Sat Jun 27 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:26 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-26 08:11:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-26 21:33:13

શિમલામાં ગમખ્વાર અકસ્માત, પિક અપ વાન ખાઈમાં પડતાં છ લોકોના મોત

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના એક ગમખ્વાર અકસ્માત  સર્જાયો છે. જેમાં એક પિકઅપ વાન બેકાબૂ થતાં ઉંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માતના છ લોકોના મોત થયા છે.

2026-06-26 21:32:46

શ્રીલંકા-એ સામે સુદર્શન પછી ધ્રુવ જુરેલની પણ સદી

ગૉલમાં શ્રીલંકા-એ સામે ઇન્ડિયા-એ ટીમે ચાર દિવસીય બિનસત્તાવાર ટેસ્ટમાં શુક્રવારના બીજા દિવસે 6/452ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો અને ત્યાર બાદ યજમાન ટીમે 113 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. અંશુલ કંબોજ અને યશ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી. એ પહેલાં, ઇન્ડિયા-એ વતી સાઇ સુદર્શન (132 રન) પછી કૅપ્ટન ધ્રુવ જુરેલે (141 અણનમ) પણ સેન્ચુરી ફટકારી હતી. શેખ રાશીદ 63 રન બનાવીને આઉટ થયો હતો. તેની અને જુરેલ વચ્ચે પાંચમી વિકેટ માટે 136 રનની ભાગીદારી થઈ હતી.

2026-06-26 21:07:44

વર્લ્ડ નંબર-વન ભારત શું આયરલૅન્ડ સામે પહેલી વખત હારી જશે?

બેલફાસ્ટમાં નવા કૅપ્ટન શ્રેયસ ઐયરના સુકાનમાં વર્લ્ઠ નંબર-વન ભારતે શ્રેણીની પ્રથમ ટી-20માં 183 રનના લક્ષ્યાંક સામે 100 રનમાં છ વિકેટ ગુમાવી દેતાં ટીમ મોટી મુશ્કેલીમાં આવી ગઈ હતી. શિવમ દુબે (17 રન) અને અક્ષર પટેલ (ચાર રન)ની જોડી પર બધો આધાર હતો. 15મી ઓવરમાં ભારતનો સ્કોર 6/119 હતો અને ભારતે જીતવા 35 બૉલમાં 64 રન કરવાના બાકી હતા.

2026-06-26 20:47:05

વર્લ્ડ ચૅમ્પિયન ટીમ ઇન્ડિયા આયરલૅન્ડ સામે મુસીબતમાં

ટી-20ના વિશ્વ વિજેતા ભારતે બેલફાસ્ટમાં શ્રેણીની પ્રથમ ટી-20માં 183 રનના લક્ષ્યાંક સામે માત્ર 85 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી છે. 10મી ઓવરમાં આ સ્કોર પર તિલક વર્મા 10 રન અને વૉશિંગ્ટન સુંદર બે રને દાવમાં હતા. એ પહેલાં, ભારતીય ટીમના ટૉપ-ઑર્ડરમાં માત્ર અભિષેક શર્મા (50 રન, 20 બૉલ, બે સિક્સર, સાત ફોર) સારું રમ્યો હતો, પરંતુ સંજુ સૅમસન (પાંચ રન), ઇશાન કિશન (એક રન) અને કૅપ્ટન શ્રેયસ ઐયર (ત્રણ રન) સસ્તામાં વિકેટ ગુમાવી બેઠા હતા. આયરલૅન્ડના પેસ બોલર મૅટ હૉલાર્ડે સૌથી વધુ બે વિકેટ તેમ જ ભારતીય મૂળના પેસ બોલર જય મુન્ડ્રા અને લિઆમ મૅકાર્થીએ એક-એક વિકેટ મેળવી હતી.

2026-06-26 20:44:43

સુરતમાં ડીઆરઆઇની ટીમે  20 કરોડના 2 કિલો કોકેઇન સાથે મુસાફરની ધરપકડ કરી

સુરતમાં ડીઆરઆઈની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન પર એક ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ડીઆરઆઈના અધિકારીઓ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાંથી લગભગ 2 કિલોગ્રામ જેટલો શુદ્ધ કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ડ્રગ્સના આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટમાં અંદાજિત કિંમત 20 કરોડ જેટલી થાય છે.

2026-06-26 19:55:54

અખિલેશ યાદવના પ્રહાર, કહ્યું ભાજપનો લંકા કાંડ અયોધ્યામાં જ થશે

અયોધ્યાના રામ મંદિર દાન ચોરી કેસમાં સતત ભાજપ પર પ્રહાર કરી કરેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રાજકીય પ્રહારો કર્યા છે. તેમણે  અયોધ્યા અને ઉત્તર પ્રદેશના ગ્રામપ્રધાનોને લગતા મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પર નિશાન સાધ્યું છે.

2026-06-26 19:55:19

આયરલૅન્ડે ભારતને 183 રનનો લક્ષ્યાંક આપ્યો

બેલફાસ્ટમાં આયલરૅન્ડે પ્રથમ ટી-20 મૅચમાં 20 ઓવરમાં નવ વિકેટે 182 રન બનાવીને ટી-20ના વર્લ્ડ નંબર-વન ભારતને 183 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. આયરલૅન્ડે છેલ્લા સાત બૉલમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. એમાંથી એક વિકેટ અર્શદીપે અને બે વિકેટ (20મી ઓવર કરનાર) સ્પિનર અક્ષર પટેલે લીધી હતી. સૌથી વધુ ત્રણ વિકેટ હર્ષિત રાણાએ મેળવી હતી. આઇરિશ ટીમને શરૂઆતથી મુશ્કેલીમાં મૂકવાનું હર્ષિત જ શરૂ કર્યું હતું. બે વિકેટ અર્શદીપ સિંહે અને એક વિકેટ શિવમ દુબેએ લીધી હતી. વિકેટકીપર સંજુ સૅમસને બે કૅચ ઝીલ્યા હતા અને એક બૅટ્સમૅનને તિલક વર્મા સાથે મળીને રનઆઉટ કર્યો હતો. વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ નથી કરવા મળ્યું અને ભારતના દાવની શરૂઆત અભિષેક શર્મા અને સંજુ સૅમસન કરશે.

2026-06-26 19:26:30

આયરલૅન્ડે સવાસો રનમાં પાંચ વિકેટ ગુમાવી

બેલફાસ્ટમાં ભારતે પ્રથમ ટી-20માં 15 ઓવરમાં યજમાન આયરલૅન્ડની માત્ર 125 રનમાં પાંચ વિકેટ લઈને એને મુશ્કેલીમાં મૂકી દીધું છે. પાંચમાંથી ત્રણ વિકેટ હર્ષિત રાણાએ, એક વિકેટ અર્શદીપ સિંહે અને એક વિકેટ શિવમ દુબેએ લીધી છે. આઇરિશ ટીમના તમામ ખેલાડીઓમાં માત્ર કૅપ્ટન લૉર્કેન ટકરે (50 રન, 36 બૉલ બે સિક્સર, પાંચ ફોર) ભારતીય બોલર્સને લડત આપી.

2026-06-26 19:21:30

પીએમ મોદીને ધર્મેન્દ્ર પ્રધાનને જન્મદિનની શુભેચ્છાઓ આપવી ભારે પડી, લોકોએ ટીકા કરી

NEET પેપર લીક કેસમાં વિવાદમાં ફસાયેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ આપવી પીએમ મોદીને ભારે પડી છે. તેમણે એક્સ પર જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા ઉપરાંત તેમની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં તેમના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. જેની બાદ પીએમ મોદીની પોસ્ટ પર ટીકા કરી રહી છે. જેમાં અભિનેત્રી એન બિગ બોસ ફેમ કુનિકા સદાનંદે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમજ કહ્યું છે કે એક જ દિલ છે કેટલી વાર તોડશો મોદીજી

2026-06-26 18:36:32

આયરલૅન્ડને હર્ષિતનો બીજો ઝટકો, અર્શદીપ પણ ત્રાટક્યો

ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન ભારતે ફીલ્ડિંગ પસંદ કર્યા બાદ યજમાન આયરલૅન્ડને મોટી મુસીબતમાં મૂકી દીધું છે. પાવરપ્લેની છ ઓવરમાં આઇરિશ ટીમે માત્ર 36 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી જેમાંથી બે વિકેટ પેસ બોલર હર્ષિત રાણાએ અને એક વિકેટ બીજા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે લીધી હતી. ત્રણેય બૅટ્સમેન કૅચઆઉટ થયા હતા. બે કૅચ વિકેટકીપર સંજુ સૅમસને ઝીલ્યા હતા અને એક કૅચ કૅપ્ટન શ્રેયસ ઐયરે ઝીલ્યો હતો.

2026-06-26 18:28:53

યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્યો, રશિયાનો 660 ડ્રોન તોડી પાડવાનો દાવો

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી યુદ્ધ સતત ચાલી રહ્યું છે. જેમાં રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્યો છે. જ્યારે બીજી તરફ રશિયાએ પણ દાવો કર્યો છે તેણે યુક્રેનના 660 ડ્રોન તોડી પાડયા છે.

2026-06-26 17:45:05

ભારતે ફીલ્ડિંગ પસંદ કરી, વૈભવ સૂર્યવંશી ટીમમાં નથી!

બેલફાસ્ટમાં આયરલૅન્ડ સામે સિરીઝની પ્રથમ ટી-20માં નવા કૅપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. આઇરિશ ટીમને પણ લૉર્કેન ટકરના રૂપમાં નવો સુકાની મળ્યો છે. સૌની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે એવું ઘણા દિવસથી કહેવાતું હતું, પણ કમનસીબે વૈભવને આ મૅચથી ભારત વતી ડેબ્યૂ કરવા નહીં મળે, કારણકે પ્લેઇંગ-ઇલેવનમાં તેનો સમાવેશ નથી.

2026-06-26 17:38:29

અયોધ્યામાં રામમંદિર દાન ચોરીમાં 70 લાખ રૂપિયા મળી રિકવર થયા, હજુ ગણતરી ચાલુ

અયોધ્યામાં રામમંદિર દાન ચોરી કેસના એસઆઇટી તપાસ બાદ અનેક વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ અત્યાર સુધી 70 લાખ રોકડા રૂપિયા મળી આવ્યા છે. તેમજ તપાસ ટીમ હજુ પણ નોટોની ગણતરી કરી રહી છે.

2026-06-26 16:42:33

રામમંદિર દાન ચોરી કેસમાં FIR બાદ સીએમ યોગીનું પ્રથમ નિવેદન, કહ્યું આરોપીઓને આકરી સજા કરાશે

અયોધ્યાના રામમંદિર દાન ચોરી કેસમાં આઠ લોકો વિરુદ્ધ એફઆઇઆર બાદ સીએમ યોગીનું પ્રથમ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે આ કેસમાં સરકાર યોગ્ય કાર્યવાહી કરશે તેમજ આસ્થાને ઠેસ પહોંચાડનારને  બક્ષવામાં નહિ આવે. આ કેસમાં આરોપીઓને કડક સજા આપવામાં આવશે.

2026-06-26 15:24:11

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં એસઆઇટી રિપોર્ટ લીક, સીસીટીવી મનીષ યાદવ ચોરી કરતાં દેખાયો

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીના અહેવાલ બાદ આઠ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ દરમિયાન એસઆઇટીનો અહેવાલ લીક થયો હતો. આ અહેવાલ મુજબ સીસીટીવી ફૂટેજમાં ટીનુ યાદવનો સબંધી મનીષ કુમાર યાદવ અનેક વાર ચોરી કરતો જોવા મળ્યો હતો. તેમ છતાં તેની પર કોઇ કાર્યવાહી કરવાના નહોતી આવી.

2026-06-26 14:53:07

રામ મંદિરના દાનના પૈસાથી સાંસદોને ખરીદવામાં આવી રહ્યા છે: સંજય રાઉતના પ્રહાર

શિવસેના (UBT) રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ઉચાપતના સંદર્ભમ આઠ લોકો સામે FIR દાખલ થયા બાદ કહ્યું કે, મુખ્ય આરોપીઓ હજુ પણ ટ્રસ્ટમાં કામ કરી રહ્યા છે. જેઓ પોતાને હિન્દુત્વવાદી માને છે. તેઓ મંદિરમાંથી કરોડો રૂપિયા ચોરી કરી લે છે અને આ પૈસા રાજકારણમાં જાય છે, જ્યાં તેનો ઉપયોગ સાંસદોને ખરીદવા અને રાજકીય પક્ષોને તોડવા માટે થાય છે.

2026-06-26 13:19:31

ચંપત રાય, અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું

અયોધ્યા રામ મંદિર ચંદા ચોરી કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ચંપત રાય અને અનિલ મિશ્રાએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું છે.

2026-06-26 10:53:32

સવારે 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ, આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના 3 તાલુકામાં મેઘમહેર થઈ હતી. વાપીમાં 0.35 ઇંચ, વલસાડમાં 0.28 ઇંચ, સાગબારામાં 0.16 ઇંચ વરસાદ વરસ્યો હતો.

2026-06-26 10:32:33

રામ મંદિર ચોરી કેસમાં આઠની ધરપકડ

અયોધ્યા રામ મંદિરમાં દાન અને કિંમતી વસ્તુઓની કથિત ઉચાપત મામલે નોંધાયેલી એફઆઈઆરમાં નામજોગ દર્શાવવામાં આવેલા આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

2026-06-26 09:50:39

SG હાઈવે પર સર્જાયો અકસ્માત, ચારની હાલત ગંભીર

અમદાવાદઃ એસજી હાઇવે પર એક મોટો અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ચાર લકઝુરિયસ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, આમાં ત્રણ કારચાલક યુવકો સંપૂર્ણપણે નશાની હાલતમાં હોવાનું જાણા મળ્યું છે. આ નબીરાઓ 130 ની ઝડપે ગાડી ચલાવી રહ્યાં હતાં. આ ગંભીર અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ત્રણ ઘાયલોને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. એકની હાલત વધારે ગંભીર હોવાનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

2026-06-26 09:42:33

કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફારના એંધાણ

કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફારના એંધાણ છે.  28-29 જૂનના રોજ  વિસ્તરણ થઈ શકે છે.  નાણા, શિક્ષણ અને ઉર્જા મંત્રાલયોમાં નેતૃત્વ પરિવર્તન જોવા મળે તેવી શક્યતા થે, અશ્વિની વૈષ્ણવ અથવા શક્તિકાંત દાસને નાણા મંત્રાલય, નિર્મલા સીતારમણને માનવ સંસાધન વિકાસની જવાબદારી સોંપાઈ શકે છે. સૂત્રો મુજબ રાઘવ ચઢ્ઢા અથવા અશોક મિત્તલને મંત્રી પદ મળી શકે છે.

2026-06-26 08:11:58

છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસાદ થયો હતો. ખેડબ્રહ્મામાં 0.63 ઇંચ, બરવાળામાં 0.39 ઇંચ, માળીયા હાટીનામાં 0.16 ઇંચ, ભીલોડામાં 0.16 ઇંચ, આમોદમાં 0.12 ઇંચ, ખેરાલુમાં 0.08 ઇંચ, સામીમાં 0.08 ઇંચ તથા ઉમરગાંવમાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો.