Tue Jul 07 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:07 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-07 08:31:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-07 21:43:13

ભારતે ફીલ્ડિંગ પસંદ કરીઃ બિશ્નોઈના સ્થાને પ્રિન્સ યાદવ ટીમમાં

નૉટિંગમમાં ભારતના સુકાની શ્રેયસ ઐયરે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટી-20 માટે થયેલો ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. બીજી મૅચની જે ટીમ હતી એમાં ધાર્યા મુજબ એક ફેરફાર કરાયો છે. સ્પિનર રવિ બિશ્નોઈના સ્થાને પેસ બોલર પ્રિન્સ યાદવને ટીમમાં સામેલ કરાયો છે. બીજી મૅચમાં બિશ્નોઈની 17મી ઓવરમાં જે 29 રન બન્યા એને કારણે ભારત હારી ગયું હતું. વૈભવ સૂર્યવંશી શનિવારે ડેબ્યૂ મૅચમાં ફક્ત 14 રન બનાવી શક્યો હતો. હવે આજે તેની ફરી પરીક્ષા થશે. લક્ષ્યાંક મેળવવામાં તે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. ભારતીય ટીમઃ શ્રેયસ (કૅપ્ટન), વૈભવ, અભિષેક, ઇશાન (વિકેટકીપર), તિલક, શિવમ, અક્ષર, હર્ષિત, પ્રિન્સ, અર્શદીન અને વરુણ ચક્રવર્તી.

 
2026-07-07 20:27:29

ટીનુ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચે ફોન કોલ મુદ્દે રાજકારણ ગરમાયું, પોલીસ તપાસની માંગ

અયોધ્યા રામમંદિર ચોરીમાં રાજકારણ ગરમાયું છે. જેમાં હવે રામ મંદિર દાન ચોરી કેસના આરોપી ટીનુ યાદવ અને સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ વચ્ચે ફોન કોલના પગલે મામલો ગરમાયો છે. આ બાબતને વિપક્ષે ખોટી ગણાવીને અનેક લોકો વિરુદ્ધ પોલીસ તપાસની માંગ કરી છે.

2026-07-07 18:28:59

ચંપત રાયે રામભક્તોના નામે લખ્યો પત્ર, કહ્યું તમામ સત્ય સામે આવશે

અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસમાં ટ્રસ્ટના મહાસચિવ રહેલા ચંપત રાય પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના પગલે તેમણે મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમજ તેમના પર મૂકવામાં આવેલા આરોપો અંગે રામભકતોના નામે એક પત્ર લખ્યો છે.

2026-07-07 17:38:34

અમરનાથ યાત્રામાં 40 વર્ષનો રેકોર્ડ તૂટયો, પાંચ દિવસમાં 1 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી પવિત્ર અમરનાથ યાત્રામાં આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. તેમજ આ વર્ષે 40 વર્ષનો શ્રદ્ધાળુઓનો રેકોર્ડ તૂટયો છે. જેમાં પ્રથમ પાંચ દિવસમાં જ 1 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.

2026-07-07 17:14:04

બુરહાન વાનીની પુણ્યતિથિ પર કરાંચીમાં ભારત વિરોધી ષડયંત્ર રચાયું

જમ્મુ કાશ્મીરમાં સેના સાથેની અથડામણમાં માર્યા ગયેલા  હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીની 10મી પુણ્યતિથિ પર પાકિસ્તાનના કરાંચીમાં ટોચના આતંકવાદી કમાન્ડરોની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં ભારત વિરોધી ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.

2026-07-07 16:15:30

પીએમ મોદીનો ચીન પર આડકતરો પ્રહાર, કહ્યું ભારત વિસ્તારવાદ નહિ વિકાસવાદના માર્ગે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ  ઇન્ડોનેશિયા સંસદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ચીનની વિસ્તારવાદી નીતી પર આડકતરો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારત વિસ્તારવાદ નહિ પરંતુ વિકાસવાદના માર્ગ પર ચાલે છે.

2026-07-07 15:42:54

કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, ચીનની સેના ભારતમાં પ્રવેશી હોવાનો દાવો ખોટો

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા ચીનની સેના ભારતમાં 60 કિલોમીટર સુધી પ્રવેશી ચૂકી હોવાના દાવાને ખોટો ગણાવ્યો છે. આ અંગે સોશિયલ મીડિયા પર વિડીયો જોવા મળ્યો હતો.

2026-07-07 14:52:55

સીરિયાની રાજધાની દમાસ્કસમાં સિરિયલ બ્લાસ્ટ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંની હોટલની બહાર બોમ્બ વિસ્ફોટ

દમાસ્કસ: સીરિયામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની મુલાકાત દરમિયાન રાજધાની દમાસ્કસમાં જોરદાર વિસ્ફોટ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર  કે આ વિસ્ફોટ મેક્રોનની હોટલની નજીક જ થયો છે. સુરક્ષા સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિને વિસ્ફોટનો અવાજ સંભળાયો ન હતો. ફ્રાંસીસી રાષ્ટ્રપતિએ ત્યારબાદ સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શારા સાથે મુલાકાત કરી હતી. બશર અલ-અસદ સરકારના ગયા પછી સીરિયામાં રાજકીય સ્થિરતા આવી રહી હતી, પરંતુ આ ધડાકાએ ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કરી દીધા છે. સીરિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા છે.

 
2026-07-07 14:52:04

દિલ્હીમાં અફઘાનિસ્તાનના ક્રિકેટરનું અવસાન

પાટનગર નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝડ્રાનનું ખૂબ ઓછી જાણીતી બીમારી સામે ઝઝૂમ્યા બાદ અવસાન થયું છે. તેને હૅમોફેગોસાયટિક લીમ્ફોહિસ્ટિયોસાયટસિસ (એચએલએચ) નામની બીમારી હતી. તે ઘણા દિવસથી દિલ્હીની હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર લઈ રહ્યો હતો. તે 2009થી 2020 દરમ્યાન 44 વન-ડે અને 36 ટી-20 રમ્યો હતો.

2026-07-07 14:40:56

બપોરે 12 થી 2ના સમયગાળામાં રાજ્યમાં 89 તાલુકામાં વરસાદ

રાજ્યમાં બપોરે 12 થી 2ના સમયગાળામાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ આ સમયગાળામાં નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 2.76 ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં 2.68 ઇંચ, નવસારીમાં 2.68 ઇંચ, દહેગામમાં 2.36 ઇંચ, કામરેજમાં 2.13 ઇંચ વરસાદ વરસ્યો હતો.

2026-07-07 14:22:32

નવી મુંબઈ એરપોર્ટ પર દુર્ઘટના ટળી

નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે ઇન્ડિગોની ફ્લાઇટનું લેન્ડિંગ છેલ્લી ક્ષણે અટકાવી મોટી દુર્ઘટના ટાળવામાં આવી. પાઇલટની સતર્કતાનો વીડિયો થયો વાયરલ.

2026-07-07 14:11:27

અમદાવાદમાં શરૂ થયો વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. બાપુનગર, નિકોલ, નરોડા, ઓઢવ, સરસપુર, લાલદરવાજા, શાહપુર સહિત પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

2026-07-07 13:10:41

રાજ્યમાં 6 કલાકમાં 119 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 6 થી બપોર 12 એમ 6 કલાકના સમયગાળામાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક તાલુકામાં 6 ઇંચથી વધુ, એક તાલુકામાં 5 ઇંચથી વધુ, ત્રણ તાલુકામાં 4 ઇંચથી વધુ, ચાર તાલુકામાં 3 ઇંચથી વધુ, નવ તાલુકામાં 2 ઇંચથી વધુ, 16 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 85 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. સુરતના કામરેજમાં સૌથી વધુ 6.18 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-07-07 11:49:13

રાજ્યમાં વરસાદથી 167 રસ્તાઓ બંધ

માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ પાણી ભરાવાને કારણે રાજ્યભરમાં વાહનવ્યવહાર માટે કુલ 167 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાં 1 સ્ટેટ હાઇવે (ખેડા જિલ્લો), 7 અન્ય મુખ્ય માર્ગો, 157 પંચાયત હસ્તકના રસ્તાઓ અને 2 નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. સૌથી વધુ વલસાડ જિલ્લામાં 62 પંચાયતી રસ્તાઓ અને નવસારીમાં 26 રસ્તાઓ બંધ છે.

2026-07-07 10:53:09

ડાંગના સુબીરમાં બે કલાકમાં 3.50 ઇંચ વરસાદથી જળબંબાકાર

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ, સવારે 8 થી 10ના સમયગાળામાં રાજ્યના 61 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ડાંગના સુબીરમાં બે કલાકમાં જ 3.50 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર થઈ ગયું હતું. વ્યારામાં બે કલાકમાં 2.05 ઇંચ, સુરતના મહુવામાં 1.81 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

2026-07-07 08:59:27

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સવારથી બોલાવી સટાસટી

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સવારે 6 થી 8 ના સમયગાળામાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તાપીના વાલોદમાં 2 કલાકમાં 2.76 ઇંચ, કામરેજમાં 2.56 ઇંચ, બારડોલીમાં 2.05 ઇંચ, વલસાજમાં 1.73 ઇંચ, પલસાણામાં 1.10 ઇંચ, અંબિકામાં 1.06 ઇંચ, નવસારીમાં 0.98 ઇંચ , ધરમપુરમાં 0.87 ઇંચ વરસાદ નોંધાયો છે.

2026-07-07 08:47:54

2008 બ્લાસ્ટ કેસમાં આજે મોટો ચુકાદો

2008 બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટના ચુકાદા પર આજે હાઈ કોર્ટ નિર્ણય લેશે. 38ને ફાંસી, 11ને આજીવન કેદ પર સુનાવણી થશે. તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે.  સિરીયલ બ્લાસ્ટમાં 57નાં મોત, 244 લોકો  ઘાયલ થયા હતા. રાજ્યભરની નજર હાઇ કોર્ટના નિર્ણય પર રહેશે.