દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાનને મોટી ચેતવણી, હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર બરબાદ કરી નાખીશ
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થવાના સંકેત નથી મળી રહ્યા. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને મોટી ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલો અને જલદી કરાર કરો નહીંતર બરબાદ કરી નાખીશ.
રાજકોટમાં પખવાડિયા પહેલા કામે ચડેલા નેપાળી પરિવારના બે બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા
અમદાવાદઃ હાઈરાઈઝ બિલ્ડિંગમાં જોવા મળતા સ્વિમિંગ પુલની સુરક્ષા સામે સવાલો ઊભા કરી દેતો કિસ્સો રાજકોટમાં બન્યો હતો. અહીં કામ કરતા નેપાળી પરિવારના બે બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી મૃત્યુ પામ્યા હતા. ઘટનાની મળતી વિગતો અનુસાર રાજકોટમાં આવેલા સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં બપોરના અઢી વાગ્યા આસપાસ બે બાળકો સ્વિમિંગ પુલ પાસે રમી રહ્યા હતા. અહીં પુખ્ત વયના લોકો માટે બનેલા સ્વિમિંગ પુલમાં બહેન પહેલા ઉતરી હતી. બહેનને અંદર જતી જોઈ તેને પકડવા કે બચાવવા ભાઈ પણ અંદર ઉતર્યો હતો. કમનસીબે બન્ને બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા હતા. બન્ને બાળક સાત અને પાંચ વર્ષના હોવાનું જાણવા મળ્યું હતું. મૂળ નેપાળી પરિવાર અહીં સફાઈ સહિતના કામકાજ માટે માત્ર 14 દિવસ પહેલા જ આવ્યો હતો, પરંતુ પોતાના બન્ને સંતાન ગુમાવતા શોકમાં સરી પડ્યો હતો. બંને બાળકોને 108 મારફતે હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
આંધ્રપ્રદેશમાંથી નક્સલી નેતા સી. નારાયણ રાવ સહિત નવ નક્સલીઓનું આત્મ સમર્પણ, નક્સલવાદના અંતનો દાવો
કેન્દ્ર સરકાર દ્વારા 31 માર્ચ 2026 સુધી દેશને નક્સલવાદથી મુક્ત કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ત્યારે આ ડેડલાઇનના એક દિવસ પૂર્વે આંધ્રપ્રદેશમાંથી નક્સલવાદનો અંત આવ્યો હોવાનો પોલીસે દાવો કરવામાં આવ્યો છે. આજે કુખ્યાત નક્સલી નેતા સી. નારાયણ રાવ અને તેમના નવ સાથીઓએ પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું છે.
લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, હથિયાર ઉઠાવવાની કિંમત ચૂકવવી પડશે
લોકસભામાં નક્સલમુક્ત ભારત અભિયાન પર ચાલી રહેલી ચર્ચા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. તેમણે કેન્દ્ર સરકારના નક્સલમુક્ત અભિયાનને સફળ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે નકસલમુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2026 છે. તેમણે આ મુદ્દે કોંગ્રેસને આડે હાથે લીધી હતી તેમજ નક્સલવાદ માટે કોંગ્રેસની આદિવાસીઓના શોષણની નીતિને જવાબદાર ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે જે પણ હથિયાર ઉઠાવશે તેને કિંમત ચૂકવવી પડશે.
ભુજ કોર્ટ પરિસરને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલી કોર્ટને આજે ફરી એકવાર અજાણ્યા શખ્સો દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. એક જ મહિનાના ટૂંકા ગાળામાં બીજી વખત મળેલી આ ધમકીને પગલે કોર્ટ પરિસરમાં ભારે અફરાતફરી અને ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.
કર્ણાટકમાં 40 મુસાફરોને લઈ જતી બસ પુલ પરથી નીચે ખાબકી
કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં એક મોટી બસ દુર્ધટના સર્જાઈ છે. અહીં એક બસ બેકાબૂ થયા બાદ પુલ નીચે ખાબકી હતી. આ બસમાં કુલ 40થી પણ વધારે મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ના થઈ હોવાના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘાયલોને અત્યારે સરવાર માચે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
સંસદમાં આજે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (સુધારા) બિલ, 2025 પર ચર્ચા
સંસદના બજેટ સત્ર દરમિયાન સોમવારે લોકસભામાં ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (સુધારા) બિલ, 2025 પર ચર્ચા થવાની છે. આ બિલ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને 27 માર્ચે પહેલીવાર ચર્ચા માટે લેવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કંપનીઓ અને વ્યક્તિઓના નાદારીના કેસોમાં થતા વિલંબને ઘટાડવો અને સુધારા લાવવાનો છે.
ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં આજે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.