દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
પંજાબની જબરી પરીક્ષા, બાકીના 50 બૉલમાં 126 રન કરવાના છે
હૈદરાબાદે 236 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ પંજાબે શરૂઆતથી એક પછી એક ઝટકો ખમ્યા બાદ સ્થિતિ થોડી સારી થવા છતાં જીતવું પંજાબ માટે મુશ્કેલ તો છે જ. પંજાબનો સ્કોર 5/110 હતો ત્યારે એણે બાકીના 50 બૉલમાં 126 રન બનાવવાના હતા. કૂપર કૉનોલી (42 નૉટઆઉટ)નો જોડીદાર સૂર્યાંશ શેડગે (પચીસ રન, 17 બૉલ, બે સિક્સર, એક ફોર) પૅટ કમિન્સને બીજી વિકેટ આપી બેઠો હતો. કમિન્સના ધીમા બાઉન્સરમાં સૂર્યાંશ ડીપ મિડવિકેટ પર અભિષેકના હાથમાં કૅચઆઉટ થયો હતો. અભિષેકે દૂરથી દોડી આવીને શાનદાર કૅચ ઝીલ્યો હતો.
કૈલાશ માનસરોવર યાત્રાના ખર્ચમાં 20 ટકાનો વધારો થયો
કૈલાશ માનસરોવર યાત્રાના શ્રદ્ધાળુઓ માટે એક મહત્વની માહિતી આવી છે. જેમાં આ વખતે કૈલાશ માનસરોવર યાત્રાના ખર્ચમાં વધારો થયો છે. જેમાં ઉત્તરાખંડના પિથોરાગઢથી શરૂ થતી યાત્રાના પ્રતિ શ્રદ્ધાળુઓનો ખર્ચ ગત વર્ષે રૂપિયા 1.74 લાખ હતો જે આ વર્ષે 20 ટકા વધારા સાથે રૂપિયા 2.09 લાખ થયો છે.
પંજાબની ગાડીમાં પંક્ચર, બન્ને ઓપનર સસ્તામાં આઉટ
હૈદરાબાદમાં પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં 236 રનના લક્ષ્યાંક સામે ખરાબ શરૂઆત કરી છે. ઓપનર પ્રિયાંશ આર્ય (એક રન) અને સાથી ઓપનર પ્રભસિમરન સિંહ (ત્રણ રન) સસ્તામાં આઉટ થઈ ગયા છે. પ્રિયાંશને પહેલી વખત પૅટ કમિન્સે આઉટ કર્યો છે, જ્યારે પ્રભસિમરનની વિકેટ નીતીશ રેડ્ડીએ લીધી છે. બે ઓવરમાં પંજાબનો સ્કોર બે વિકેટે 10 રન હતો. પંજાબ માટે હવે જીતવું મુશ્કેલ છે.

હૈદરાબાદના 4/235ઃ જીતશે તો પૉઇન્ટ્સમાં નંબર-વન
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે પ્રથમ બૅટિંગમાં 20 ઓવરમાં ચાર વિકેટે 235 રન કર્યા છે અને પંજાબને મોખરાનું સ્થાન ટકાવી રાખવા 236 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો છે. પંજાબને પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ પાસે મોટી ઓપનિંગ ભાગીદારીની આશા છે. હૈદરાબાદ જીતશે તો પંજાબના સ્થાને નંબર-વન થઈ જશે. ક્લાસેન (69 રન, 43 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) ઇનિંગ્સના છેલ્લા બૉલ પર આઉટ થયો એ પહેલાં તેની અને નીતીશ રેડ્ડી (29 અણનમ, 13 બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 63 રનની ભાગીદારી થઈ હતી. એ અગાઉ ક્લાસેને કિશન (પંચાવન રન) સાથે ત્રીજી વિકેટ માટે 88 રનની પાર્ટનરશિપ કરી હતી.

હૈદરાબાદનો સ્કોર 200 પાર, કિશન પછી ક્લાસેનની હાફ સેન્ચુરી
પંજાબ સામે હૈદરાબાદે બૅટિંગ મળ્યા બાદ સારી શરૂઆત તો કરી જ હતી, મિડલ-ઑર્ડરના બૅટ્સમેનોએ પણ ટીમને સારો સપોર્ટ આપ્યો અને ડેથ ઓવર્સમાં પણ હૈદરાબાદની ટીમની સ્થિતિ ઘણી સારી છે. 18મી ઓવરમાં આ ટીમે 200 રનનો આંકડો પાર કર્યો હતો. માત્ર ત્રણ વિકેટ પડી હતી અને ઇશાન કિશન (પંચાવન રન, 32 બૉલ, ચાર સિક્સર, બે ફોર) પછી હિન્રિક ક્લાસેને (53 નૉટઆઉટ, 35 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) પણ હાફ સેન્ચુરી ફટકારી હતી.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં બે લોકોના મોત
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસામાં બે લોકોના મોત થયા છે. આ અંગે રાજ્યના ડીજીપી સિદ્ધિનાથ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આસનસોલ, કૂચ બિહાર અને બરુઈપુરમાં સૌથી વધુ હિંસક ઘટનાઓ નોંધાઈ છે. નાનુર અને ન્યુટાઉનમાં હિંસામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે લોકોને શાંતિ અને વ્યવસ્થા બનાવી રાખવા અપીલ કરી છે.
અભિષેકે 35માંથી 32 રન છગ્ગા-ચોગ્ગાથી બનાવ્યા, આક્રમક ઇનિંગ્સ બહુ લાંબી ન ચાલી
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સે ફીલ્ડિંગ પસંદ કરી એનો થોડો ફાયદો હૈદરાબાદના ઓપનર્સ અભિષેક શર્મા (35 રન, 13 બૉલ, ચાર સિક્સર, બે ફોર) અને ટ્રૅવિસ હેડ (18 નૉટઆઉટ, નવ બૉલ, બે સિક્સર, એક ફોર)ની ઓપનિંગ જોડીએ લીધો. તેમણે માત્ર 21 બૉલમાં 54 રનની ભાગીદારી કરી, પરંતુ અભિષેક 35 રનના પોતાના સ્કોર પર લૉકી ફર્ગ્યુસનને આ સીઝનની પ્રથમ વિકેટ આપી બેઠો હતો. અભિષેકે 35માંથી 32 રન છગ્ગા-ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. તેના બૉલમાં અભિષેક મિડ-ઑફ પર શ્રેયસ ઐયરના હાથમાં કૅચઆઉટ થયો હતો.
પંજાબે ફીલ્ડિંગ પસંદ કરીઃ અભિષેક-ટ્રૅવિસ અને પ્રિયાંશ-પ્રભસિમરનની જોડી વચ્ચે હરીફાઈ
હૈદરાબાદમાં પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. હૈદરાબાદના ઓપનર્સ અભિષેક શર્મા અને ટ્રૅવિસ હેડ તેમ જ પંજાબના પ્રારંભિક બૅટ્સમેન પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહની જોડી વચ્ચે આજે ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ જામશે. હૈદરાબાદની ટીમમાં અનિકેત વર્માના સ્થાને નીતીશ કુમાર રેડ્ડીને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવાયો છે. પંજાબની ટીમમાં શશાંક સિંહ અને લૉકી ફર્ગ્યુસનનું પુનરાગમન થયું છે.
તમિલનાડુમાં થલાપતિ વિજય આવતીકાલે લેશે મુખ્યમંત્રી તરીકેની શપથ
તમિલનાડુમાં થલાપતિ વિજયની પાર્ટી ટીવીકેની જીત બાદ સરકાર રચનાની કવાયત તેજ થઇ છે. જેમાં આજે ટીવીકેના વડા વિજયે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેમજ વિજય આવતીકાલે સવારે 10:00 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.
ગુજરાત એફડીઆઇ આકર્ષવામાં ત્રીજા ક્રમે, નવ માસમાં 44,041 કરોડનું વિદેશી રોકાણ
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ મુજબ, એફડીઆઇ(FDI)મેળવવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે રહ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એપ્રિલ-2025 થી ડિસેમ્બર-2025 ના 9 મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાતે આશરે રૂ. 44,041 કરોડ જેટલું જંગી વિદેશી રોકાણ આકર્ષવામાં સફળતા મેળવી છે.
પશ્ચિમ બંગાળમાં નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત અને ટીએમસીની હાર બાદ ભાજપે સરકાર રચનાની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં મમતા બેનર્જીએ રાજીનામું નહિ આપવાની જાહેરાત કરી છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર, નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ સવારે 10:00 વાગ્યે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
મમતા બેનર્જીની હાર બાદ સમાજવાદી પાર્ટીએ I-PAC સાથેના સબંધો તોડયા
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની હાર બાદ સમાજવાદી પાર્ટીએ ચૂંટણી વ્યવસ્થાપન કંપની I-PAC સાથેના સંબંધો તોડી નાખ્યા છે.આ અંગે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે અમે થોડા મહિના તેમની સાથે કામ કર્યું હતી. પરંતુ હવે અમારી પાસે ભંડોળની અછત છે.
આસામમાં 12 મેના રોજ યોજાઈ શકે છે નવી સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ
આસામ વિધાનસભાની ચૂંટણી એનડીએની જીત બાદ નવી સરકારની ગઠનની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા રાજયપાલને ઔપચારિક રીતે રાજીનામું સુપરત કર્યું હતું. તેમજ આસામમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 12 મેના રોજ યોજાઇ શકે છે. તેમજ હિમંતા બિસ્વા શર્મા ફરી મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. 4 મેના રોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં એનડીએએ 126માંથી 102 બેઠક પર વિજય મેળવ્યો હતો.
કચ્છના ક્રિક વિસ્તારમાં BSFના પેટ્રોલિંગ દરમિયાન મળી આવી પાકિસ્તાની બોટ
કચ્છના ક્રિક વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સતત બાજ નજર રાખવામાં આવતી હોય છે. BSF ના પેટ્રોલિંગ દરમિયાન એક બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા તેમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો હતો. BSF દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે.
પાકિસ્તાનની અપીલ બાદ ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ પર લગાવી રોક
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની વિનંતીને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ ફ્રીડમ પર રોક લગાવી દીધી છે. આ મિશનનો મુખ્ય હેતુ હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવાનો હતો. ટ્રમ્પે આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હાલમાં ઈરાન સાથે સમજૂતી માટેની વાતચીત ચાલી રહી છે, જેના કારણે આ મિશનને હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાનની નૌકાદળ દ્વારા કરવામાં આવેલી નાકાબંધી અત્યારે યથાવત રહેશે.
ગુજરાત બોર્ડ ધોરણ-10નું 83.86% પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 (SSC)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરતા પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. આ વર્ષે ધોરણ-10નું કુલ પરિણામ 83.86% રહ્યું છે.ગયા વર્ષના પરિણામની તુલનામાં આ વર્ષે 1.30% નો વધારો નોંધાયો છે.