Sat Jul 11 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:09 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-09 08:29:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-09 21:59:31

ભારતે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરીઃ ટીમમાં બે ફેરફાર

બ્રિસ્ટલમાં ઇંગ્લૅન્ડ સામે સિરીઝની ચોથી ટી-20માં શ્રેયસ ઐયરે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈજાગ્રસ્ત હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીના સ્થાને પ્રસિદ્ધ ક્રિષ્ના અને વૉશિંગ્ટન સુંદરનો સમાવેશ કરાયો છે. વૈભવ સૂર્યવંશીને ઇલેવનમાં જાળવી રાખવામાં આવ્યો છે. ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કૅપ્ટન શ્રેયસ ઉપરાંત અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્નાનો સમાવેશ છે. ઇંગ્લૅન્ડની ટીમમાં લિઆમ ડૉસનના સ્થાને રેહાન અહમદ રમશે. ભારતે સિરીઝનો પરાજય બચાવવા આજે જીતવું જ પડશે.

2026-07-09 21:30:29

અમેરિકામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ ચાર્જશીટ, હત્યા અને ખંડણી સહિતના ગુના સામેલ

ભારત બાદ હવે અમેરિકા પણ કુખ્યાત  લોરેન્સ બિશ્નોઈ ગેંગ ગાળિયો કસાયો છે. જેમાં અમેરિકા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ હત્યા, ખંડણી અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર આરોપો સાથે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

2026-07-09 21:29:30

રામમંદિરમાં દર્શનથી લઇને દાન વ્યવસ્થામાં  22 જુલાઇથી થશે બદલાવ

 અયોધ્યામાં રામમંદિર દાન ચોરી કેસમાં અત્યાર સુધીની તપાસમાં સંચાલન અને દાન ગણતરી પ્રક્રિયામાં અનેક ખામીઓ પ્રકાશમાં આવી છે. જેના પગલે 22 જુલાઇના રોજથી રામમંદિરની સંચાલન વ્યવસ્થામાં વ્યાપક ફેરફારો કરવામાં આવશે.

2026-07-09 21:27:58

ફિફા વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગમાં રમી ચૂકેલા ફૂટબોલરનું ડૂબી જવાથી મૃત્યુ

રોમાનિયાના બુખારેસ્ટ શહેરથી મળેલા અહેવાલ અનુસાર રોમાનિયાનો ભૂતપૂર્વ ફૂટબૉલ ખેલાડી ગૅબ્રિયેલ મુરેસન સરોવરમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે. તે થોડા વર્ષ પહેલાં જે શહેરનો મેયર હતો એ જ શહેરની નજીકના લેકમાં બુધવારે ડૂબી ગયો હતો. ગૅબ્રિયેલ મિડફીલ્ડર હતો. હંગેરી વતી તે નવ મૅચ રમ્યો હતો. ખાસ કરીને 2007થી 2011 દરમ્યાન તે વર્લ્ડ કપ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડની મૅચમાં તેમ જ યુરોપિયન ચૅમ્પિયનશિપમાં રમ્યો હતો. તેણે ત્રણ વખત ક્લુજ નામની ક્લબને રોમાનિયન લીગનું ટાઇટલ અપાવ્યું હતું. પ્રોફેશનલ ફૂટબૉલમાં તે મૅન્ચેસ્ટર યુનાઇટેડ અને ચેલ્સી વિરુદ્ધ રમ્યો હતો.

 

2026-07-09 21:26:55

ટ્રમ્પ સરકાર બદલશે વિઝાના નિયમો

યુએસ વિઝાના નવા નિયમોથી ભારતીય વિદ્યાર્થીઓ અને આઈટી ક્ષેત્રના વ્યાવસાયિકો પર મોટી અસર પડી શકે છે. રોજગાર આધારિત ગ્રીન કાર્ડ અને વિદ્યાર્થી વિઝાધારકોમાં ભારતીયો સૌથી વધુ છે, જેથી આ નવા પ્રસ્તાવિત ફેરફારોની સીધી અસર ભારત પર પડશે.

2026-07-09 21:25:04

મમતા બેનર્જીને આંચકો, ટીએમસીના ત્રણ ભૂતપૂર્વ  સાંસદો ભાજપમાં જોડાયા

પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને મમતા બેનર્જીની કારમી હાર બાદ મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં ટીએમસીના ત્રણ ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદો  સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રોય અને પ્રકાશ ચિક બરૈક હવે ભાજપમાં જોડાયા છે.

2026-07-09 21:24:06

20 જુલાઇના CJP સંસદ માર્ચ

ચોમાસુ સત્રના પ્રારંભે જ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળશે. કોકરોચ જનતા પાર્ટી (CJP)એ ૨૦ જુલાઇના રોજ સંસદ માર્ચની જાહેરાત કરીને વિદ્યાર્થીઓના હિતમાં સરકાર સામે મોરચો માંડ્યો છે, જેમાં દેશભરમાંથી લોકોને જોડાવા અપીલ કરાઇ છે.

2026-07-09 21:21:22

અમેરિકાનો બુશેહર પાવર પ્લાન્ટ પર હુમલાનો દાવો, ઇરાને નકાર્યો

અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની આપેલી ધમકી બાદ અમેરિકાએ ઈરાનના બુશેહર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. જોકે, ઈરાનના બુશેહરના ગવર્નર મોહમ્મદ મુઝફ્ફરીએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે.

2026-07-09 21:20:48

ગુજરાતમાં વરિયાળીનો ભેળસેળવાળો રૂપિયા 19.6 લાખનો 26 ટન જથ્થો જપ્ત

ગુજરાતના  ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ મોટી કાર્યવાહી કરીને  મહેસાણા જિલ્લાના ઊંઝા પાસે આવેલા ઉનાવા ખાતેથી કેમિકલ કલરની ભેળસેળવાળો રૂ. 19.6 લાખની કિંમતનો 26 ટનથી વધુ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

2026-07-09 17:09:47

સુરતમાં ખાડી પૂરની સમસ્યાના ઉકેલ માટે રૂપિયા 500 કરોડની ફાળવણી, સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થિતીની સમીક્ષા કરી

સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સુરતમાં ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી ડેવલપમેન્ટ માટે રૂપિયા 500  કરોડની ફાળવણી કરવામાં  આવશે.

2026-07-09 16:02:33

પીએમ મોદીએ મેલબોર્નમાં પ્રવાસી ભારતીયોને સંબોધ્યા, કહ્યું આ કાર્યક્રમ હાઉસફૂલ

પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં પ્રવાસીભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ તેમને ઉમકાભેર આવકાર્યો હતો. તેમજ કહ્યું હતું કે આ કાર્યક્રમ હાઉસફૂલ અને બ્લોક બસ્ટર છે.

2026-07-09 15:30:49

ન્યુઝીલેન્ડની પીએમ મોદીના પ્રવાસ પૂર્વે મહત્વપૂર્ણ જાહેરાત, 57 ટકા નિકાસ ડ્યુટી-ફ્રી રહેશે

પીએમ મોદી હાલમાં ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના  પ્રવાસે છે. ત્યાંરે  પીએમ મોદીની ન્યુઝીલેન્ડ મુલાકાત પૂર્વે  વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં વેલિંગ્ટનથી નવી દિલ્હી સુધીની 57 ટકા નિકાસ પહેલા દિવસથી જ ડ્યુટી-ફ્રી રહેશે.

2026-07-09 15:01:44

ચીનના ચીફ ઈકોનોમિસ્ટનું સંદીગ્ધ અવસ્થામાં મોત

ચીનની અર્થવ્યવસ્તા અને કેપિટલ માર્કેટ મુદ્દે બિંદાસ્ત પોતાનો અભિપ્રાય આપનારા ચીનના ચીફ ઈકોનોમિસ્ટ ગાઓ શાનકેન 55 વર્ષની ઉંમરે સંદીગ્ધ અવસ્થામાં મૃત મળી આવ્યા હતા. ચીને તેમના મૃત્યુને ગંભીર બીમારી હોવાનો દાવો કર્યો છે.

2026-07-09 11:09:12

ઑસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કરશે

બે દિવસીય સત્તાવાર પ્રવાસે ઑસ્ટ્રેલિયા પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન શહેરમાં આયોજિત પ્રતિષ્ઠિત સીઇઓ (CEO) ફોરમને સંબોધિત કરી હતી. આ વૈશ્વિક સમિટ દરમિયાન ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વેપાર અને શિક્ષણ ક્ષેત્રે કેટલાય મોટા નિર્ણયો લેવાયા છે. ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝના જણાવ્યા અનુસાર, ઑસ્ટ્રેલિયાનું એક હાઈ-લેવલ વ્યાપારી પ્રતિનિધિમંડળ આગામી ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે અને ઑસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કરશે.

2026-07-09 10:04:39

હર્ષ સંઘવીએ અમદાવાદમાં અત્યાધુનિક RTOનું લોકાર્પણ કર્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. નવી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વિવિધ સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.

2026-07-09 09:11:02

બંને દેશોના હિત માટે ભારત-ઑસ્ટ્રેલિયાએ સાથે મળીને આગળ વધવું જરૂરી: પીએમ મોદી

PM મોદીએ ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ અને ઇકોનોમિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઑસ્ટ્રેલિયાએ ભવિષ્યની મજબૂત ભાગીદારીનો પાયો નાખ્યો છે. પીએમએ કહ્યું કે દુનિયા આ સમયે અનિશ્ચિતતા, સપ્લાય ચેઇનમાં અવરોધ અને ઊર્જા સંકટનો સામનો કરી રહી છે. આવા સમયે ભારત અને ઑસ્ટ્રેલિયાનું વિશ્વસનીય ભાગીદાર તરીકે સાથે આગળ વધવું જરૂરી છે.

2026-07-09 08:30:32

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 60 તાલુકામાં જ વરસાદ વરસ્યો છે.  માત્ર બે તાલુકામાં જ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નાનાપોંઢામાં 1.50 ઇંચ અને કપરાડામાં 1.34 ઇંચ વરસાદ વરસ્યો છે. 58 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.