દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
દિલ્હીમાં લાગ્યા રાહુલ ગાંધી ગુમ થયા હોવાના પોસ્ટર, ભાજપે કહ્યું પર્યટન નેતા
દિલ્હીના અનેક વિસ્તારોમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ગુમ થયા હોવાનો પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેના પગલે આ સમગ્ર બાબત રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બની છે. આ ઉપરાંત ભાજપ વારંવાર રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ અંગે ટીકા કરે છે. તેમજ આ મુદ્દે ભાજપે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી " પર્યટનના નેતા " છે.
ઉત્તર પ્રદેશના અલીગઢમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ સપાટીએ, નેતાઓ વચ્ચે મારામારી
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ સપાટીએ આવ્યો હતો. જેમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે છૂટા હાથની મારામારી જોવા મળી હતી. તેમજ એક કાર્યકરને માર મારીને બહાર ફેંકી દેવામાં આવ્યો હતો.
સોમવારથી વિમ્બલ્ડનઃ 44 વર્ષની સેરેના વિરુદ્ધ 20 વર્ષની માયા
સોમવારથી શરૂ થતી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં 44 વર્ષની સેરેના વિલિયમ્સ પ્રથમ રાઉન્ડમાં 20 વર્ષની માયા જૉયન્ટ સામે રમશે. સાત વિમ્બલ્ડન ટાઇટલ જીતી ચૂકેલી સેરેના ત્રણ વર્ષ કરતાં વધુ સમય બાદ કમબૅક કરી રહી છે. તેની સામે રમનાર માયા ઑસ્ટ્રેલિયાની છે. સેરેના છેલ્લે 2022માં વિમ્બલ્ડનમાં 115મા ક્રમની હાર્મની ટૅન સામે પહેલા જ રાઉન્ડમાં હારી ગઈ હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇગા સ્વૉન્ટેક મંગળવારે ટેલર ટાઉનસેન્ડ વિરુદ્ધ રમશે.

અયોધ્યાના વકીલોએ રામ મંદિર દાન ચોરી કેસના આરોપીઓનો કેસ લડવાનો ઇનકાર કર્યો
અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અયોધ્યાના વકીલોએ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે અયોધ્યાના વકીલોએ ચોરી કેસના આરોપીઓને કેસ લડવાનો ઇનકાર કર્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ ઘટનાની વિશ્વમાં અયોધ્યાના લોકોની છબી ખરડાઇ છે.
તિલક-અક્ષરે ધબડકો રોક્યો, મેઘરાજાએ રમત અટકાવી
આયરલૅન્ડના બેલફાસ્ટમાં સિરીઝની બીજી અને નિર્ણાયક ટી-20માં 155 રનનો સાધારણ લક્ષ્યાંક મેળવવા ઝઝૂમી રહેલા ભારતે આઠ ઓવરમાં ફક્ત 54 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી ત્યાર બાદ વરસાદ શરૂ થતાં રમત રોકવામાં આવી હતી. ત્યારે તિલક વર્મા 21 રને અને અક્ષર પટેલ સાત રને રમી રહ્યો હતો. એ પહેલાં, ભારતે ફક્ત 35 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. સૅમસન અને અભિષેક તેમના પહેલા જ બૉલ પર આઉટ થયા બાદ ઇશાન કિશન (12 રન) અને કૅપ્ટન શ્રેયસ (10 રન) પણ સસ્તામાં આઉટ થયા હતા. ઇશાન રનઆઉટ થયો હતો, જ્યારે બાકીની ત્રણેય વિકેટ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જય મુંદરાએ લીધી હતી. આઉટફીલ્ડ ભીનું હોવાથી રમત થોડી વિલંબમાં મુકાઈ હતી.
મહિલા વર્લ્ડ કપમાં ભારતના 20 ઓવરમાં 4/170
લૉર્ડ્સમાં ટી-20ના મહિલા વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચવા ઝઝૂમી રહેલી ભારતીય ટીમે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં ચાર વિકેટે 170 રન બનાવ્યા છે જેમાં કૅપ્ટન હરમનપ્રીત કૌરના 56 રન હાઇએસ્ટ હતા. એમાં તેના ત્રણ છગ્ગા, છ ચોગ્ગા સામેલ હતા. વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (38 રન) અને શેફાલી વર્મા (34 રન)ના સાધારણ યોગદાન હતા, જ્યારે જેમિમા રૉડ્રિગ્સ પોતાના 34મા રને રિટાયર આઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયાની સાત બોલરમાં માત્ર સૉફી મોલિન્યૂકસને બે વિકેટ મળી હતી. સ્મૃતિ રન આઉટ થઈ હતી. ભારતની દમદાર બોલિંગ લાઇન-અપ સામે ભૂતપૂર્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા ઝૂકી જશે તો નવાઈ નહીં લાગે.

સૅમસન પહેલા જ બૉલમાં આઉટ, અભિષેકનો પણ ગોલ્ડન ડક
બેલફાસ્ટમાં ભારતીય ટીમ વિકેટ ગુમાવવામાં બહુ ફાસ્ટ છે, કારણકે ભારતીય મૂળના ફાસ્ટ બોલર જય મુંદરાની પહેલી જ ઓવરમાં સૅમસન (0) અને અભિષેક શર્મા (0) વિકેટ ગુમાવી બેઠા હતા. બન્નેને નામે ગોલ્ડન ડક લખાયા હતા. સૅમસન દાવના પ્રથમ બૉલમાં એલબીડબ્લ્યૂ થયો ત્યાર પછી ઇશાન કિશન બૅટિંગમાં આવ્યો અને થોડી વાર બાદ અભિષેકે પોતાના પહેલા જ બૉલમાં હૉલાર્ડને કૅચ આપી દીધો હતો. રાજસ્થાનના ટોંક શહેરનો જય ભારતને સતત બીજી મૅચમાં ભારે પડી રહ્યો છે. ત્રીજી ઓવરમાં ભારતનો સ્કોર બે વિકેટે 19 રન હતો. ઇશાનની સાથે કૅપ્ટન શ્રેયસ દાવમાં હતો.
જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં સુરક્ષા દળની બસને અકસ્માત, આઠ જવાન ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં તારાકોટ નજીક સુરક્ષાદળની બસને અકસ્માત નડ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ સુરક્ષા જવાનો સાથે જઇ રહેલી બસ અચાનક રસ્તા પર સ્લીપ થઇ હતી. જેમાં સીઆઇએસએફના આઠ જવાનો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઇન્ડિયા-એ અને શ્રીલંકા-એની ટેસ્ટ ડ્રૉ
ગૉલમાં શ્રીલંકા-એ સામેની ઇન્ડિયા-એની ચાર દિવસીય બિનસત્તાવર મૅચ ડ્રૉમાં પરિણમી છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં સુદર્શનના 132 રન અને કૅપ્ટન ધ્રુવ જુરેલના અણનમ 141 રનની મદદથી છ વિકેટે 452 રન બનાવ્યા બાદ યજમાન ટીમે 330 રન બનાવ્યા હતા. જુરેલના નેતૃત્વમાં ઇન્ડિયા-એ ટીમે 122 રનની સરસાઈ ઉપરાંત 8/189ના સ્કોર સાથે દાવ ડિક્લેર કર્યો હતો અને શ્રીલંકા-એને 312 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સહાન અરાછીગેની ટીમનો સ્કોર બીજા દાવમાં 2/70 હતો ત્યારે અમ્પાયરે મૅચને ડ્રૉ જાહેર કરી હતી.
ભારતે આયરલૅન્ડની પાંચ વિકેટ લીધી, ચાર બોલરને મળી સફળતા
લૉર્ડ્સમાં ભારતે આયરલૅન્ડની ટીમનો ધબડકો બોલાવ્યો છે. ખાસ કરીને શિવમ દુબેએ સૌથી અસરદાર બોલિંગ કરી અને બે બૉલમાં બે વિકેટ લીધી હતી. ક્રીઝમાં જામી ગયેલા બેન કૅલિટ્ઝ (37 રન)ને શિવમે કૅચઆઉટ કરાવ્યા પછી બીજા જ બૉલમાં ગરેથ ડેલની (0)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. એ ચોથી અને પાંચમી વિકેટ હતી. એ પહેલાં ત્રણ વિકેટ પડી હતી. હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ડેબ્યૂ કરનાર પેસ બોલર પ્રિન્સ યાદવને એક-એક વિકેટ મળી હતી. 16 ઓવરને અંતે આયરલૅન્ડનો સ્કોર 5/118 હતો.

મહિલા વર્લ્ડ કપમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીતે બૅટિંગ લીધી, ઑસ્ટ્રેલિયા સામે જીતવું જ પડશે
લંડનના લૉર્ડ્સમાં ભારતે ટી-20 વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલ જેવી ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનું નક્કી કર્યું છે. સાંજે આ જ મેદાન પર બાંગ્લાદેશ સામે સાઉથ આફ્રિકા ચાર વિકેટે જીતી ગયું હોવાથી હવે ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવવું જ પડશે. જો ભારત હારી જશે તો ગ્રૂપ-વનમાંથી ઑસ્ટ્રેલિયાની સાથે સાઉથ આફ્રિકા સેમિ ફાઇનલમાં જશે. ગ્રૂપ-ટૂમાંથી ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સેમિમાં પહોંચી ગયા છે. ભારતીય ટીમમાં નંદની શર્માના સ્થાને ક્રાંતિ ગૌડને ફરી ટીમમાં સમાવવામાં આવી છે, જ્યારે ઑસ્ટ્રેલિયાએ અલાના કિંગના સ્થાને ફીબી લિચફીલ્ડને ઇલેવનમાં સમાવી છે.

પાકિસ્તાનના કરાંચી બ્લાસ્ટમાં ભારત પર લગાવેલા આરોપોને વિદેશ મંત્રાલયે ફગાવ્યા
પાકિસ્તાનના કરાંચીમાં હાલમાં થયેલા હુમલામાં ભારત પર લગાવેલા આરોપ અંગે વિદેશ મંત્રાલયે ફગાવી દીધા છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલ આ આરોપોને સંપૂર્ણરીતે પાયાવિહોણા જણાવીને પાકિસ્તાનને ફટકાર લગાવી છે.
હર્ષિતે ફરી ઓપનર ટેક્ટરની વિકેટ લીધી, અર્શદીપ પણ ત્રાટક્યો
આયરલૅન્ડ સામે શુક્રવારના સૌપ્રથમ પરાજયના આઘાતમાંથી બહાર આવી રહેલી ભારતીય ટીમના પેસ બોલર હર્ષિત રાણાએ સતત બીજી મૅચમાં આયરલૅન્ડના ઓપનર ટિમ ટેક્ટર (પાંચ રન)ની વિકેટ લીધી છે. તેણે શુક્રવારની પ્રથમ ટી-20માં ટેક્ટરને કૅપ્ટન શ્રેયસના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો અને હવે અભિષેક શર્માએ તેનો કૅચ ઝીલ્યો છે. 17 રન પર હર્ષિતે પ્રથમ વિકેટ લીધા બાદ 21મા રન પર બીજા ઓપનર રૉસ ઍડેર (16 રન)ને તિલકના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

ભારતે ફીલ્ડિંગ લીધીઃ આજે પણ વૈભવ ટીમમાં નથી, પણ બે ખેલાડીના ડેબ્યૂ
બેલફાસ્ટમાં ભારતે આયરલૅન્ડ સામેની બીજી અને અંતિમ ટી-20માં ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીનેજ સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીને આજે પણ પ્લેઇંગ-ઇલેવનમાં નથી સમાવવામાં આવ્યો. હવે તેને ઇંગ્લૅન્ડની ટૂરમાં ડેબ્યૂ કરવાનો મોકો મળશે. જોકે ઑલરાઉન્ડર સૂર્યાશ શેડગે અને પેસ બોલર પ્રિન્સ યાદવને ભારત વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરવાની તક અપાઈ છે. આઇપીએલમાં સૂર્યાંશને શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં રમવાનો અનુભવ છે. ભારતીય ટીમઃ શ્રેયસ (કૅપ્ટન), અભિષેક, સૅમસન (વિકેટકીપર), ઇશાન, તિલક, સૂર્યાંશ શેડગે, શિવમ, અક્ષર, અર્શદીપ, હર્ષિત અને પ્રિન્સ યાદવ. આયરલૅન્ડની ટીમઃ લૉર્કેન ટકર (કૅપ્ટન, વિકેટકીપર), ટિમ ટેક્ટર, રૉસ ઍડેર, હૅરી ટેક્ટર, બેન કૅલિટ્ઝ, ગરેથ ડેલની, જ્યોર્જ ડૉકરેલ, મૅથ્યૂ હમ્ફ્રેઝ, મૅટ હૉલાર્ડ, લિઆમ મૅકાર્થી અને જય મુંદરા
કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફારની અટકળો તેજ, નીતિન ગડકરીના મંત્રાલયમાં બદલાવની શકયતા
કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફારની અટકળો તેજ થઇ છે. તેમજ આ ફેરફાર આગામી બે દિવસમાં થઇ શકે છે. જેમાં મળતી માહિતી મુજબ કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના મંત્રાલયમાં પણ બદલાવ થઇ શકે છે. આ ઉપરાંત નીતિશ કુમારને મંત્રીમંડળમાં સમાવવા આવી શકે છે. તેમજ વિવાદોમાં રહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટી પણ થઇ શકે છે.
અયોધ્યા મુદ્દે સીએમ યોગીના અખિલેશ યાદવ પર આકરા પ્રહાર, કહ્યું તમારો ઇતિહાસ તપાસો
અયોધ્યા રામમંદિર દાન ચોરી વિવાદ વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના અયોધ્યા અંગેના નિવેદન પર સીએમ યોગીએ આકરા પ્રહાર કર્યા છે. સીએમ યોગીએ અખિલેશ યાદવને કહ્યું કે તમે તમારો ઇતિહાસ તપાસો તમે રામભક્તો પર ગોળી ચલાવી હતી.
સેશેલ્સમાં પીએમ મોદીએ કહ્યું અમારો ધ્યેય હિંદ મહાસાગરને તકોના સમુદ્રમાં પરિવર્તિત કરવાનો
પૂર્વ આફ્રિકાના સેશેલ્સની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત હિંદ મહાસાગરની કલ્પના કેવી રીતે કરે છે તે અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત એક એવા હિંદ મહાસાગરની કલ્પના કરે છે જ્યાં દરિયાઈ સુરક્ષાની સાથે આર્થિક સમૃદ્ધિ વધે.તેમજ જ્યાં આપણી ભાગીદારી કદ કરતાં પરસ્પર આદર અને વિશ્વાસ પર આધારિત હોય અને જ્યાં દરેક રાષ્ટ્ર એક સાથે ચાલીએ. અમારું વિઝન હિંદ મહાસાગરને તકોના સમુદ્રમાં પરિવર્તિત કરવાનું છે.
ધમકી ભર્યા ઇમેલ બાદ દિલ્હી-ઉત્તરાખંડમાં એલર્ટ, ખાલિસ્તાનીઓના સંભવિત આતંકી હુમલાનું ઇનપુટ
ઉત્તરાખંડ સરકાર અને નિહંગો વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલા ઘર્ષણની વચ્ચે આતંકવાદી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક ઈમેલમાં દિલ્હી અને ઉત્તરાખંડના ઘણા મંદિરોની સાથે સરકારી કચેરીઓ, રેલવે સ્ટેશનો અને પોલીસને નિશાન બનાવીને આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી છે.