દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
વિદર્ભના પ્રફુલ હિન્ગેનું ધમાકેદાર ડેબ્યૂ, પહેલી જ મૅચમાં લીધી ચાર વિકેટઃ વૈભવનો ગોલ્ડન ડક
હૈદરાબાદમાં આ વખતની સૌથી સફળ ટીમ રાજસ્થાન રૉયલ્સની કફોડી હાલત થઈ ગઈ છે. આ ટીમની છાવણીમાં હાહાકાર મચી ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે નાગપુર (વિદર્ભ)ના 24 વર્ષીય પેસ બોલર પ્રફુલ હિન્ગેને આજે આઇપીએલમાં ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો અને તેણે એ તક ઝડપીને પોતાની પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી. બહુચર્ચિત વૈભવ સૂર્યવંશી પોતાના પહેલા જ બૉલમાં સિક્સર ફટકારવાની લાલચે કૅચ આપી બેઠો હતો. બીજા બૉલમાં તેના આ ગોલ્ડન ડક બાદ ચોથા બૉલમાં ધ્રુવ જુરેલ ક્લીન બોલ્ડ થયો હતો અને છઠ્ઠા બૉલમાં લુઆન-ડ્રે પ્રિટોરિયસ કૅચઆઉટ થયો હતો. હિન્ગેએ પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટનો તરખાટ મચાવ્યો હતો. બીજી ઓવર પેસ બોલર સાકિબ હસને કરી હતી જેમાં તેણે યશસ્વી જયસ્વાલની વિકેટ લીધી હતી. બે ઓવરને અંતે રાજસ્થાનનો સ્કોર 4/4 હતો અને ત્યાર પછી હિન્ગેએ પોતાની બીજી ઓવરમાં રિયાન પરાગને આઉટ કરીને ચોથી વિકેટ લીધી હતી.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં SIR અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લોકોના મતદાર યાદીમાંથી નામ દૂર થયા છે અને તેમની અપીલ પેન્ડિંગ છે. તે લોકો મતદાન નહિ કરી શકે.
ગુવાહાટીના ગ્રાઉન્ડના માળીઓને પચીસ લાખનું ઇનામ
આસામ ક્રિકેટ અસોસિયેશને ગુવાહાટીમાં ખરાબ વાતાવરણ છતાં આઇપીએલની ત્રણ મૅચનું સફળતાથી આયોજન કરાવવામાં મોટી ભૂમિકા ભજવવા બદલ સ્ટેડિયમના માળીઓને કુલ મળીને પચીસ લાખ રૂપિયાનું ઇનામ આપ્યું છે. પિચ ક્યૂરેટર અને માળીઓએ તથા વિપરીત પરિસ્થિતિ પિચને રમવાલાયક જાળવી રાખી હતી. તાજેતરમાં હાર્દિક પંડ્યાએ વાનખેડે સ્ટેડિયમના માળીઓમાંથી પ્રત્યેકને 10,000 રૂપિયાનું ઇનામ આપ્યું હતું.
ભારતીય લશ્કરના બૉક્સરો એશિયન સ્પર્ધામાં જીત્યા આઠ મેડલ
મોંગોલિયામાં તાજેતરમાં જ પૂરી થયેલી એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ભારતીય લશ્કરના મુક્કાબાજો કુલ આઠ મેડલ જીત્યા જેમાં ત્રણ ગોલ્ડ મેડલ સામેલ હતા. સુવર્ણચંદ્રક જીતનારાઓમાં વિશ્વનાથ સુરેશ, પ્રીતિ પવાર તેમ જ અરુંધતી ચૌધરીનો સમાવેશ હતો. ભારતીય બૉક્સર્સની આ સિદ્ધિ તેમની અપાતી તાલીમના ઉચ્ચ ધોરણ, શિસ્તભાવના અને શ્રેષ્ઠ સ્પર્ધાત્મકતાનો પુરાવો છે.
કિશન સદી ચૂક્યો, બિશ્નોઈ-દેશપાંડે-જોફ્રાની બોલિંગની ધુલાઈ બાદ સંદીપે લીધી વિકેટ
રાજસ્થાન સામેની મૅચમાં હૈદરાબાદનો કૅપ્ટન ઇશાન કિશન (91 રન, 44 બૉલ, છ સિક્સર, આઠ ફોર) નવ રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો. તેણે નવ રન કર્યા હોત તો આ વખતની આઇપીએલમાં ચેન્નઈના સંજુ સૅમસન પછીનો બીજો સેન્ચુરિયન બન્યો હોત. કિશને આઉટ થતાં પહેલાં રવિ બિશ્નોઈની એક ઓવરમાં સિક્સર ફટકાર્યા બાદ તુષાર દેશપાંડેની ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો મારીને પોતાનો સ્કોર 76 ઉપર પહોંચાડ્યો હતો. તે સેન્ચુરીની વધુ નજીક પહોંચી રહ્યો હતો. તેણે જોફ્રા આર્ચરની ઓવરમાં હૅટ-ટ્રિક સિક્સર ફટકારી હતી, પણ ત્યાર બાદ સંદીપ શર્માની ઓવરમાં તેને જ કૅચ આપી દીધો હતો. સંદીપે વિકેટકીપર જુરેલ સાથેની હળવી ટક્કરમાં કૅચ ઝીલવામાં સફળતા મેળવી હતી. 15 ઓવરમાં હૈદરાબાદનો સ્કોર 3/154 હતો.
ભારત માટે સારા સમાચાર, ઇરાને કહ્યું ભારતીય જહાજોનો સુરક્ષિત માર્ગ અમારી ગેરંટી
મિડલ ઈસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે સતત વધી રહેલા વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ભારતમાં ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોનો સુરક્ષિત માર્ગ અમારી ગેરંટી છે. અમે કોઈ ટોલ વસૂલતા નથી. ભારત અમારો વિશ્વસનીય ભાગીદાર છે.
અભિષેક શર્માનો ગોલ્ડન ડક, જોફ્રાએ પહેલા જ બૉલમાં કૅચઆઉટ કરાવ્યો
રાજસ્થાન સામે આક્રમક ઓપનર અભિષેક શર્મા મૅચના પહેલા જ બૉલમાં આઉટ થઈ જતાં હૈદરાબાદને શરૂઆતમાં જ ઝટકો લાગ્યો છે. અભિષેકના ગોલ્ડન ડક માટે જોફ્રા આર્ચર અને રવિ બિશ્નોઈ જવાબદાર હતા. જોફ્રાના બૉલમાં અભિષેકનો ડીપ બૅકવર્ડ પૉઇન્ટ પર બિશ્નોઈએ કૅચ ઝીલ્યો હતો. એ ઓવરમાં માત્ર બે રન થયા હતા. બીજા ઓપનર ટ્રૅવિસ હેડ સાથે કૅપ્ટન ઇશાન કિશન જોડાયો હતો.
અમેરિકાની નાકાબંધી બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા 15 ભારતીય જહાજ, નૌ-સેના સુરક્ષા કરી રહી સુરક્ષા
મિડલ ઈસ્ટમાં સતત તણાવ વધી રહ્યો છે. જેમાં ઈરાન અને અમેરિકાના હોર્મુઝ સ્ટ્રેટ પર દાવાને લઇને સ્થિતી વધુ વિકટ બની છે. જેના હવે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય જહાજોની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલમાં જ ભારતનું LPG જહાજ જગ વિક્રમ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઇને ભારત પહોંચવાની તૈયારીમાં છે. જોકે, આમ છતાં અમેરિકાની નાકાબંધીની જાહેરાત બાદ હજુ પણ 15 ભારતીય જહાજ ફસાયેલા છે. જેની ભારતીય નૌ-સેના સુરક્ષા કરી રહી છે.
રાજસ્થાને ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી, હૈદરાબાદ કેટલો લક્ષ્યાંક આપશે?
હૈદરાબાદમાં રાજસ્થાન રૉયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. હૈદરાબાદના હિટર્સ હોમગ્રાઉન્ડ પર રાજસ્થાનને કેટલો લક્ષ્યાંક આપશે એ જોવું રહ્યું. રાજસ્થાન પહેલી ચારેય મૅચ જીત્યું છે, જ્યારે હૈદરાબાદે ચારમાંથી ત્રણ મૅચમાં પરાજય જોયો છે. રાજસ્થાનની ટીમમાં બે ફેરફાર કરાયા છે. શિમરૉન હેટમાયરને આરામ અપાયો છે અને બૅટ્સમૅન લુઆન-ડ્રે પ્રિટોરિયસને રમવાની તક અપાઈ છે. પેસ બોલર બ્રિજેશ શર્માના સ્થાને તુષાર દેશપાંડેને ફરી રમવાનો મોકો અપાયો છે. બ્રિજેશે 10મી એપ્રિલે બેંગ્લૂરુના જિતેશ શર્મા અને ટિમ ડેવિડની વિકેટ લીધી હતી. તુષારે ચોથી એપ્રિલે અમદાવાદમાં ગુજરાત સામે રાજસ્થાનને છેલ્લા બૉલે રોમાંચક વિજય અપાવ્યો હતો. હૈદરાબાદે બે પેસ બોલર હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટને ઇલેવનમાં નથી સમાવ્યા અને વિદર્ભના પેસ બોલર પ્રફુલ હિન્ગેને ડેબ્યૂનો મોકો આપ્યો છે. સાકિબ હુસેનને ઇમ્પૅક્ટ પ્લેયર્સની યાદીમાં સમાવાયો છે.
BCCI/IPL
પંજાબમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સત્કાર બિલ મંજૂર, અપમાન બદલ આજીવન કેદથી મૃત્યુદંડની સજા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભાના ખાસ સત્ર દરમિયાન 'જગત જગત જોત શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સત્કાર (સુધારા) બિલ, 2026' રજૂ કર્યું હતું.આ સુધારા બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. આ બિલ પર બોલતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાન બદલ આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
નોઈડામાં કામદારોના હિંસક પ્રદર્શન બાદ યોગી સરકાર એકશનમાં, હાઈ લેવલ કમિટીની રચના
ઉત્તર પ્રદેશના નોઈડામાં સોમવારે કામદારો દ્વારા કરવામાં આવેલું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે. જેમાં પગાર વધારા માટે પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓએ હિંસક બન્યા હતા. તેમજ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક વાહનો અને સંપત્તિને નુકસાન થયું હતું અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જેના લીધે આ વિસ્તારમાં પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો છે. જેની બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હરકતમાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગીના નિર્દેશો પર કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશ શ્રમ વિભાગે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
પાકિસ્તાની શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 78,000 કરોડ રૂપિયા ઘોવાયા
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ વિશ્વના મોટાભાગના શેરબજારોમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેમાં ભારતીય શેરબજારમાં પણ મોટો ઘટાડો થયો છે. જોકે,આની સૌથી વધુ અસર પાકિસ્તાનન શેરબજારમાં જોવા મળી છે. પાકિસ્તાન શેરબજારમાં સોમવારે 4 ટકાનો ઘટાડો થયો અને રોકાણકારોના રૂપિયા 78,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ભારતીય LPG જહાજ જગ વિક્રમ આવતીકાલે મુંબઈ પહોંચે તેવી શક્યતા
મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય LPG જહાજ જગ વિક્રમ 14 એપ્રિલે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. તેમાં 20,400 ટન એલપીજી ભરેલું છે. વિદેશ મંત્રાલયની મદદથી ભારતીય ધ્વજવાળા જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઈરાનમાં સેનાના સમર્થનમાં લોકોએ પ્રદર્શન કર્યું, એકતાનો સંદેશ આપ્યો
અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતી વિકટ બની રહી છે. તેવા સમયે ઇરાનમાં સામાન્ય નાગરિકો ફરી એકવાર રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ મોટી સંખ્યામાં લોકોએ દેશની સેનાના સમર્થનમાં પ્રદર્શન કર્યું અને સંભવિત અમેરિકન આક્રમણ સામે એકતા દર્શાવી હતી. જેમાં તહેરાન સહિત અનેક શહેરોમાં મોટી સંખ્યામાં લોકોએ માર્ચ કરી હતી. તેમજ સુરક્ષા દળોની સાથે મજબૂત રીતે ઊભા રહેવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.
સુરતમાં ફોર્મ ચકાસણીના દિવસે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને સામને
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ છે. ફોર્મ ચકાસણીનો દિવસ હોવાથી ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોના ફોર્મ ચકાસણી કરવા માટે જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પક્ષના કાર્યકરોએ આમને સામને સૂત્રોચાર કર્યા હતા.
નારી શક્તિ વંદન અધિનિયમ પર શું બોલ્યા વડા પ્રધાન મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારી શક્તિ વંદન અધિનિયમ પર બોલતા અને મહિલાઓની વધતી ભૂમિકાને રેખાંકિત કરતા કહ્યું કે, 'દેશની વિકાસ યાત્રાના મહત્વના તબક્કાઓ વચ્ચે ભારત 21મી સદીના સૌથી મોટા નિર્ણયોમાંથી એક નિર્ણય લેવા જઈ રહ્યું છે. આ નિર્ણય નારી શક્તિ અને નારી શક્તિ વંદનને સમર્પિત છે. આપણા દેશની સંસદ એક નવો ઈતિહાસ રચવાની નજીક છે. આ ઈતિહાસ ભૂતકાળની કલ્પનાઓને સાકાર કરશે અને ભવિષ્યના સંકલ્પોને પૂર્ણ કરશે.
આશા ભોસલેના આજે અંતિમ સંસ્કાર થશે
જાણીતા સિંગર આશા ભોસલેનું રવિવારે 12 એપ્રિલે 92 વર્ષની વયે નિધન થયું હતું. આજે તેમના અંતિમ સંસ્કાર થશે. ગાયિકાના પાર્થિવ શરીરના અંતિમ દર્શન બપોરે 3 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન પર થશે. સાંજે 4 કલાકે દાદરના શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.