Wed Jun 17 2026

Logo

BSNL અધિકારીની ‘નવાબી’ વારાણસી મુલાકાત; 50 કર્મચારીઓ તૈનાત, કેન્દ્રીય પ્રધાન થયા લાલધૂમ

2026-02-25 17:21:48
Author: Savan Zalaria
Article Image

નવી દિલ્હી: તાજેતરમાં BSNLનાં એક ડિરેક્ટરની વારાણસીના બે દિવસના પ્રવાસનો કાર્યક્રમ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ડિરેક્ટરની આગતાસ્વાગતા માટે BSNLના લગભગ 50 કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. આજે બુધવારે ભારત સરકારે અધિકારીની હાઈપ્રોફાઈલ મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી છે. 

અહેવાલ મુજબ BSNLના ડિરેક્ટર વિવેક બંજલ 25-26 ફેબ્રુઆરી દરમિયાન વારાણસીની મુલાકાતે જવાના હતાં. ડિરેક્ટરની વ્યવસ્થા જાળવવા માટે જુનિયર ટેકનિકલ અને એન્જિનિયરોથી માંડીને સબ-ડિવિઝનલ અને ડિવિઝનલ એન્જિનિયરો સુધીના લગભગ 50 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતાં, હોબાળો મચતા આ મુલાકાત રદ કરવામાં આવી હતી.

અધિકારી સામે પગલા:

કેન્દ્રીય ટેલીકમ્યુનિકેશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ BSNL અધિકારીની આ મુલાકાત સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે અધિકારીને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી છે, જેનો જવાબ આપવા  સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેમણે આ મામલે યોગ્ય પગલા ભરવા ખાતરી આપી છે. 

સિંધિયાએ કહ્યું, "હું સ્પષ્ટ પણે માનું છું કે આ અયોગ્ય છે અને નિયમો અને પરંપરાઓનું ઉલ્લંઘન છે. આ  અસ્વીકાર્ય છે, આઘાતજનક છે,"  

અધિકારીને લક્ઝરી ટ્રીટમેન્ટ:

અહેવાલ મુજબ વિવેક બંજલ 1987 બેચના ટેલિકોમ્યુનિકેશન સર્વિસ ઓફિસર છે, તેઓ હાલ BSNLમાં ડિરેક્ટર (કન્ઝ્યુમર ફિક્સ્ડ એક્સેસ - સીએફએ)ના પદ પર છે. તેમની વારાણસી મુલાકાતના કાર્યક્રમમાં સંગમમાં સ્નાનથી માંડીને હનુમાન મંદિર, અક્ષયવત અને પાતાળપુરી મંદિરની મુલાકાત સુધી સમાવેશ કરવામાં આવ્યો હતો. 

વારાણસીમાં વિવેક બંજલના રોકાણ દરમિયાન તેમના આરામ માટે ખાસ વ્યવસ્થા કરવા માટે ઓર્ડરમાં આપવામાં આવ્યા હતાં. અધિકારીના હેર ઓઈલ, અન્ડરવેર, કાંસકો, ટૂથપેસ્ટ, બ્રશ, શેવિંગ કીટ અને ચંપલની વ્યવસ્થા કરવામાં ઓર્ડર આપવામાં આવ્યા હતાં. આઠ બાથ કીટની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં છ પુરુષો માટે અને બે સ્ત્રીઓ માટે હતી.

વિવેક બંજલની વારાણસી મુલાકાતનો કાર્યક્રમ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતાં હોબાળો મચી ગયો હતો. લોકોએ આરોપ લગાવ્યા કે જનતાના પૈસા  BSNL પોતાની સર્વિસ ઉધારવાને બદલે અધિકારીઓની વ્યવસ્થા પર ખર્ચ કરી રહી છે.