે નજર નીચી કરી દીધી.
બીજે દિવસે મિત્રો બસમાં બેઠા. નૈયરા સ્કૂલના ગેટ પરથી બસ જતી જોઈ રહી. એ દિવસે એને પહેલીવાર સમજ્યું કે ક્યારેક સૌથી મોટી સમજણ તો એકાદ જૂઠમાં સમાયેલી હોય છે. થોડા મહિના પછી એનો જન્મદિવસ આવ્યો. સાંજે બધા મળીને કેક કાપવાના હતા. એટલામાં નાના ભાઈને અચાનક તાવ ચઢ્યો. બધા હૉસ્પિટલ દોડી ગયા. રાત્રે ઘરે પાછા ફર્યા ત્યારે સહુ થાકેલા હતા. ડાઇનિંગ ટેબલ પર પડેલી કેક ઓગળવા લાગેલી. નૈયરાએ ફ્રીઝમાંથી છરી કાઢી. એક નાનો ટુકડો કાપ્યો. મીણબત્તી સળગાવી પણ નહીં. ધીમે ધીમે ખાઈ લીધો. કોઈને યાદ પણ ન આવ્યું કે આજે એનો જન્મદિવસ હતો.
સવારે મમ્મીએ કહ્યું, ‘સૉરી બેટા... કાલે’
એ તરત બોલી, ‘કંઈ વાંધો નહીં મમ્મી.’ પણ વાંધો હતો, ખૂબ હતો.
નૈયરાને પેઇન્ટિંગ કરવું ખૂબ ગમતું. જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે એની પસંદગી થઈ. ડ્રૉઇંગ ટીચરે કહ્યું, ‘તું જીતે એવી પૂરી શક્યતા છે.’ નૈયરા પણ બધી રીતે તૈયાર હતી, પણ સ્પર્ધાના દિવસે દાદીની તબિયત બગડી. મમ્મી હૉસ્પિટલમાં હતી. ઘરમાં નાના ભાઈનું ધ્યાન રાખવા કોઈ નહોતું. નૈયરાએ ટીચરને ફોન કર્યો. ‘મૅમ... હું આજે નહીં આવી શકું.’ ફોન મૂક્યા પછી એણે પોતાનું કલર બૉક્સ બંધ કરી દીધું. લાંબો સમય એને તાકી રહી. ઝટ્ દોડીને સ્કૂલે પહોંચવા એ તડપી ઊઠી, પણ એ તો સમજદાર હતી અને એ બંધ થયેલું કલર બૉક્સ ક્યારેય ખૂલ્યું નહીં.
બધાને નૈયરા એક જ મુલાકાતમાં ગમી જતી. ક્યારેય સામો જવાબ ના આપે. ક્યારેય કોઈ ફરિયાદ નહીં. હંમેશાં હસતી. બધાની વાત માનતી. ઘરમાં બધાનું ધ્યાન રાખતી એ છોકરી રોજ રાત્રે પોતે અતિ સમજદાર હોવાના ટૅગ સાથે આંખો મીંચતી. સવારે ઊઠી એ ફરી જવાબદારીની જાળમાં ગૂંથાઈ જતી.
દસમા ધોરણના પરિણામ પહેલાંની પ્રીલિમ પરીક્ષામાં એના માત્ર પચાસ માર્ક્સ આવ્યા. પેપર હાથમાં લઈને એ ઘરે આવી. મમ્મીએ પૂછ્યું, ‘કેવું રહ્યું?’ ‘સારું’ એટલું કહી એ પોતાના રૂમમાં ચાલી ગઈ. આ વખતે માર્ક્સ ઓછા આવવાનું દુ:ખ નહોતું. ડર હતો. ‘જો હું હવે સારી દીકરી ના કહેવાય તો? થોડા દિવસ પછી પેરેન્ટ્સ મીટિંગ હતી. ક્લાસ ટીચરે મમ્મીને કહ્યું, ‘નૈયરા ખૂબ હોશિયાર છે, પણ છેલ્લા કેટલાક મહિનાથી એ જાણે હસતાં ભૂલી ગઈ છે. એની ફ્રેન્ડ્સના કહેવા મુજબ ઘરમાં એના પર ઘણી જવાબદારીઓ છે એટલે એ ઉંમર કરતાં વધુ મોટી બની ગઈ છે, પણ તમે સમજો કે આ ઉંમરે બાળકોને હંમેશાં મજબૂત રહેવું પડે એવું જરૂરી નથી.’
ઘરે પાછા આવ્યા પછી મમ્મી પહેલીવાર એના રૂમમાં ગઈ. કોઈ સલાહ નહીં, કોઈ ઉપદેશ નહીં. માત્ર એક પ્રશ્ર્ન ‘નૈયરા, તું ખરેખર ખુશ છે?’ મમ્મીના આ કાળજીભર્યા શબ્દો સાંભળતાં જ નૈયરાની આંખોમાં વર્ષોથી રોકાયેલાં આંસુઓ છલકાઈ ગયાં :
‘મમ્મી, મારે પણ ક્યારેક જીદ કરવી હોય છે. મને પણ કોઈ મનાવે એવું મન થાય છે. હું પણ થાકી જાઉં છું, પણ બધા કહે છે ને પતું તો સમજદાર છે. એટલે મને લાગે છે કે હું રડી પણ નહીં શકું.’
મમ્મીએ એને છાતીસરસી ચાંપી લીધી. ધીમા અવાજે એટલું જ કહ્યું, ‘માફ કરજે બેટા, અમે તને સમજદાર બનાવવામાં એટલા વ્યસ્ત થઈ ગયાં કે એ ભૂલી ગયાં કે તું હજી નાની બાળકી જ છે.’
આપણે ઘરના સૌથી શાંત બાળકને સૌથી મજબૂત માની લઈએ છીએ, પરંતુ દરેક મૌન પાછળ શક્તિ નથી હોતી. ક્યારેક ત્યાં અધૂરી ઇચ્છાઓ, દબાયેલાં આંસુઓ અને એક નાનો પ્રશ્ર્ન છુપાયેલો હોય છે ‘શું મને પણ ક્યારેક માત્ર બાળક રહેવાની છૂટ હોય કે નહીં? સમજદાર સંતાનો ઘણીવાર આવી અપેક્ષાઓ વચ્ચે ધીમે ધીમે કસમયે મોટાં થઈ જતાં હોય છે.